સ્માર્ટ મીટર સામે વિરોધનું વાવાઝોડું

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુભાનપુરથી શરૂ થયેલો વિરોધ આજે ધીમે ધીમે આખા શહેરમાં ફેલાઈ રહ્યો છે. સ્માર્ટ વીજ મીટર ગ્રાહકો માટે નુકશાન છે, સામાન્ય કરતા વપરાશ વધી જાય છે સહિતની અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આજરોજ સમા વિસ્તારના રહીશોનો મોરચો સમા કચેરી ખાતે પહોંચ્યો હતો. વાવાઝોડાની જેમ પ્રસરી રહેલો વિરોધ હવે, આખા શહેરમાં ફેલાશે તે નક્કી જ છે. આજરોજ સમા કચેરી ખાતે ગ્રાહકો દ્વારા સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં રામધૂન બોલાવી સરકારની હાય હાયના નારા લગાવાયા હતા. તો બીજી તરફ સાંજ પડે સમા વિસ્તારની જાદવ નગર સોસાયટીમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઇ હતી. જ્યાં મહિલાઓનો એક જ સુર હતો કે અમારી પાસે સ્માર્ટ ફોન જ નથી તો સ્માર્ટ મીટરનું શું કરીશું?

વીજ કંપનીની સમા કચેરી ખાતે એકત્ર થયેલા ટોળામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી. જેમાં વૃદ્ધ મહિલાનો પણ સમાવેશ થાય છે. જે મહિલાઓ પાસે સ્માર્ટ ફોન નથી તો રિચાર્જ કઈ રીતે કરવું, મીટર રીડિંગ કઈ રીતે જાેવું તે જ મોટો પ્રશ્ન ઉભો થયો છે. મહિલાઓ દ્વારા એક જ માગ કરવામાં આવી છે કે અમને અમારા જુના મીટર પાછા આપો. આંદોલનમાં જાેડાયેલી મહિલાઓનું કહેવું છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અમારા બિલ વધી ગયા છે. બીજી તરફ ટોળા દ્વારા કચેરીમાં હાજર અધિકારીને ત્રણ દિવસમાં તમારા સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટર પાછા લગાવવા કહ્યું હતું. જાે તેમ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

રિચાર્જ કરાવતાંની સાથે જ રૂપિયા ઊડી જાય છે

ટોળા પૈકીના અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, મારા ઘરે ૨૯મી એપ્રિલના રોજ મીટર લગાવવામાં આવ્યું છે. જેની સાથે જ અમે રૂ. ૧૩૦૦નું રિચાર્જ પણ કરાવ્યું હતું. પરંતુ તે થોડાકે જ દિવસમાં પૂર્ણ થઇ ગયું અને અમારે ફરી રિચાર્જ કરવું પડ્યું હતું. સામાન્ય રીતે અમારું ઘરનું બે મહીંનાઉ બિલ રૂ. ૧૨૭૦ જેટલું જ આવે છે. તો અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાવ્યા ત્યારે રૂ. ૩૫૦૦નું રિચાર્જ કરાવ્યું હતું. જેમાંથી રૂ. ૨૭૦૦ ગણતરીના દિવસોમાં જ કપાઈ ગયા હતા. અમારા ઘરમાં સ્માર્ટ ફોન પણ નથી તો વપરાશ કેટલો થયો કેવી રીતે ખબર પડશે. જયારે અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારું બે મહિનાનું બિલ રૂ. ૨૦૦૦ જેટલું આવતું હતું. હવે, રૂ. ૨૦૦૦નું રિચાર્જ ૨૦ દિવસ પણ નથી ચાલતું.

ભાજપ સામે વિરોધ

લોકસભાની ચૂંટણી બાદ શરૂ થયેલા સ્માર્ટ મીટરના વિરોધના પડઘા હવે, આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં પડશે તેમ લોકો જણાવી રહ્યા છે. સમા કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા લોકો પૈકી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગનાને સ્માર્ટ મીટર અંગે કોઈ માહિતી આપવામાં આવતી જ નથી. એટલું જ નહીં મીટર લગાવવાની ના પાડીયે તો ધમકી આપવામાં આવે છે. ત્યારે વીજ કંપની દ્વારા બળજબરી કરવામાં આવી રહી છે. અમારી રજૂઆત પર યોગ્ય ર્નિણય નહીં લેવાય તો અમે ગાંધીનગર જઈશું.

શહેરના ગ્રાહકોને વીજ કંપની પર વિશ્વાસ જ નથી રહ્યો ઃ એસોસિએશન

ઓલ ગુજરાત ઈલેક્ટ્રિસિટી યુઝર્સ એસો. દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી કલેકટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પત્ર સુપરત કર્યું હતું. જેમાં તેમણે તાત્કાલિક સરકારની ચારે વીજ વિતરણ કંપનીઓ સ્માર્ટ મીટરો લગાવવાનુ બંધ કરે તે માટે રજૂઆત કરી હતી. સંગઠને જણાવ્યું હતું કે, વડોદરાના ગ્રાહકોને હવે, વીજ કંપની પર વિશ્વાસ રહ્યો નથી. લોકોની સંમતિ લેવાની પણ દરકાર કરાઇ નથી. ગ્રાહક ઘરે હોય અને વિરોધ કરે તો ધમકાવીને અને ઘરે ન હોય તો કહ્યા વિના જ મીટર બદલી દેવાય છે. બીજી તરફ ગ્રાહકોને આજે પણ ટેરીફની ગણતરી ખબર જ નથી. ભૂતકાળમાં તો વીજ બિલમાં યુનિટ વપરાશના સ્લેબ તેમજ ફ્યુલ ચાર્જને લઈને થોડી પારદર્શિતા હતી પણ નવા મીટરને લઈને તો ગ્રાહકને અંધારામાં જ રખાયા છે. અમારી દલીલ છે કે, ગ્રાહકો સ્માર્ટ મીટરમાં છ ગણું પેમેન્ટ કરી રહ્યા છે. પહેલા બિલ ભરવા માટે સમય મળતો હતો હવે તો તે પણ નહીં મળે. સાથે સાથે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ટાઈમ ઓન ડેટ ટેરિફ સિસ્ટમ શરુ કરાશે. જેમાં ટેરિફ બજારની માગના આધારે નક્કી થશે. ખાસ કરીને રાત્રે વીજ વપરાશના દર વધી જશે. અમને ડર છે કે, સ્માર્ટ મીટરમાં અત્યારે ભલે કૃષિ જાેડાણોનો સમાવેશ નથી કરાયો પરંતુ ભવિષ્યમાં ખેડૂતોને અપાતી ઈલેક્ટ્રિક સબસિડી પાછી ખેંચી લેવાશે અને તેની સીધી અસર કૃષિ પેદાશો પર થશે.

રિચાર્જ કરવું કે ખાવાનું લાવવું તે પ્રશ્ન

સમા કચેરીએ રજૂઆત કરવા આવેલી એક વૃધ્ધ મહિલાએ જણાવ્યું હતું કે, હું ભાડાના મકાનમાં રહું છું. મારા પરિવારની માસિક આવક રૂ. ૧૦,૦૦૦ જ છે. મારા ઘરે જયારે સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે જ મેં કહ્યું હતું કે, હું ભાડુઆત છું. મારે સ્માર્ટ મીટર નથી જાેઈતું. ત્યારે તેમને ધમકી આપી હતી કે, જાે મીટર લગાવવા નહીં દો તો અમે જૂનું મીટર લઇ જઈશું. જે બાદ તમારે ફરી કનેક્શન જાેઈતું હશે તો રૂ. ૫૦૦૦ દંડ થશે. અધિકારીઓએ મકાન માલિકને બોલાવ્યા અને તેમની સાથે વાત કરી સ્માર્ટ મીટર લગાવ્યું હતું. પહેલા તો બિલ ભરવા માટે સમય મળતો હતો. હવે, તાત્કાલિક પૈસા આપવા પે છે. પૈસા લાવવાના ક્યાંથી તે જ પ્રશ્ન છે. વીજ મીટરના રૂપિયા ભરીયે કે અમારા માટે ખાવાનું લાવીએ?

ચેક મીટર લગાવવું છે, અરજી કરો

લોકોના રોષ સામે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા હજી પણ અરજી કરવા જણાવવામાં આવી રહ્યું છે. સમા કચેરી ખાતે એક અધિકારીએ રજૂઆત કરવા આવનારને જણાવ્યું હતું કે, તમારે કોઈ પણ પ્રશ્ન છે ઘરે ચેક મીટર લગાવવું છે કે પછી બિલની ગણતરી સમજવી છે તો તમારે અરજી કરવી પડશે. જે બાદ અમે યોગ્ય કાર્યવાહી કરીશું. સ્માર્ટ મીટર અંગે યોગ્ય પ્રચાર પ્રસાર ન હોવાથી મુશ્કેલી પડી રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution