ગાંધીનગર, રાજ્યના ગૃહમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ નજીક આવી રહેલા તહેવારોની ઉજવણીને લઈ કોરોના મહામારીને ધ્યાનમા રાખીને કડક વલણ અપનાવ્યું છે. ઉત્તરાયણ, નાતાલ અને ૩૧ ડિસેમ્બરે કરવામાં આવતી નવા વર્ષની ઉજ્વણી માટે કોઈ જ છુટછાટ ન આપવાના સંકેત જાડેજાએ આપી દીધા છે. આ સાથે જ રાજ્યના ગૃહમંત્રી જાડેજાએ લવજેહાદના વધી રહેલા કિસ્સાઓને લઈને પણ લાલ આંખ કરી હતી. રાજ્ય સરકારની લવજેહાદની ઘટનાઓ પર ચાંપતી નજર હોવાનું પણ તેમને જણાવ્યું હતું. દાહોદની મુલાકાતે આવેલા ગ્રુહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આગામી તહેવારોને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
જાડેજાએ ઉત્તરાયણ અને ૩૧ ડિસે.ને લઈ કહ્યું હતું કે, તહેવારોમાં કોરોના મહામારીની ગાઈડલાઈન પ્રમાણેના હાલના જે નિયમો છે તે લાગુ રહેશે. પ્રદિપ સિંહે કહ્યું હતું કે, તહેવારો માટે કોઈ અલગ એસઓપી જાહેર નહીં કરવામાં આવે. કારણ કે કેન્દ્ર સરકારની તહેવારો માટે અલગ એસઓપી નથી. લવજેહાદને લઈને પણ રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં બનતી લવજેહાદ સંદર્ભમા જુદા જુદા કાયદાના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લવજેહાદની ઘટના ઉપર સરકારની સંપુર્ણ નજર છે. લવજેહાદ કરવા વાળી માનસિકતા વાળા લોકોની કોઈ પણ પ્રકીયા સાંખી લેવાય નહી. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ લવજેહાદને લઈને આકરૂ વલણ અપનાવ્યું હતું. તેમણે પણ કહ્યું છે કે, લવજેહાદની ઘટનાઓને સાંખી નહીં લેવાય.