ગાંધીનગર-
જીવલેણ કોરોના સામેની જંગ નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. જે અંતર્ગત ગુજરાત સહિત સમગ્ર દેશમાં શનિવારથી વિશ્વના સૌથી મોટા વૅક્સીનેશન અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હવે ગુજરાતમાં વૅક્સીનેશનને લઈને બનાવેલા ટાઈમ ટેબલ મુજબ સપ્તાહના ૩ દિવસ જ વૅક્સીન આપવામાં આવશે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ વૅક્સીનેશનને લઈને ગાઈડ લાઈન સાથે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જે મુજબ રાજ્યમાં દર સપ્તાહે મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે કોરોના વૅક્સીન અપાશે.
અગાઉ એવી અટકળો થઈ રહી હતી કે, સપ્તાહના ૭ દિવસ સુધી વૅક્સીનેશનનો કાર્યક્રમ ચાલુ જ રહેશે. જાે કે વહીવટી તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોવાથી મૂઝવણની સ્થિતિ સર્જાયી હતી. મંત્રાલયનું કહેવું છે કે, મોટા રાજ્યો પોતાના ત્યાં સપ્તાહમાં ૪ દિવસ સુધી વૅક્સીનેશન અભિયાન ચલાવશે, જ્યારે નાના રાજ્યોને અઠવાડિયામાં બે દિવસ વૅક્સીનેશન અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયના આદેશ બાદ અનેક રાજ્યોએ પોતાની સગવડતાના હિસાબે વૅક્સીનેશનના દિવસો નક્કી કર્યાં છે. જે અંતર્ગત ગુજરાતમાં ૪ દિવસ સુધી વૅક્સીન આપવામાં આવશે.
આંધ્ર પ્રદેશ એક એવું રાજ્ય છે, જ્યાં રવિવારને બાદ કરતાં સપ્તાહના ૬ દિવસ સુધી વૅક્સીન આપવામાં આવશે. જ્યારે અસમ, બિહાર, દિલ્હી, ચંદીગઢ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં ૪-૪ દિવસ વૅક્સીનેશન અભિયાન ચાલશે. જ્યારે ગોવામાં દર શુક્રવાર અને શનિવારે વૅક્સીનેશન અભિયાન ચલાવવામાં આવશે, તો હિમાચલ પ્રદેશમાં માત્ર સોમવાર અને મંગળવારે વૅક્સીન અપાશે. જ્યારે નાગાલેન્ડ, ઓડિશામાં ત્રણ દિવસ, તો ઉત્તર પ્રદેશમાં અઠવાડિયાના બે દિવસ જ વૅક્સીનેશન અભિયાન ચાલશે.