ક્રોધાગ્નિની કાળઝાળ

લેખકઃ દારા ભેંસાણિયા | 

મારો મિજાજ તો બહુ ખરાબ!”

મને ગુસ્સો આવે ત્યારે ભલભલા ઠંડા થઈ જાય!’

આમ તો હું ગુસ્સે થતો નથી, પણ ગુસ્સો આવ્યો તો ખલાસ! હું કોઈના હાથનો નહીં.’

મારો સ્વભાવ જાણે એટલે મને કોઈ છેડે જ નહીં!”

કેટલીક વ્યક્તિઓને આપણે ગૌરવપૂર્વક ઉપરોક્ત વાક્યો બોલતાં સાંભળીએ છીએ. કેટલી વિચિત્ર વાત છે! માણસ દુર્ગુણમાંથી પણ ગૌરવ શોધે છે. બીજાઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે.

શું કહેવું આવા નાદાનોને! તેમને ખબર નહિ હોય કે ક્રોધ ર્નિબળતાની નિશાની છે. ક્રોધ તો કોઈ વિરલ પુરુષ જ સહી શકે. તે માટે બળ જાેઈએ. કોઈને તમાચો મારવા માટે બહુ શક્તિની જરૂર નથી. તમે શારીરિક રીતે બળવાન હોવા છતાં કોઈનો તમાચો ખાઈ લો તો જ તમે સાચા બળવાન. બાકી તો ‘દુબલે કાજીકો ગુસ્સા બહોત.’

ભગવતી ગંગાજીના પ્રવાહને માત્ર ભોળા શંકર જ ઝીલી શકે, તેમ ક્રોધના મહાગ્નિને માત્ર પ્રેમનું પાવક પાણી જ ઠારી શકે. જેનું હૃદય સમસ્ત વિશ્વના જનો માટે પ્રેમથી ભરપૂર છે તે ક્રોધને સહી લે છે. તેનામાં ક્રોધ જ ઉદ્‌ભવતો નથી. આવી વ્યક્તિ માટે ઓશો કહે છે, ‘જાે તમે મને ગાળ દો અને મારી અંદર ક્રોધ પેદા થયો તો તમે મને ચલાવ્યો, પણ જાે તમે મને ગાળ દો અને મારામાં પ્રેમ પ્રકટે તો મેં તમને ચલાવ્યા.’

પરિમલ શાંત પ્રકૃતિનો યુવાન હતો. તેની પત્ની સુજાતા અગ્નિદેવની દીકરી હોય તેવી ક્રોધિત હતી. તે વાતવાતમાં ચિડાઈ જતી. બંનેના લગ્નને હજી એક જ વર્ષ થયું હતું. પરિમલની શાંતિ તેના ક્રોધાગ્નિને ઠારી દેતી હતી.એક રવિવારે સુજાતાએ પરિમલને શાક લાવવા મોકલ્યો. રસ્તામાં પરિમલનો જૂનો ભાઈબંધ હિતેશ મળી ગયો. તે ખૂબ આગ્રહ કરી પરિમલને તેના ઘરે લઈ ગયો. હિતેશના ઘરે જૂની વાતોમાં બે કલાક વ્યતિત થઈ ગયા. પરિમલને અચાનક સુજાતા અને શાકભાજી યાદ આવતાં તે તરત હિતેશની રજા લઈ બહાર નીકળ્યો. તેણે જલદીથી શાકભાજી લઈ ઘર તરફ પ્રયાણ કર્યું. પરિમલને ઘરમાં દાખલ થતો જાેઇને જ સુજાતાની કમાન છટકી- ‘તમે શાકભાજી ખરીદવા ગયા હતા કે ઉગાડવા? નાનું બાળક પણ પંદર મિનિટમાં આવી જાય ત્યાં તમે બે કલાક લગાડી દીધા? કઈ ગલીમાં ઘૂસી ગયા હતા? તમારી રાહ જાેઈને છેવટે ડુંગળી-બટાકાનું શાક બનાવી દીધું. ક્યારની તમારી થાળી પીરસી દીધી છે! લો, હવે ઠંડું જ ખાવ!’

પરિમલે તરત થાળી ઊંચકી સુજાતાના માથા ઉપર મૂકી દીધી.

“આ શું કરો છો?’ સુજાતાએ પૂછ્યું.

‘કંઈ નહીં, એ તો ભોજન ગરમ કરું છું. આ ક્રોધથી તારું આખું શરીર ગરમ થઈ ગયું છે. આ ખંડ પણ ગરમ થઈ ગયો છે તો આ ભોજન ગરમ થતાં વાર શી?’ પરિમલ બોલ્યો. પરિમલની શીતળતાએ સુજાતાની ક્રોધિત વૃત્તિને શિથિલ બનાવી દીધી. તેનાથી હસી પડાયું. તેણે મનમાં વિચાર્યું કે પરિમલમાં કેટલું ભોળપણ છે! હવે પછીથી ગુસ્સો ન થવાનો તેણે સંકલ્પ કર્યો.

પૃથ્વી પર જીવનની શરૂઆત સાથે જ તેને અચડણરૂપ બને તેવા પરિબળોની હાજરી હતી. તેથી સક્રિય બળમાં એક વધારાનું સ્પંદન મૂકવામાં આવ્યું. આ વધારાનું સ્પંદન તેમાં ક્રોધ સ્વરૂપે, નિષ્ક્રિય બળ કે અચડણોને ઓળંગવા માટે અંદરથી વધારાનું બળ આપે છે.

માણસના અસ્તિત્વ પહેલાં પણ ક્રોધ હતો. ઉત્ક્રાંતિના ક્રમમાં ક્રોધ ચોક્કસ લાક્ષણિક્તાઓ અને ખાસીયતો સ્વરૂપે વ્યક્ત થયો છે. અચડણ કે અવરોધોને ઓળંગવાના વધારાના સ્પંદનની અભિવ્યક્તિ, દાંત કચકચાવવા, ઘુરકીયા કરવા, પંજા ઘસવા, કે ઘુરકાટના અવાજાે દ્વારા થાય છે. કેટલાંક પ્રાણીઓ તેમના સંવનન કાળમાં અત્યંત ઉશ્કેરાટમાં જાેવા મળતાં હોવાથી કોઈ દખલ કરનાર પર હુમલો કરી બેસે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution