કુંડામાં ઊગ્યો વેલો, અને વેલે પ્રગટ્યું માસૂમ તડબુજ...

પ્રકૃતિની ઘટનાઓ રમ્ય હોય છે.પછી એ ભલે રૌદ્ર સ્વરૂપ હોય તો પણ ડરમિશ્રિત અહોભાવ તો જગવે જ છે.અને સૌમ્ય ઘટનાઓ દિલથી મન સુધી પ્રસન્નતા ભરી દે છે.રોમેરોમ રોમાંચિત કરે છે.પ્રકૃતિ બિલકુલ માતા જેવી જ છે,અથવા માતા હૂબહૂ પ્રકૃતિ જેવી હોય છે જે શિશુ - સંતાનના કલ્યાણ માટે જરૂર હોય ત્યારે લાલ આંખ તો કરે જ છે અને બાકીનો સમય નિરંતર સ્નેહ વર્ષાવે છે.અને પ્રકૃતિના ગુસ્સામાં અનેરું વ્હાલ હોય છે. એટલે જ પ્રાકૃતિક વિનાશ પછી સૌમ્ય પુનઃ સર્જન અવશ્ય થાય છે. હા,માણસે વેરેલા વિનાશની ક્ષતિ પૂર્તિ ભાગ્યે જ થઈ શકે છે. કારણ માનવ જ્યારે વિનાશે ચઢે છે ત્યારે દાનવ બનીને પ્રકૃતિની સર્વ મર્યાદાઓ લોપે છે. વંઠેલ છોકરા સામે લાચાર માબાપની જેમ પ્રકૃતિ માનવીની વિનાશ લીલા સામે અસહાય અને દયનીય દેખાય છે, કોઈ અતિ વૃદ્ધના સતત ધ્રુજતા રહેતા હાથ જેવી!!

ઘટના એવી બની કે ઘરના એક કુંડામાં લહેરાતા છોડની સાથે માટીમાં સહભાગીદારી કરીને એક વેલો ઉગી નીકળ્યો. પ્રકૃતિ માટે ચાહના એવી કે કુંડામાં ઉગી જતું નકામું ઘાસ ઉખેડી ફેંકવાનું પણ ના ગમે કારણ કે ઘાસ હરિયાળી તો વધારે જ છે ને! એટલે વેલાને ઉછરવા દીધો, જાેત જાેતામાં રાજાની લાડકી કુંવરી જેવો વેલો પાંચ હાથ લાંબો થઈ ગયો.વેલાને અતિક્રમણ કરવાની આદત હોય છે,માણસને પણ હોય છે. જાે કે પ્રકૃતિ ઉગવાના, ઊંચે ચઢવાનો આધાર શોધવા અતિક્રમણ કરે તો માણસ કોઈની ભૂમિ હડપી લેવા, છીનવી લેવા અતિક્રમણ કરે એ આ બે ઘટનાઓમાં ફરક.માણસ ડોનાલ્ડ ટ્રમ્પ જેવો ઝનૂની છે તો એની સામે પ્રકૃતિ બાયડન જેવી ભૂલકણી છે,મોડા વહેલા માફ તો કરી દે.અને પ્રકૃતિની આ સહિષ્ણુતાનો આપણે બધા વ્યાપક ગેરલાભ ઉઠાવીએ જ છે,બાપની જાગીર સમજી ને..સ્તો..!!

ડગમગ ચાલતું નાનુ બાળક દૂર પહોંચી જાય એ રીતે એ વેલો પ્રાંગણ દીવાલ ઓળંગી ગયો.એના પર નાના નાના પીળા ફૂલો બેઠાં એ જાેઈને મન પુલકિત થઇ ગયું.વેલો આગળ વધતા બાજુના ઘરની ફર્શ સુધી લાંબો થઈ ગયો.એક દિવસ કુતૂહલવશ એ વેલાને હળવે હાથે દોરડું ખેંચીએ એમ ઉપર લેવા પ્રયત્ન કર્યો તો બસો એક ગ્રામનું વજન લાગ્યું.એટલે કુતૂહલ વધ્યું. વેલાની આખી લંબાઈને ઉપર લીધી અને પરમ આશ્ચર્ય નિહાળી આંખો પહોળી થઇ ગઈ.

કુંડામાં સાવ અનાયાસ ઉગી નીકળેલા વેલાને છેડે બસો - અઢીસો ગ્રામ વજનનું તડબુજ લટકતું હતું .કેવી મઝાની ઘટના.. કુંડામાં ઊગ્યો વેલો અને વેલે લાગ્યું તડબુજ!! દિલ બાગ બાગ થઈ ગયું !!!

આ તડબુજ એક અદ્‌ભુત ફળ છે. ઉનાળાની બળબળતી ગરમીમાં જીભથી ઉદર સુધી પહોંચે એવી શીતળતા લાલચટ્ટક અને મીઠું મીઠું નરમ અને પાણી વગરના વાદળા જેવું તડબુજ પ્રસરાવે છે.

ઉગીને આકરા થતાં જતાં ઉનાળાની શરૂઆતથી મધ્ય સુધી,રસઝરતી પાકી કેરી મેદાનમાં ના આવે ત્યાં સુધી આ ફળ અને તેના ટેકેદાર જેવી શકરટેટીનો દબદબો રહે છે.પછી સ્વ. હેમવતીનંદન બહુગુણાની સામે મહાનાયક અમિતાભની જેમ પ્રકૃતિ તડબુજની સામે કેરીને મેદાનમાં ઉતારવાની રાજીવ ચાલ ચાલે છે..અને સૌમ્ય પ્રકૃતિનું તડબુજ જાણે કે હાર સ્વીકારી લે છે, કેસર ભરેલા ટેમ્પા આગળ જામતી ભીડ સામે મ્હોં વકાસીને જાેતાં હોય એવા તડબુજના ઢગલા હાટડીઓના ખૂણે પડેલા દેખાય છે.હવે એના નાણાંકીય અને પસંદગીના બંને ભાવ ગગડી જાય છે.પરંતુ મોંઘીદાટ કેરીની સામે હજુ પણ ॅર્ર્િ દ્બીહ'જ ષ્ઠરટ્ઠદ્બॅર્ૈહ એ બની રહે છે.એનું સેવન ભલે કેરી જેવી જાહોજલાલીની ફિલિંગ ના આપે,ગરીબ માણસના બળતા પેટને ઠારે જ છે.

બજારમાં ઢગલો શાકભાજી,મોસમી ફળ મળતા હોય તેની સામે પોતાના વાડાના શાકભાજી,ફળ અને લીલી મકાઈ જેવા ઉત્પાદનોની વાત અનેરી છે.મારા વાડા કે ખેતરના તાજા ફળ ચુંટી લાવ્યો છું એવું ગર્વથી કહેવાય જાય છે.એટલે કુંડામાં ઉગેલી વેલને વળગેલું તડબુજ અદકેરો આનંદ આપે છે. અગાઉ અનાનાસ - પાઈનેપલ (ભલા માણસ..) ની ટોપી એક કુંડામાં રોપી દેતા છોડ ફૂટી નીકળ્યો હતો અને એના પર એક નાનકડું પાઈનેપલ લાગ્યાની ઘટનાનું આ થોડુંક જુદું પુનરાવર્તન હતું. તડબુજે ભૂતકાળની એ રમ્ય ઘટનાની યાદ અપાવી.

હવે આ કુંડામાં પ્રગટેલું તડબુજ કેટલું મોટું થશે,અંદરથી લાલ અને મીઠું હશે કે નઈ એ સમય બતાવશે.બીજા આવા તડબુજ લાગે એ પણ શક્ય છે.

પરંતુ વર્તમાનમાં તો પોતાના ઘરના કુંડામાં,વાવેતરની જહેમત વગર,જમીનમાં દબાઈને અંકુરિત થયેલા એક બીજમાંથી પ્રગટેલા વેલા અને એમાંથી પ્રગટેલા આ તડબુજનું પ્રાગટ્ય અનેરો આનંદ જ આપે છે. જન્માષ્ટમીની મધરાતે પારણે ઝૂલતા લાલા જેવો જ દર્શનીય આનંદ આ માસૂમ ફળ કરાવે છે..સહજ આનંદની આવી ઘટનાઓ જ જીવનનો ખાલીપો પુરે છે ને!!અને શરૂઆતી ઉનાળાના ફળ તડબુજના વરસાદમાં પ્રાગટ્ય થી આ ચોમાસું હંમેશા યાદ રહેવાનું છે...આમેય ચોમાસુ આવી અનેક લીલી ઘટનાઓ સાથે લઈને આવે છે..ક્યારેક પલાળે અને ક્યારેક ડુબાડે છે..

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution