વડોદરા,તા.૧૫
શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજાને ચાકુનો ઘા મારી દેતા હાહાકાર મચી ગયો હતો. ચાકુથી થયેલા હુમલામાં લોહીલુહાણ બનેલા વિદ્યાર્થીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બનાવની જાણ જે તે પોલીસ મથકે કરવામાં આવી હતી.
હાલમાં ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ -૧૨ની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન સમા રોડ પર આવેલી એક સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં નવાયાર્ડના એક ધોરણ-૧૨ના વિદ્યાર્થીનો નંબર આવ્યો હતો. ધોરણ-૧૨ કોમર્સનો આ વિદ્યાર્થી અને અન્ય એક વિદ્યાર્થી વચ્ચે નજીવી બાબતે વિવાદ થયો હતો. જેની અદાવત રાખીને નવાયાર્ડના વિદ્યાર્થીને નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે બોલાવવામા આવ્યો હતો. જેથી તે પોતાના મિત્રો સાથે મહેસાણા નગર ગરબા મેદાન પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી જ મૌજુદ અન્ય વિદ્યાર્થીઓએ તેમની ઉપર હુમલો કર્યો હતો. જેમાં એક વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલુ ધારદાર ચાકુ કાઢીને એને ઉંડો ઘા મારી દેતા ધોરણ-૧૨નો વિદ્યાર્થી લોહીલુહાણ બન્યો હતો. જેથી સારવાર માટે તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી અને આ બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકે જાણ પણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ પોલીસે તપાસ શરૂ કરી છે.