મિત્રના લગ્નમાં જવા નીકળેલા યુવક ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો અને..

વ્યારા-

વ્યારા તાલુકાના રૂપવાડા ગામે રહેતા બે યુવકો રાતે મિત્રના લગ્નમાં જવાનું કહી મોટરસાયકલ પર નીકળ્યા હતા.જે બે યુવકોની લાશ વ્યારા તાલુકાના કાજણ ગામના ગોવાળદેવના મંદિર પાછળ સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં સાંજે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં વ્યારા પોલીસ ઘટના સ્થળે જઈ ને બને લાશોનો કબ્જાે લઈને વ્યારા પીએમ રૂમમાં મૂકી દેવાઈ હતી. આ અગમ્ય કારણસર મોતનો ગુનો નોંધી વધુ તપાસ વ્યારા પોલીસે હાથ ધરી હતી. આ અંગે સૂત્રો પાસે થી પ્રાપ્ત વિગત મુજબ વ્યારા રૂપવાડા ગામના આંબલી ફળિયામાં અનિલભાઈ લાલજીભાઈ ચૌધરી (૨૧) તેના પરિવાર સાથે રહે છે અને આજ ફળિયામાં જગદીશભાઈ રણજીતભાઈ ચૌધરી (૨૨) તેના પરિવાર સાથે રહે છે.

બે યુવકો મિત્રો છે અને વિવિધ સ્થળે છુટક કડીયા કામ કરી જીવન ગુજારે છે. ગત રવિવારે રાત્રે અનિલ અને જગદીશ તેમના ઘરેથી વ્યારાના કેળકુઈ ખાતે લગ્નમાં જવા બાઇક પર નીકળ્યા હતા. જે બાદ બીજા દિવસે પરત ઘરે ન આવ્યા હતા. બીજી તરફ કાજણ ગામની સીમમાં આવેલા ગોવાળદેવ મંદિર પાછળ આવેલ એક સાગના ઝાડ સાથે બે અજાણ્યા યુવકોની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સ્થનિકોએ કાજણના સરપંચ કિરણભાઈને જાણ કરી હતી અને કિરણભાઈએ વ્યારા પોલીસ ને જાણ કરતા વ્યારા પોલીસ ઘટના સ્થળે આવી બંને લાશો નીચે ઉતારી તપાસ હાથ ધરતા આ યુવકો અનિલ ચૌધરી અને જગદીશ ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું.

જે અંગે મરનારના પરિવારજનોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવ્યા હતા આ લખાઈ રહ્યું છે. ત્યારે રાતે ૮.૩૦ કલાકે પોલીસ દ્વારા બને યુવકોના મૃતદેહ પીએમ રૂમમાં મુકાયા હતા અને પરિવારની ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી હતી. મંગળવારે સવારે પીએમ વિધિ હાથ ધરશે. વ્યારાના રૂપવાડા ગામના કડીયા કામ કરતા યુવક લગ્નમાં કેળકુઈ જવાનું કહી નીકળ્યા બાદ કાજણના ગોવાળદેવ નજીક ફાસોની ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. મૃતદેહોની થોડા અંતરે અનિલની મોટરસાયકલ પાર્ક કરેલી મળી આવી હતી. અનિલ પાસે મોબાઈલ મળી આવ્યો હતો. જ્યારે જગદીશ પાસે મોબાઈલ મળ્યો ન હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution