અમદાવાદ થોડા દિવસ પહેલા અમદાવાદના બોપલ ઘુમા રોડ પર સ્કીમ લોન્ચ કરવાની જાહેરાતના પાટીયા મારીને લોકોને ઠગ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. લોકો પાસેથી દુકાન અને ફ્લેટના બુકિંગ અને એડવાન્સ પેટે બિલ્ડર જયદિપ કેતન કોટક અને હિરેન અમૃતલાલ કારીયાએ ૨.૮૩ કરોડનું ફુલેકુ ફેરવ્યું હોવાની ફરિયાદ થઈ હતી. આ કેસના એક આરોપી એવા હિરેન કારિયાના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પકડાયેલા આરોપી જયદીપ કોટકના પણ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. છેતરપિંડીના કેસમાં પોલીસે આરોપી જયદિપ કોટક બાદ હિરેન કારિયાને ઝડપી લઈ ૧૬ જાન્યુઆરીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડની માગ સાથે રજૂ કર્યો હતો. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીએ ડિપોઝિટરો પાસેથી ચેક દ્વારા જે ડિપોઝિટ લીધી છે તેની તપાસ કરવાની છે. આરોપીએ અન્ય બિલ્ડરોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, જેની તપાસ કરવાની છે. તેમજ જૂનાગઢ ખાતે અમૃત તથા શ્રીજી ડેવલોપર્સ અને બંસી ડેવલપર્સના નામે ભાગીદારી પેઢીઓ ખોલી હતી, તેના પાર્ટનરની તપાસ કરવાની છે. આરોપીની જમીન બાબતે ખેડૂતો સાથેની સોદા ચિઠ્ઠી મેળવવાની છે. તેમજ પ્રિવિલોનના બેંક એકાઉન્ટમાંથી ૧૩ કરોડ રૂપિયા લીધા હતા તે અંગે અને ભાગીદારો પેઢીમાંથી કેટલા રૂપિયા લઈ ગયા તેની તપાસ કરવાની છે. આરોપીનો કોલ ડેટા રેકોર્ડ મેળવવાનો છે. આરોપી સામે જૂનાગઢના પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલો છે. તેમજ તેણે જૂનાગઢની એક બેંકમાંથી ૨ કરોડ રૂપિયાની લોન લઈને પૈસા પરત કર્યા નથી, જેની કોર્ટ કાર્યવાહી ચાલુ છે. આરોપી પૈસા મેળવીને પરત નહીં આપવાની આદત વાળો છે. તેણે કેટલી પ્રોપર્ટી ખરીદી છે તેની તપાસ કરવાની છે.હિરેન કારિયા નામનો આ આરોપી ૨૦ દિવસ કરતાં વધુ સમયથી ફરાર હતો, જેમાં તેને ભાગવામાં કોણે મદદ કરી તેની પણ તપાસ કરવાની છે. આ કેસમાં ૨૩૪ જેટલા લોકો અત્યારે ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુનાના મૂળ સુધી પહોંચવા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની જરૂર છે. કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીના પૂરેપૂરા ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રેરાની મંજૂરી મળ્યાં વગર બુકિંગ કર્યું હતું
રેરામાંથી મંજૂરી મળ્યા પહેલાં જ બિલ્ડરે બુકિંગ શરૂ કરી દીધું હતું. બુકિંગ કરનારા લોકોના જણાવ્યા મુજબ, બિલ્ડરે એપ્રિલમાં રેરાની મંજૂરી આવી જવાની વાત કરી હતી. પરંતુ રેરાની મંજૂરી ન આવતા તમામ લોકોએ બિલ્ડરને પૂછતાં કહ્યું કે, થોડો વધુ સમય લાગશે, પરંતુ મંજૂરી મળી જવાની વાત કરી હતી. બિલ્ડરે બુકિંગ લઇ લીધુ હતું પરંતુ કામ ચાલુ ચાલુ ન કરતા તમામ ભાંડો ફૂટ્યો હતો.