જયપ્રકાશ નારાયણના એક નિવેદને દેશમાં ઇમર્જન્સી લગાવવાનું બહાનું આપ્યું

લેખકઃ કેયુર જાની | 

દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં નાગરિક અધિકારો ખતમ કરી દેવા લાગુ કરવામાં આવેલી કટોકટીને પાંચ દાયકા થયા. તારીખ ૨૫ જુન ૧૯૭૫ની મધરાત્રે દેશમાં ઇમર્જન્સી લાગુ કરી દેવામાં આવી. તેવું તો શું બન્યું હતું કે ઇમર્જન્સી લાગુ કરી નાગરિકોના અધિકારોને ખતમ કરી દેવાની જરૂર ઉભી થઇ હતી ? દેશના આ ઇતિહાસ ઉપરથી નવી જનરેશનને લોકશાહીમાં વિરોધ પક્ષના મહત્વ વિષે જાણકારી મેળવવી જરૂરી છે.

માર્ચ ૧૯૭૧ની સામાન્ય ચૂંટણીમાં ‘ગરીબી હટાઓ’ના નારા સાથે કોંગ્રેસે ૫૧૮માંથી ૩૫૨ બેઠક મેળવી પ્રચંડ બહુમતી મેળવી. ઇદિંરા ગાંધીએ રાયબરેલી બેઠક ઉપર ઉમેદવારી કરી હતી. તેમની સામે સંયુક્ત સમાજવાદી પક્ષના ‘લોકબંધુ’ તરીકે ઓળખાતા ભૂતપૂર્વ સ્વાતંત્ર સેનાની રાજ નારાયણ ઉમેદવાર હતા. ચૂંટણી પરિણામો બાદ રાજ નારાયણે ઇન્દિરા ગાંધી સામે આચારસંહિતાના ઉલ્લંઘન બાબતે અલ્હાબાદ હાઇકોર્ટેમાં કેસ કર્યો. તેમણે ઇંદિરા ગાંધી સામે અદાલતમાં બે આરોપ મુકાયા હતાં. પહેલો આરોપ હતો કે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન સચિવાલયમાં ફરજ બજાવતા યશપાલ કપૂર પાસે ચુંટણી પ્રચારનું કામ કરાવવમાં આવ્યું છે. બીજાે આરોપ હતો કે રાયબરેલીમાં ચૂંટણી સભાઓ માટે જે મંચ તૈયાર થયાં હતાં તેમાં ઉત્તરપ્રદેશના સરકારી કર્મચારીઓએ કામ કર્યું હતું. રાજ નારાયણ તરફથી એડવોકેટ શાંતિ ભૂષણ (પ્રશાંત ભૂષણના પિતા) કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. જયારે ઇંદિરા ગાંધી તરફથી વી.એ.ખેર હતા.અલાહાબાદ હાઇકોર્ટમાં આ કેસ જસ્ટિસ જગમોહનલાલ સિંહાની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જસ્ટિસ સિંહાની કોર્ટે માચૅ ૧૯૭૫ દરમ્યાન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને અદાલતમાં હાજર થવા સમન્સ પાઠવ્યું. ઈંદિરા ગાંધી ૧૮ માચૅ ૧૯૭૫ના રોજ અદાલતમાં હાજર થયા. કોર્ટના કઠેડામાં વડાપ્રધાન પદ ઉપર બિરાજમાન ઇન્દિરા ગાંધી પાંચ કલાક કઠેડામાં ઉભા ઉભા જવાબ આપતા રહ્યા. હવે ઇંદિરા ગાંધી માટે આ કેસ જીતવો તે પ્રતિષ્ઠાનો પ્રશ્ર હતો. ૧૨, જૂન ૧૯૭૫ને દિવસે ચુકાદો આવ્યો જે ઇંદિરા ગાંધી વિરુધ્ધનો હતો. જસ્ટિસ સિંહાના ચુકાદા મુજબ ઇંદિરા ગાંધીની રાયબરેલીની જીતને રદ કરવામાં આવી હતી. તે સાથે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો કે આગામી છ વષૅ સુધી ઇન્દિરા ગાંધી કોઈ પણ પ્રકારની ચૂંટણી લડી શકશે નહીં. ઇન્દિરા ગાંધીના વકીલે ચુકાદાના અમલ વિરુધ્ધમાં સ્ટે માગ્યો ચુકાદાના અમલ સામે માત્ર ૨૦ દિવસ માટે જ સ્ટે મળી શક્યો. અદાલતમાં ચુકાદો આવ્યો તે સાથે જુન ૨૩ના રોજ વિરોધપક્ષોએ જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં રેલી કાઢી. રેલીનું શીર્ષક હતું “અહંકાર રેલી”.

અહંકાર રેલીને સંબોધતા જયપ્રકાશ નારાયણે કહ્યું કે ઇન્દિરા ગાંધીને કોર્ટ દ્વારા ગેરલાયક ઠહેરાવવામાં આવ્યા છે જેથી પોલીસના જવાનો તેમજ ભારતીય સૈન્યને આપવામાં આવતા હુકમોનું પાલન કરવું નથી. કેમકે તે હુકમ ‘ગેરકાયદે’ કહેવાય તેવા હુકમો માનવા નહીં.

જયપ્રકાશ નારાયણના આ નિવેદનનો લાભ લેવા સંજય ગાંધીનું દિમાગ કામ કરી ગયું લશ્કર અને પોલીસને સરકાર સામે બળવો કરવા ઉશ્કેરવામાં આવ્યા છે તે બહાને ઇમર્જન્સી લગાવવી જરૂરી બની છે. જયપ્રકાશ નારાયણ પોલીસ અને લશ્કરને સરકાર વિરુદ્ધ કરી રહ્યા હોવાથી સંવિધાનની કલમ ૩૫૨ મુજબ દેશમાં ઇમર્જન્સી લગાવવાની તાતી જરુરુ છે તેવો સંજય ગાંધીનો મત હતો. જેથી સંવિધાનની કલમ ૩૫૨ મુજબ દેશમાં ઇમર્જન્સી લગાવવામાં આવે. તે સમયે કોંગ્રેસ ઉપર સંજય ગાંધીનો ખાસ્સો પ્રભાવ હતો. સંજય ગાંધીની વાતને કોઈ નકારી શકતું નથી.

બીજી તરફ હાઇકોર્ટના ચુકાદા સામે ઇન્દિરા ગાંધી સુપ્રીમ કોર્ટ ગયા હતા જ્યાં જસ્ટિસ વી.કે. કૃષ્ણા ઐયરે ૨૪ જૂન, ૧૯૭૫ના દિવસે હાઇકોર્ટના ર્નિણયને યોગ્ય ગણાવીને સાંસદ તરીકે ઇન્દિરા ગાંધીને મળતી તમામ સુવિધાઓ પર પ્રતિબંધ મૂકી દીધો. ઇન્દિરા ગાંધીની આખરી આશા ઉપર પણ પાણી ફરી વળ્યું.સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તરત જ સફદારગંજ રોડ ઉપર આવેલા વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને મિટિંગોનો દોર ચાલુ થયો. સંજય ગાંધીના મત મુજબ અગાઉ ચીન તેમજ પાકિસ્તાન સામેના યુદ્ધ સમયે દેશના અલગ અલગ બે વખત ઇમર્જન્સી લાગુ કરવામાં આવી હતી. તે રીતે જ ઇન્દિરા ગાંધીએ રાજીનામુ આપવાને સ્થાને હવે દેશમાં કલમ ૩૫૨ મુજબ કટોકટી લાદવા ર્નિણય લેવાનો હતો. બેઠકમાં સિદ્ધાર્થ શંકર રાયે ઇમર્જન્સીનો પ્રસ્તાવ મુક્યો. ઇંદિરા ગાંધીએ પ્રસ્તાવને ટેકો જાહેર કર્યો હવે જરૂર હતી રાષ્ટ્રપતિની સહીની. એક રીતે તે ઔપચારિકતા માત્ર જ હતી. રાષ્ટપતિ ફકરુદીન્‌ અલી એહમદે જૂન ૨૫, ૧૯૭૫ના રોજ ઇમર્જન્સી લાગુ કરવાના ઘોષણાપત્ર ઉપર સહી કરી દીધી.

સંજય ગાંધી અને તેમના જૂથ દ્વારા ઇમર્જન્સી લાગુ કરવાની પૂર્વ તૈયારીઓ હાઇકોર્ટના ચુકાદા બાદ મળેલા સમયમાં કરી દેવામાં આવી હતી. અડધી રાત્રે દેશની પ્રજા ઉપર ઇમર્જન્સી ઠોકી બેસાડ્યાના પ્રથમ ૭૨ કલાકમાં હજારો નિર્દોષ માણસોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. સરકારી આંક મુજબ પહેલા સપ્તાહમાં જ રાજકીય કેદીઓની સંખ્યા ૧,૧૦,૦૦૦ જેટલી થઇ ગઈ હતી. ઇમર્જન્સીને કારણે દેશમાં ન્યાયપાલિકાની સત્તા ખતમ કરી દેવામાં આવી. જેમાં પોલીસ કે સરકારી અધિકારીના જનતા સામેના કોઈ પણ વર્તન બાબતે કોર્ટમાં ન જઈ શકાય. કોઈ પણ કારણ વગર કોઈને પણ ગમે તે રીતે પકડીને પોલીસ જેલમાં નાખી શકે. તે બાબતે પરિવારને કે લગતા વળગતાને જાણ સુદ્ધાં કરવામાં ન આવે. પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી. સરકારના બાતમીદાર ચારેબાજુ ફરતા રહેતા. દેશની સુપ્રીમ કોર્ટે નિવેદન આપ્યું કે “ભારતમાં હવે ઇૈખ્તરં ર્ં ન્ૈકી અર્થાત જીવવાનો અધિકાર પણ નથી રહ્યો. નાગરિકને વાંક ગુના વગર પણ હકૂમત ગમે ત્યારે શૂટ કરાવી કે ફાંસી એ લટકાવી શકે છે..”

આ દુનિયાની સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં બન્યુ અને સતત એકવીસ મહિના સુધી ચાલતું રહ્યું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution