બેટી ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં યુવાનનું મોત બેને ઇજા

રાજકોટ રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલક જયસુખભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પત્ની અને પુત્ર સાથે સસરાના ઘરે આંટો મારવા જતા હતા અને અકસ્માત નડ્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના કાળાસર ખેરડીમાં રહેતાં જયસુખભાઈ છગનભાઈ કેકડીયા તેના પત્ની ગીતાબેન અને પુત્ર ચેતન સાથે બાઈક લઈને કાળાસર ખેરડીથી નવાગામ રહેતા તેના સસરાના ઘરે આંટો મારવા જતા હતા. ત્યારે અમદાવાદ હાઈવે પર આવેલા બેટી ગામ પાસે ભારત બ્રોન્ઝ શોરૂમ નજીક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં જયસુખભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની પત્ની અને પુત્રને શરીરે અને હાથે ગંભીર ઈજા પહોંચી હતી અને રાહદારીઓએ ૧૦૮ને જાણ કરતા દોડી આવી હતી. જયસુખભાઈને જાેઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ઈજાગ્રસ્ત માતા- પુત્રને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. મૃતક જયસુખભાઈ ખેતમજૂરી કરતા હતા અને ત્રણ ભાઈ બહેનમાં મોટા હતા. જ્યારે સંતાનમાં બે પુત્ર છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી ફેલાઈ હતી. જે અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માત થયા બાદ ટ્રાફિકજામ થતાં ટ્રાફિક પૂર્વવત કરાયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution