દાંપત્યજીવનમાં નાની નાની સરપ્રાઈઝ ગીફ્ટ સરપ્રાઈઝીંગ ખુશાલી લાવશે

દામ્પત્યજીવનની ઈમારત પ્રેમ, લાગણી અને પરસ્પરની હૂંફ પર બનતી હોય છે. પાયામાં મૂકવામાં આવેલી આ જરૂરિયાત જ નબળી હોય તો દાંપત્યજીવનની ઇમારત સમયના ઝંઝાવાત સામે પડીને ઢેર થઇ જતી હોય છે. આ ઈમારતને મજબૂત રીતે ઉભી રાખવા માટે એના પાયામાં મુકવાની દરેક વસ્તુ પૂરી નિષ્ઠા અને લગનથી મૂકવી જાેઈએ, સાથોસાથ દાંપત્યજીવનની ઇમારતમાં વપરાતી દરેક ઈંટ પૂરી ધગશથી મૂકવી જાેઈએ. માત્ર અગ્નિની સાક્ષીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ચાર ફેરા ફરી લેવાથી દાંપત્યજીવન સુખી નથી થઈ જતું હોતું. કોઈ વિધિ-વિધાન, કોઈ મંત્ર કે કોઈ વાતાવરણ એવી ખાતરી નથી આપતું કે આ કરવાથી દાંપત્યજીવનમાં સુખ મળશે જ. એ આપણે જાતે કરવાનું હોય છે. ઈટ, રેતી અને ચુનાથી બનતી ઇમારત પણ અમુક સમયે માવજત માગે છે, તો સંબંધોની અને એમાં પણ દામ્પત્યજીવનની ઈમારતની જાે વખતોવખત માવજત કરવામાં ન આવે તો એમાં પણ સડો આવવાનો ભય રહે છે.

લગ્નજીવનના શરૂઆતના તબક્કામાં મોટા ભાગે પતિ-પત્ની બન્ને પર જવાબદારીનું ભારણ ઓછું હોય છે. વળી, નવું નવું લગ્નજીવન હોય એટલે અને બીજું, જિંદગીનો ચાર્મ પણ હોય છે. બંનેના જીવનમાં પહેલીવાર કોઈ એવું પાત્ર આવે છે કે જેની સાથે તેની આખી જિંદગી જાેડાય છે. પહેલીવાર વિજાતીય વ્યક્તિનો સ્પર્શ થતો હોય છે. પહેલી વખત જ શારીરિક સુખની અનુભૂતિ થતી હોય છે અને આ બધું જ બહુ જ આહલાદક હોય છે. બંને એકબીજાની પ્રતીક્ષામાં હોય, બંને એકબીજાને નાની-નાની વાતે શબ્દો અને વર્તનથી વહાલ કરતા હોય ત્યારે દાંપત્ય જીવન જીવવા જેવું લાગે. એવું પણ લાગે કે આ સમય અહીં જ થંભી જવો જાેઈએ. પછી ધીમે ધીમે બંને પોતાની રૂટિન લાઇફમાં આવે, થોડી ઘણી પરિવારની જવાબદારી આવે, બાળકના જન્મ સમયે પત્નીની નાની મોટી શારીરિક તકલીફો, કેટલાક મૂડના પ્રશ્નો, સમય જતાં ક્યારેક પરિવારની અપેક્ષા પૂરી ન થવાને લઈને ઊભા થતા મનદુઃખ કે નાનામોટા ઘર્ષણ- તો બીજી તરફ પતિને પણ વ્યવસાયનું ભારણ, ઘરમાં બનતા આવા નાના-મોટા ઘર્ષણને લઇને માનસિક તકલીફા,ે આ બધું ભેગું થાય અને પતિ-પત્નીના દાંપત્યજીવનને લૂણો લાગવાની શરૂ થાય. એ પછી બાળકોનું આગમન થાય અને ફરી પાછી જવાબદારીઓ અને એ પછી તો બંનેની લગભગ આખી દુનિયા બદલાઈ જતી હોય છે. પત્ની પોતાનો પ્રેમ લાગણી અને ઉમળકો પરિવારના જતનમાં એની ગમતી પ્રવૃત્તિમાં અને પરિવારના દરેક સભ્યોને ખુશ રાખવામાં બતાવતી હોય છે. એવી જ રીતે પતિ પણ પરિવાર અને બાળકોને ખુશ કરવા માટે વધારે મહેનત કરીને પણ આર્થિક સદ્ધરતા લાવીને ભૌતિક સુખો પૂરા પાડતો હોય છે. પત્ની પતિના મૂડનું એના પરિવારનું અને એની પસંદગીનું પૂરતું ધ્યાન રાખતી હોય છે અને આ પ્રેમનો ભાગ છે એવી રીતે પતિ પણ જાણતો હોય છે કે બાળકોના આગમન પછી પત્ની માટે બાળકો સર્વસ્વ હોય છે માટે પતિ પણ બાળકોને ખુશ કરવા તો ખરું જ પણ પત્નીને ખુશ કરવા માટે પણ બાળકોને વધારે રાખતો હોય છે. આમ જાેવા જઈએ તો આ પણ બંનેનો એકબીજા માટેનો પ્રેમ જ છે છતાં, એ કોઈ ત્રીજી વ્યક્તિ કે ત્રીજા વર્તન દ્વારા બતાવવામાં આવતો પ્રેમ છે. સારું એ છે કે પતિ પત્ની બન્ને પોતાનો પ્રેમ આવી રીતે વર્તનમાં કે અન્ય દ્વારા બતાવવાને બદલે એકબીજાને સીધો જ બતાવે.

આપણે બધા જાણીએ છીએ કે વિદેશમાં એક સપ્તાહ પૂરતું વેલેન્ટાઈન વિક ઉજવાતું હોય છે. આ એક સપ્તાહ દરમિયાન સાતે સાત દિવસને અલગ-અલગ દિવસમાં ફેરવવામાં આવ્યો હોય છે. રોઝ ડેથી લઈને વેલેન્ટાઈન ડે સુધીના સાત દિવસમાં ફુલ, ચોકલેટ, ટેડી, પ્રોમિસ, ચુંબન, આલિંગન અને એકરાર આ રીતે સાત દિવસની ઉજવણીના અંતે છેલ્લા દિવસે બંને એકબીજાંને ચાહે છે એવો એકરાર કરવામાં આવે છે. આ સંસ્કૃતિ વિદેશની છે અને ત્યાંના ઉછેર, સંસ્કાર, વાતાવરણ, સમજણ, સંબંધોનું મહત્વ- બધું જ અલગ છે એટલા માટે ત્યાં વર્ષમાં એકવાર એક વીક ઉજવી લીધા પછી પ્રેમનું મહત્વ સીધું બીજા વેલેન્ટાઇન પર બતાવવામાં આવતું હોય છે, જયારે આપણી સંસ્કૃતિ, આપણી સમજણ અને આપણા મૂલ્ય આપણને એ શીખવે છે કે સંબંધોમાં પ્રેમ કરવો અનિવાર્ય છે. આ પ્રેમને સમયે-સમયે બતાવતા રહેવું ખૂબ જરૂરી છે. પતિ-પત્ની બંને એકબીજાને પ્રેમ કરે છે એવું બતાવવું પણ ખૂબ જરૂરી છ.ે અને એક માત્ર લાગણી અને સંબંધોની જરૂરિયાત પણ છે. ઘણો સમય સાથે રહેવાને લઈને બંને એકબીજાની પસંદગી, એમના મૂડ અને તેમની જરૂરિયાત અને શોખને બહુ સારી રીતે જાણતા હોય છે. પ્રેમ બતાવવા માટે કોઈ તહેવારની જરૂર નથી હોતી એવી જ રીતે પ્રેમ બતાવવા માટે કરેલા કોઈ કાર્યમાં એનું આર્થિક મૂલ્ય મહત્વનું નથી હોતું આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને પતિ-પત્ની બંનેએ અવારનવાર એકબીજાને પ્રેમ બતાવતા અને જતા રહેવું જાેઈએ.

ક્યારેક પોતાના કામમાંથી વહેલો પાછો ફરેલો પતિ પત્નીના જાેબ પરથી આવવા પહેલાં પત્ની માટે ચા કે નાસ્તો બનાવી રાખે અથવા તો લાવી રાખે તો એનું આર્થિક મૂલ્ય બહુ ઓછું છે પણ પત્ની માટે એ બહુ જ મોટી ખુશી હોય છે. પોતાના થાક, ભૂખ અને જરૂરીયાતની કોઈ પરવા કરનારું છે -કોઈને ચિંતા છે અને પોતાના માટે લાગણી છે આટલી વાત પત્ની માટે પૂરતી હોય છે. વ્યવસાય પરનો ગમે તેવો થાક પણ પતિના હાથે બનેલી એક કપ ચા સાથે જાણે કે સાવ ઉતરી જતો હોય છે અને આનું મૂલ્ય પતિ માટે એટલું મોટું નથી હોતું કે જે મહિનામાં એકાદ વખત આવું ન કરી શકે. સરપ્રાઈઝ ગિફ્ટ, પાર્ટી અને ગમતા મિત્રોને ઇન્વિટેશન આપીને બહાર જમવા જવું ,પત્નીના મનગમતા સ્થળે ફરવા જવું કે એને ગમતી કોઈ વસ્તુ ગીફ્ટ એ પ્રેમ બતાવવાનો ખુબ સરસ અને અસરકારક રસ્તો છે. ઘણી વખત એવું બનતું હોય છે કે પતિ પોતાની પત્નીનો જન્મદિન કે પોતાના લગ્નની તિથિ પણ ભૂલી જતો હોય છે આ વાત પત્ની માટે બહુ જ મોટી હોય છે. પત્ની ક્યારેય ભૂલતી નથી. આ બંને માટે પત્નીએ સૌથી વધારે આશા અને અપેક્ષા એના પતિ પાસેથી રાખી હોય છે. પત્નીએ પણ ઘણા સરપ્રાઈઝ પ્લાન કર્યા હોય છે પરંતુ એ બધામાં તેને સૌથી વધારે રાહ એ રહેવાની હોય કે એના પતિની યાદ રહે, એ વિશ કરે અને ગિફ્ટ કરે. પોતાનું આખું જીવન પતિ અને એના પરિવારને સમર્પિત કરી દીધા પછી પત્નીની આ અપેક્ષા એટલી મોટી નથી કે પતિ પૂરી ન કરી શકે. અમુક વસ્તુઓ જન્મજાત હોય છે અને પુરુષની રચના ઈશ્વરે કંઈક એવી કરી છે કે ભાગ્યે જ કોઇ પુરુષને આ બે દિવસો યાદ રહેતા હોય છે. આ દિવસો ભૂલી જનાર પુરુષ પત્ની માટે સાવ નકામો થઇ જતો હોય છે. એક દિવસ ભૂલી જવાથી કોઈ પતિ નકામો નથી હોતો પરંતુ કેટલીક વાતો એવી હોય છે પતિ-પત્ની વચ્ચે બહુજ સમજણપૂર્વક થવી જાેઈએ. પતિ જાણતો હોય છે કે એને ક્યારેય આ બે દિવસો યાદ નથી જ રહેવાના ત્યારે બહુ જ પ્રેમપૂર્વક એ પત્નીને એવું કહે કે વ્હાલી, મારા જીવનમાં તું આવી ત્યારથી મારા માટે દરેક દિવસ મહત્વનો છે- દરેક દિવસ સ્પેશિયલ છે અને આ દરેક દિવસોની હું મનોમન ઉજવણી કરતો જ હોઉં છું તો શક્ય છે કે તારો જન્મદિન કે આપણી એનિવર્સરી દિવસ હું ભૂલી પણ જાઉ અને એ દિવસે ગિફ્ટ ન પણ કરી શકું તો તું ખરાબ ના લગાડીશ કારણકે મારા માટે તારા આવ્યા પછી દરેક દિવસ ખાસ છે. એક દિવસ મને યાદ ન પણ રહે અને ભેંટનું મહત્વ ચોક્કસ દિવસે નથી હોત.ું ભેંટનું મહત્વ ઉમળકા સાથે પ્રેમ સાથે લાગણી સાથે હોય છ.ે મારો પ્રેમ અને મારો ઉમળકો જ્યારે હશે ત્યારે તને ગિફ્ટ કરીશ એજ એક દિવસ તારો બર્થ ડે અને આપણો એનિવર્સરી વાળો હેપી ડે. આ તો એક ઉદાહરણ છે પણ આવી રીતે પતિ-પત્ની વચ્ચે કોઈપણ ગેરસમજ થાય કે એકબીજા માટે નકારાત્મક ભાવના ઊભી થાય એ પહેલા પતિ એટલો પ્રેમ બતાવે તોપણ પત્ની એની દરેક ભૂલો માફ કરે છે. પત્નીએ પણ સમજવું જાેઈએ કે પુરુષ પોતાને અને પરિવારને ખુશ રાખવા એવા ઘણાં સુખો છોડતો હોય છે જે પત્નીને મળતા હોય. ભર ઉનાળાની બપોરે પરિવાર એરકંડિશન્ડ રૂમમાં સુઈ શકે એટલા માટે તડકામાં મજૂરી કરતો પતિ મહાન જ હોય છે અને એ અને એનો પ્રેમ જ હોય છે ,જરૂર હોય છે આપણે આ દૃષ્ટિ કેળવવાની .આવા પતિને ભાવતું ભોજન જમાડવાનું, એને ગમે એવું તૈયાર થવું એણે કરેલા કાર્ય માટે ને બિરદાવું, ક્યારેક એના ટિફિન બોક્સમાં લવ લેટર મૂકી દેવો- આ બધું જ દાંપત્યજીવનને વધુ જીવંત બનાવતી વાતો બહુ જ નાની છે પણ દાંપત્યજીવન માટે બહુ જરૂરી છે.

• યાદ રાખો નાના નાના સરપ્રાઈઝ દાંપત્યજીવનમાં બહુ મોટા ચમત્કારો કરતું હોય છે અને આ ચમત્કાર આપણા જ હાથમાં હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution