પાંચ પાલિકાની 152 અને 8 તાલુકા પંચાયતની 166 બેઠકના મુરતિયા માટે બે દિવસની કવાયત

નડિયાદ : પાંચ પાલિકાની 152 અને 8 તાલુકા પંચાયતની 166 બેઠકના મુરતિયા માટે બે દિવસની કવાયત પૂર્ણ કરવામાં આવી છે. મુરતીયાઓએ દાવેદારી નોંધાવી દીધી છે. હવે કળશ કોની પર ઢોળાશે, તે આગામી દિવસોમાં જાણવાં મળશે.

ખેડા જિલ્લાની 5 પાલિકા અને 8 તાલુકા પંચાયતની કુલ 318 બેઠક માટે ઉમેદવારી પસંદગી માટે ભાજપમાં બે દિવસથી મોવડી મંડળ દ્વારા સ્ક્રૂટીની ચાલી રહી હતી. શનિવારની મોડી સાંજે પૂર્ણ થઇ હતી. આ બેઠકના અંતે કુલ 1038 મુરતિયા લાઇનમાં ગોઠવાયાં છે. હવે, મોવડી મંડળ કોના પર કળશ ઢોળશે, તે આગામી એકાદ અઠવાડિયામાં બહાર આવશે.

ખેડા જિલ્લામાં નડિયાદ પાલિકા ઉપરાંત પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાનાર છે. આ ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં છેલ્લા બે દિવસથી નિરીક્ષકો રમણભાઈ વોરા, જયસિંહજી ચૌહાણ અને મીનાક્ષીબહેન પટેલ ખાસ આવ્યાં હતાં. તેઓએ સતત મેરેથોન બેઠક યોજી ઉમેદવારોને સાંભળ્યાં હતાં.

ઉપરાંત અન્ય નેતાઓની પણ સેન્સ લીધી હતી. જેના પગલે તાલુકા પંચાયત અને પાલિકાની કુલ 318 બેઠક માટે 1038 દાવેદારોનું આખરી લીસ્ટ તૈયાર કરાયું છે. આ લીસ્ટ આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ જશે. જ્યાંથી ઉમેદવારોના નામ જાહેર કરાશે. હાલ આ મામલે ખુદ ઉમેદવારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સૌથી વધુ ઠાસરા તા. પં.માં 121 અને નડિયાદ પાલિકાની 52 બેઠક માટે 177 દાવેદારો આગળ આવ્યાં છે.

સૌથી વધુ ઠાસરા તાલુકા પંચાયતમાં દાવેદારી

તા. પંચાયત ‌ ફોર્મ

ખેડા તાલુકા પંચાયત 67

માતર તાલુકા પંચાયત 53

વસો તાલુકા પંચાયત 53

નડિયાદ તાલુકા પંચાયત 65

મહુધા તાલુકા પંચાયત 62

મહેમદાવાદ તા. પંચાયત 91

ઠાસરા તાલુકા પંચાયત 121

ગળતેશ્વર તાલુકા પંચાયત 69

સૌથી વધુ નડિયાદ નગરપાલિકામાં દાવેદારી

નગરપાલિકા ફોર્મ

નડિયાદ નગર પાલિકા 177

કપડવંજ નગર પાલિકા 76

કણજરી નગર પાલિકા 77

કઠલાલ નગર પાલિકા 45

ઠાસરા નગર પાલિકા 82

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution