વડોદરા: કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે ૩૩ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક ઉપર પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ અને ડભોઇ બેઠક ઉપર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નું જાહેર કરવામાં આવ્યું હતું. જાેકે, વાઘોડિયાની બેઠક ઉપર સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને બદલે સત્યજીતસિંહ ગાયકવાનું નામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે વડોદરા તાલુકા કોંગ્રેસના ૧૦૦ જેટલા હોદ્દેદારો સહિત કાર્યકરોએ કોંગ્રેસના સભ્યપદેથી સામુહિક રાજીનામા આપવાની ચીમકી સાથે મોવડી મંડળે મોકલેલા કોંગ્રેસના અગ્રણી સામે રજૂઆત કરી હતી.જાેકે, તેમની લાગણી પ્રદેશ સુઘી પહોંચાડવાની ખાતરી આપતા બે દિવસ રાહ જાેયા બાદ જાે નિર્ણય નહી બદલાય તો રાજીનામુ આપી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની કેટલાક આગેવાનોએ જાહેરાત કરી હતી.
વાઘોડિયા વિધાનસભામાં બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડને ઉમેદવાર તરીકે જાહેર કરતા કોંગ્રેસ કાર્યકરો દ્વારા સ્થાનિક કાર્યકરને ટિકિટ આપવાની માંગ સાથે રોષ ઠાલવ્યો છે. મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાતાની સાથેજ ગ્રામ્યના કોંગ્રેસના હોદ્દેદારો કોયલી ગામ સ્થિત કોંગ્રેસ અગ્રણી યુગપાલસિંહ ગોહિલના નિવાસ્થાને એકઠા થયા હતા. અને મધરાત સુધી ચાલેલી ચર્ચાના અંતે તા.૧૪ નવેમ્બરના રોજ સવારે એકઠા થઇ કોંગ્રેસના સભ્ય પદેથી સામુહિક રાજીનામા આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
મોડી રાત્રે લેવાયેલા ર્નિણયના પગલે સવારે ૧૧ વાગે વડોદરા તાલુકાના કોંગ્રેસના કાર્યકરો કોયલી કોંગ્રેસ અગ્રણી યુગપાલસિંહ ગોહિલના નિવાસ સ્થાને એકઠા થયા હતા અને વાઘોડિયાની બેઠકના દાવેદાર યુગપાલસિંહ ગોહિલ, દિલીપ ભટ્ટ, માજી તાલુકા પ્રમુખ કનુભાઇ ગોહિલ, વર્તમાન તાલુકા પ્રમુખ પ્રવિણભાઇ મકવાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો એકઠા થયા હતા. જાેકે, નારાજ કાર્યકરોને સાંભળવા મોવડી મંડળ દ્વારા છત્તિસગઢ રાયપુરના મેયરને મોકલ્યા હતા.તેમણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતીમાં તમામને સાંભળ્યા હતા. તાલુકા કોંગ્રેસના અગ્રણીઓએ વિઘાનસભા ક્ષેત્ર બહારના મુકવામાં આવેલા ઉમેદવાર અંગે નારાજગી વ્યક્ત કરી હતી.અને સ્થાનિક ઉમેદવારને નહી મુકાય તો સામુહિક રાજીનામા આપી દેવાની ચીમકી આપી હતી. અને આયાતી ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડને બદલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને વાઘોડિયા બેઠક ઉપર સ્થાનિક યોગપાલસિંહ ગોહિલ કે અન્ય સ્થાનિક ઉમેદવાર જેણે ટીકીટ માંગી છે તેને વાઘોડિયા બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવાની ઉગ્ર માંગણી કરી હતી.
જાેકે, મોવડી મંડળે મોકલેલા અગ્રણીએ તમામની રજૂઆત સાંભળીને તેમની લાગણી મોવડી મંડળ સુઘી પહોંચાડવાની ખાતરી આપી બે દિવસ રાહ જાેવા કહ્યુ હતુ.ત્યારે વડોદરા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બે દિવસ માં કોઈ નિર્ણય નહી લેવાય તો રાજીનામુ આપીને સ્થાનિક અગ્રણીઓ દ્વારા નક્કી કરી કોઈ એક ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડશે તેમ પણ કહ્યુ હતુ.