વડોદરા : આજે સવારે શહેરના સમા તરફ જવાના મંગલ પાંન્ડે રોડ પર આવેલ વિવાદાસ્પદ અઘોરા મોલ પાસે બાઇક સવાર આશાસ્પદ યુવાનને ગમખ્વાર સીમેન્ટ કોંક્રીટ મિક્ષર ડમ્પરનો અકસ્માત નડતા તેનું અકાળે મોત થયું હતું. અકસ્માત મોતના બનાવને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતાં. લોકોનો રોષ પારખી ગયેલા અઘોરા મોલમાંથી નિકળેલ ડમ્પર ચાલક ડમ્પરને ઘટના સ્થળે મુકી ફરાર થઇ ગયો હતો. સમા પોલીસને અકસ્માત મોતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરિસ્થિતિ વણસે એ પહેલાં જ સ્થિતિને કાબુમાં લીધી હતી. ડમ્પરને જમા કરી કાયદેસરની કાર્યવાહી સાથે યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
બીજી તરફ અકસ્માત મોતના બનાવને પગલે વિવાદાસ્પદ અઘોરા મોલના સંચાલક વિરૂદ્ધ રોષ ભરાયેલા સ્થાનિક રહિશોએ માનવ સાંકળ રહી વિરોધ નોંધાવ્યો હતો. અકસ્માત મોતના બનાવની પ્રાપ્ત વિગત મુજબ, શહેરના સમા સાવલી રોડ પર આવેલ નંદાલય સોસાયટીમાં રાકેશભાઇ રમણલાલ દેસાઇ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ જી.એસ.એફ.સી.માં નોકરી કરે છે જ્યારે તેમનો પુત્ર ઉર્શિલ દેસાઇ (ઉ.વ.૨૮) કાલા ઘોડા વિસ્તાર ખાતે આવેલ કંપનીની ઓફિસમાં સર્વિસ કરતો હતો. ઉર્શિલ રોજના સમયે આજે પણ સવારે બાઇક ઉપર હેલ્મેટ પહેરી ઓફિસ જવા માટે ઘરેથી નિકળ્યો હતો. તે સમા મંગલ પાંન્ડે રોડ પરથી પસાર થતો હતો તે વખતે અઘોરા મોલમાં નિકળી રહેલા સીમેન્ટ કોંક્રીટ મિક્ષર મશીનના ડમ્પર ચાલકે ઉર્શિલ દેસાઇની બાઇકને અડફેટમાં લીધી હતી. જેમાં ઉર્શિલ બાઇક પરથી ઉછળીને રોડ પર પટકાયો હતો. જેથી તેને હેલ્મેટ પહેર્યું હોવા છતાં આશાસ્પદ યુવાન ઉર્શિલ દેસાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ અકાળે કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત મોતના બનાવને પગલે લોકો ટોળા એકત્રીત થયા હતાં. લોકટોળાનો રોષ પારખી ગયેલ ડમ્પર ચાલક ડમ્પરને ઘટના સ્થળે મુકી ફરાર થઇ ગયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ફરાર ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ઉર્શિલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
અઘોરા મોલની પાછળ બનેલા પ્રધાનમંત્રી આવાસ હેઠળ બનેલા આવાસના રહીશોએ આ સ્થળે બનતા અકસ્માત તથા પુરઝડપે જતા વાહનને પગલે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્રના વહિવટી અધિકારીઓને સ્પીડ બ્રેકર બનાવવા માટે વારંવાર રજૂઆત કરી રહ્યા હતાં પરંતુ પાલિકાના સત્તાધીશોએ સ્પીડ બ્રેકર ન બનાવતાં સ્થાનિકો રહીશોએ ફાળો એકત્રીત કરી સ્વ ખર્ચે સ્પીડ બ્રેકર બનાવ્યું હતું. પરંતુ પાલિકાના કેટલાક જી હજુરીયા અધિકારીઓએ વગદાર વ્યક્તિઓ મૌખિક આદેશથી બનાવેલું સ્પીડ બ્રેકર સોમવારે દુર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ગણતરીના કલાકોમાં જ એક આશાસ્પદ યુવાને અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. અકસ્માત મોતના બનાવને કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડી આવ્યા હતાં અને સ્થાનિકો સાથે માનવ સાંકળ રહી અઘોરા મોલના બિલ્ડર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.