સુરત-
પતિ દારૂનો નશો કરીને પત્ની પર ત્રાસ ગુજારે અને પત્ની તેને મૂંગે મોઢે સહન કરી લે, એ દિવસો હવે રહ્યા નથી. આજની નારી આવો ત્રાસ સહન કરવાને બદલે પતિને એવો પાઠ ભણાવે છે કે, પતિ ફરીવાર એવું કરવાની ખો ભૂલી જાય. આવું જ કંઈક સુરતની એક નારીએ કરી બતાવતાં તેનો વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દારૂ પીને પત્નીને ત્રાસ આપતા પતિને તેની પત્ની અને પત્નીના ભાઈએ મળીને ટેમ્પા પાછળ બાંધીને એવો ઘસડ્યો હતો કે તેની સાન ઠેકાણે આવી ગઈ હતી.
કડોદરાની સત્યમ શિવમ સોસાયટીમાં રહેતી મહિલાને તેનો પતિ દારૂના નશામાં અવારનવાર માર મારતો હતો. બે દિવસ પહેલા આ બાબતે હદ વટાવી જતાં આખરે પત્નીએ તેના ભાઈ સાથે મળીને પતિને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. તે બંનેએ તેને માર માર્યો હતો એટલું જ નહીં પણ તેને દોરડાથી બાંધીને ટેમ્પો પાછળ ઘસડ્યો હતો. આ ઘટનાનો વિડિયો વાયરલ થતાં શહેરભરમાં તેની ભારે ચર્ચા ચાલી હતી.