એક શિક્ષક વિદ્યાર્થીનું જીવન બદલી શકે છે!

એક ગામડામાં લોકો ખૂબ જ ગરીબ હતાં. ત્યાંના લોકોમાં શિક્ષણ બાબતે કોઈ જાગૃતિ નહતી. ગામમાં સરકારી શાળા હતી. પરંતુ કોઈ વિદ્યાર્થીઓ તેમાં ભણવા જતા નહતાં. અને ભણવા જતા હતાં તે પણ એવા જ વિદ્યાર્થીઓ હતાં જે લોકો ફક્ત સરકારી સહાયનો લાભ લેવાનો ઈરાદો ધરાવતા હતાં. એટલે તે લોકોને ભણતરમાં તો કોઈ રસ જ નહતો. ત્યારે કુલદીપ યાદવ નામના એક યુવાન શિક્ષકની બદલી તે સરકારી શાળામાં થઈ.

ગામડાનો ખૂબ પછાત વિસ્તાર હોવાથી કુલદીપના ઘણા મિત્રોએ કહ્યું કે આ શાળામાં તારી બદલી તારા માટે એક સજા ગણાશે. જ્યારે ઘણા મિત્રોએ એવું પણ કહ્યું કે, તારે તો હવે ઘણું સારું પડશે કે શાળામાં વિદ્યાર્થીઓ જ ના હોય તો ભણાવવાની ઝંઝટ જ નહીં રહે. તારે તો મોજ જ મોજ છે. વગર ભણાવ્યે પણ સરકારી પગાર તો મળવાનો જ છે.

દરેક વ્યક્તિ કુલદીપને અલગ - અલગ સૂચન આપી રહ્યા હતાં. પણ કુલદીપનું મન કંઇક જુદું કરવામાં જ હતું. તે શાળાએ પહોંચ્યો ત્યારે શાળા ખૂબ જ બિસ્માર હાલતમાં હતી. ત્યાંના બીજા શિક્ષકો પણ ખૂબ જ બેદરકાર હતાં. શિક્ષકો પોતાનો રીતે મોજમસ્તી કરતા અને વિદ્યાર્થીઓ પણ પોતાની રીતે રમત કર્યા કરતા હતાં. શાળામાં કોઈ જાતની સુવિધા નહતી. ઘણા વિદ્યાર્થીઓ તો રજા પર હતાં. અને રજા રાખીને બાળમજૂરી કરવા ગયા હતાં. આ બધું જાણ્યા બાદ કુલદીપે શાળાને જીવંત કરવા માટે દિલથી કામ કરવાનો ર્નિણય લીધો.

કુલદીપ ઘરે ઘરે જઈને વાલીઓને મળવા લાગ્યો. બાળમજૂરી એક ગુનો કહેવાય એ વિશે જ્ઞાન આપવાનું શરૂ કર્યું, અભ્યાસનું મહત્વ સમજાવ્યું,મોટા સપના બતાવવાનું શરુ કર્યું અને બાળકોને શાળાએ મોકલવાની વિનંતી કરી. કુલદીપના આવા સખત પ્રયાસોથી બાળકો શાળાએ આવતા થયાં.

કુલદીપ બાળકોને સતત પ્રેરણા આપીને આગળ વધવા માટે મદદ કરવા લાગ્યો. તેણે વાલીઓને પણ વ્યસનમૂક્ત થવા સમજાવ્યું. અને વ્યસનમાં થતાં ખર્ચ બંધ કરી બાળકોના ભવિષ્ય માટે બચત કરવાની સલાહ આપી.

દસ વર્ષના સમયગાળામાં કુલદીપે આખા ગામની શકલ બદલી નાખી. જે બાળકો મજૂરી કરવા જતાં હતા. તે લોકો શાળામાં જઈને ભણવા લાગ્યાં. આ વિદ્યાર્થીઓ એવા હોંશિયાર બની ગયા હતાં કે કોઈ ખાનગી શાળાનો વિદ્યાર્થી સામે ઊભો હોય તો તેણે પણ ટક્કર મારે. એક સાવ જુદા જ પ્રકારના સમાજની રચના કરવા એક શિક્ષક સક્ષમ છે. એટલે જ કહેવાય છે, 'એક શિક્ષક વિધાર્થીનું જીવન બદલી શકે છે!’

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution