લેખકઃ અસ્મિતા માવાપુરી |
પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના જાેતી તપસ્યા, પોતાના જીવનની દરેક સમસ્યાનો સામનો કરી ગામથી શહેરમાં આવી હતી. તે એક ફેશન ડિઝાઇનર બનવા માંગતી હતી.
ગામથી શહેરમાં આવેલ તપસ્યા પોતાના મામાને ઘરે રોકાઈ હતી. તે પોતાની સાથે જેટલી રકમ લઈને આવી હતી તે બધી રકમ તો એડમિશન વખતે ફી ભરવામાં જ વપરાઈ ગઈ હતી. હવે તેણે પોતાના ખાધાખોરાકી માટે પૈસાની જરૂર હતી. આમ તો તે મામાને ત્યાં રોકાઈ હતી એટલે રૂપિયા ન ચૂકવે તો પણ ચાલે, પરંતુ મામીના કઠોર સ્વભાવને કારણે તેણે પાર્ટ ટાઇમ નોકરી કરવાનો વિચાર કર્યો.
હવે સવાલ એ હતો કે ગામડાંની છોકરીને નોકરીએ રાખે કોણ ? તેણે પોતાના મામાને પોતાના માટે નોકરી શોધવા કહ્યું. મામાએ તેનો પૂરતો સાથ આપ્યો. પરંતુ તેણે કોઈ પણ નોકરી આપવા તૈયાર નહીં થયું. એટલે તેણે લોકોના ઘરે સાફ - સફાઈ અને વાસણ સાફ કરવાનું કામ કરવાનો ર્નિણય લીધો. મામીએ આ કામ શોધવામાં તેની મદદ કરી. તે સિવાય મામીની પણ એક શરત હતી કે તે જે કંઈ કમાઈને લાવે, તેણે પોતાના ખાધાખોરાકી તરીકે તેમને આપવાના અને તેમના ઘરનું બધું જ કામ તેણે ઉપાડી લેવાનું, પછી જે ભણવું હોય તે ભણવાનું. તેણીએ મામીની એ શરતનો પણ સ્વીકાર કર્યો.
તપસ્યા સવારમાં વહેલી ઊઠીને, મામીના ઘરનું બધું જ કામકાજ કરતી અને પછી બીજાના ઘરે કામ કરવા જતી. ત્યાંથી આવીને તે કોલેજ જતી. કૉલેજથી આવતા સાંજ થઈ જતી. સાંજે આવીને પણ પાછું મામીના ઘરનું કામ પતાવતી અને પછી બીજાના ઘરે કામ કરવા જતી.
કામકાજમાં વ્યસ્ત રહેતી છતાંય તેનું ભણવામાં પૂરતું ધ્યાન હતું. તે કોલેજમાં પ્રેક્ટિકલ પ્રોજેક્ટ પણ ખૂબ જ સારી રીતે તૈયાર કરતી હતી. આમ કરતાં ત્રણ વર્ષ વિતી ગયાં અને ઘણી કઠીન સમસ્યાઓનો સામનો કર્યા બાદ તેણે ખૂબ જ સારા ગ્રેડ સાથે પોતાની ફેશન ડિઝાઇનરની ડિગ્રી હાંસલ કરી લીધી.
હવે સવાલ હતો કે તેણે આ ફેશન ડિઝાઇનર તરીકે કામ કઈ રીતે કરવું ? ઘણા વિચાર પછી તેણે ખ્યાલ આવ્યો કે તે જે લોકોના ઘરે ઘરકામ કરવા જાય છે. તે સ્ત્રીઓ પાસેથી જ ડ્રેસ બનાવવાનો ઓર્ડર લઇ તો! એટલે તેણે બધી સ્ત્રીઓને પોતાના બનાવેલા ડ્રેસના ડીઝાઈન દેખાડ્યા અને તેમની પાસેથી ઓર્ડર લેવાનું શરૂ કર્યું. તેણે ઓર્ડર તો મળી ગયાં પણ ડ્રેસ બનાવવા માટે સિલાઇ મશીન અને સામાનની જરૂર હતી. તે માટે તેણે લોન લેવાનો વિચાર કર્યો. તેણે પોતાના મામાની મદદથી લોન મેળવી. પછી સિલાઈ મશીન અને સામાનની ખરીદી કરી. પોતાનું કામ શરૂ કર્યું. રાત-દિવસ મહેનત કરીને ઓર્ડર પ્રમાણે ડ્રેસ તૈયાર કર્યા. પરંતુ સમય પર ઓર્ડર પૂરો નહીં કરવાને કારણે ઘણી સ્ત્રીઓએ પોતાનો ઓર્ડર કેન્સલ કર્યો. એટલે તે ડ્રેસ તેણે પોતાના જ માથે પડ્યાં.
તપસ્યાએ પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ઘણો સખત પરિશ્રમ કર્યો, છતાંય કિસ્મતને તેની સફળતા મંજૂર નહતી. પરંતુ તેનું મનોબળ ખૂબ જ મજબૂત હતું એટલે તે નિષ્ફળતા જાેઈને હિંમત ન હારી. અને માથે પડેલ ડ્રેસની સાથે બીજા થોડાંક ડ્રેસ તૈયાર કર્યા અને તે બધા ડ્રેસ લઈને તેણે બજારમાં વેચવાનું શરૂ કર્યું. તેની સારી કમાણી થવા લાગી. એટલે તે મામાનું ઘર છોડીને ભાડાના મકાનમાં રહેવા જતી રહી. તેણે પોતાના માતા-પિતા અને ભાઈ-બહેનને પણ ગામથી પોતાની સાથે રહેવા માટે બોલાવી લીધાં.
ઘણા મહિનાઓ સુધી તેણે આમ જ બજારમાં પોતાના બનાવેલા ડ્રેસ વેચ્યાં. એક દિવસ એક મોટી ડિઝાઇનર કંપનીના માલિક બજાર પાસેથી પસાર થઈ રહ્યા હતાં, ત્યારે તેમની નજર તપસ્યા અને તેના બનાવેલા ડિઝાઇનર ડ્રેસ પર પડી એટલે તેઓ પોતાની કારમાંથી ઉતરીને તપસ્યા પાસે આવ્યાં. તેમણે તપસ્યાને આટલા સરસ ડિઝાઇનર ડ્રેસ દુકાનમાં નહીં અને આવી રીતે બજારમાં વેચવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે પોતાની બધી વ્યથાઓ જણાવી. અને તે જ સમયે તે સાહેબે તેને પોતાની કંપનીમાં નોકરીએ રાખી લીધી. અને તે દિવસથી જ તપસ્યાના સુખી જીવનની શરૂઆત થઈ ગઈ. તેણે પોતાના મજબૂત મનોબળથી નિષ્ફળતાને હરાવી બતાવી હતી.