પંચમહાલ-
વિકાસની દ્રષ્ટિએ આજે માનવસમાજે પ્રગતિ કરી છે છતાં મહિલાઓની લાચારી અને દયનીય હાલતના કિસ્સાઓ અવારનવાર આવતાં જ રહે છે. પંચમહાલ જિલ્લામાં આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય દિવસના દિવસે જ પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી લેવાઈ હતી. આ મહિલા પોતાના પુત્ર સાથે તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરવા જતાં તેને અટકાવીને પૂછતાં ચોકાવનારું કારણ જણાવ્યું હતું.
મહિલાએ જણાવ્યું હતું કે તે પોતાના પુત્ર સાથે તળાવમાં છલાંગ લગાવવા જઈ રહી હતી. એક જાગૃત નાગરિકે મહિલાને આવું કરતા અટકાવી હતી અને પોલીસને જાણ કરી હતી. આ કેસમાં એવી વિગત સામે આવી છે કે મહિલાના પતિને જેલમાં પુરાવનાર વ્યક્તિએ મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. મહિલા જ્યારે ફરિયાદ પાછી ખેંચવા માટે આજીજી કરવા પહોંચી હતી ત્યારે ફરિયાદીએ તેની સાથે સંબંધ બાંધવાની માંગ કર્યાનો આક્ષેપ કર્યો હતો. પંચમહાલના હાલોલમાં વિશ્વ મહિલા દિવસે જ એક મહિલા પોતાના 16 વર્ષના દીકરા સાથે હાલોલ તળાવમાં આપઘાત કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન તળાવ પાસે ઊભેલા એક વ્યક્તિની નજર મહિલા પર પડતા તેણે મહિલાને આપઘાત કરતા અટકાવી હતી. આ વ્યક્તિએ મહિલાને બચાવી લીધા બાદ તે બાબતની વિગતોની પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરવા માટે જઈ રહેલી મહિલાનો પતિ જેલમાં હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં આવી પણ વિગતો ખુલી છે કે, મહિલાના પતિને જે વ્યક્તિએ જેલમાં પુરાવ્યો હતો તેણે મહિલા પાસે અભદ્ર માગણી કરી હતી. જે બાદમાં મહિલાને લાગી આવતા પુત્ર સાથે આપઘાત કરવા માટે દોડી આવી હતી. મહિલાએ જણાવ્યું છે કે તે પતિ સામેની ફરિયાદ પાછી ખેંચવાની આજીજી કરવા માટે ફરિયાદી પાસે ગઈ હતી. આ દરમિયાન પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ મહિલાને તેની સાથે અંગતપળો માણવાની માંગણી કરી હતી. જે બાદમાં મહિલાને લાગી આવ્યું હતું અને તેણી આપઘાત કરવા માટે દોડી ગઈ હતી.પ્રાપ્ત વિગત પ્રમાણે આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાના પતિ વિરુદ્ધ ટ્રક વેચાણના પૈસાની લેતીદેતી મામલે કલમ 138 મુજબ ફરિયાદ થઈ હતી. આ કેસમાં ગુના મુજબ સજા કાપી રહેલો પતિ કોર્ટ મુદત હોવાથી હાલોલ કોર્ટમાં આવ્યો હતો. જ્યાં મહિલા પતિને મળવા પહોંચી હતી. મહિલાના આત્મહત્યાના પ્રયાસ બાદ સમગ્ર મામલો હાલોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે આ કેસમાં ગુનો દાખલ કરીને ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.