એક અફવાએ અનિતાના જીવનનું આખું સત્ય બદલી નાખ્યું

રોમરોમમાં ખનકે તારી ચાહતના સ્પંદન

તારા સાંનિધ્યમાં ખીલ્યું મારા દિલનું ઉપવન

 અનિતા ઘણા સમયથી મેગેઝિન હાથમાં પકડીને બેઠી હતી. વારંવાર તેની અંદર કશુંક વલોવાઈ ભીતરને બાળતું હતું.

હ્રદયની પીડા આંખોની કિનારે ઝાકળ સમી તગતગતી હતી. ઘણા દિવસથી પેપર અને મેગેઝિનનાં સમાચારે તેની જીંદગીને નર્ક સમાન બનાવી દીધી હતી.

 થોડા દિવસ પહેલાની એ અંધારી રાતનું દ્રશ્ય તેની આંખો સામે આવી જતું. જેના કારણે તેની આખી જિંદગી બદલાઈ ગઈ હતી.

તે દિવસે આખું મુંબઈ શહેર વરસાદના પાણીમાં તરબોળ થઈ ગયું હતું. વિવિધ સ્થળોએ નાકાબંધી કરવામાં આવી હતી. સવારથી પડેલા ભારે વરસાદે સમગ્ર મુંબઈનો ચહેરો બદલી નાખ્યો હતો.

સતત વરસાદના સમાચાર સાંભળીને અનિતા વહેલી ઑફિસેથી નીકળી ગઈ જેથી તે વહેલી તકે ઘરે પહોંચી શકે.

અતિ ભારે વરસાદના કારણે કોઈ ટેક્સી રોકાતી ન હતી. મુશ્કેલીથી તે આગળના સ્ટેશન સુધી ચાલી. તે જ સમયે એક કાર તેની નજીક આવીને ઊભી રહી.

કોઈ નીચે ઉતર્યું. તેને જાેઈને અનીતાની આંખોમાં અનોખી ચમક આવી ગઈ. ચહેરો પણ ખુશીથી છલકવા લાગ્યો.

 "ઓહ માય ગોડ! રાકેશ તું? તું આવી રીતે અહીંયા? તું તો મોટો સ્ટાર બની ગયો છે. મને તો હતું કે તું હવે કદી મને ઓળખીશ પણ નહીં.”

 રાકેશ તો આટલા વર્ષે અનિતાને જાેતાં પાગલ થઈ ગયો હતો. રાકેશે કશું બોલ્યા વગર અનિતાને ગળે લગાડી લીધી. વાસ્તવિકતાનું ભાન થતા તે સહેજ અળગો થતા બોલ્યો, “માફ કરજે, યાર.. આટલા સમય બાદ તને જાેઈ મારી જાત પર કાબુ ન રાખી શક્યો. યાર, અનિતા હું તને ખૂબ જ યાદ કરતો હતો.”

“રાકેશ, હું પણ તને અચાનક જાેઈને આશ્ચર્યચકિત થઈ ગઈ.”

“કેમ છો? અનિતા? કૉલેજ પછી તું ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. સારું, ચાલો પછી વાત કરીએ, પહેલા તું અંદર બેસ. તું સાવ ભીંજાઈ ગઈ છે.”

“કેમ છે તું?”

   “હું ઠીક છું. વર્ષોથી એક જ તમન્ના હતી કે બસ એકવાર તને મળું. આજે તે પૂરી થઈ ગઈ. જે વાત આટલા વર્ષો દિલમાં રાખી હવે કહી દેવી છે. અનિતા, હું તને ખૂબ પ્રેમ કરતો હતો. પણ હું મારી લાગણી તને વ્યક્ત કરી શકું તે પહેલા જ તું ક્યાંક દૂર ચાલી ગઈ.”

 રાકેશની નિખાલસ કબૂલાત સાંભળીને અનિતા હસવા લાગી. કારણ કે અનિતાએ કોલેજમાં ક્યારેય કોઈની સાથે વાત નહોતી કરી. તેના માટે પરિવાર અને લગ્ન બાદ પતિ જ સર્વત્ર હતું.

તે બોલી, “કોલેજ પછી હું લગ્ન કરીને અહીં આવી ગઈ. રાકેશ, તું હજી પણ એવો જ છે. અને રહી વાત મારી તો હું મારા કરતાં મારા પરિવાર વિશે વધુ વિચારું છું. જુહુમાં મારું ઘર છે પણ આજે કોઈ ટેક્સી નથી જતી. પ્લીઝ, મને છોડી દેશો?” અનિતાએ વધુ વાત ન કરતા ઘર જવાની ઉતાવળ કરી.

 "ઓફ કોર્સ અનિતા.”

થોડીવાર બાદ રાકેશની કાર ચાલુ ન થઈ. તેણે નીચે જાેયું અને કહ્યું,

   "એવું લાગે છે કે કારમાં પાણી ભરાઈ ગયું છે. અહીં નજીકમાં એક હોટેલ છે. હું હોટેલના મેનેજરને ઓળખું છું. આપણે ત્યાં જતું રહેવું જાેઈએ. કેમ કે આ વરસાદ હમણાં થંભે તેમ નથી.”

   "ઓહ! રાકેશ, મારે ઘરે વહેલું જવું હતું. મારા પતિ વિરેનને મારી ચિંતા થશે. નેટવર્ક પણ કામ કરતું નથી. કોલ પણ કેમ કરું?”

 "હા, મારા ફોનમાં પણ નેટવર્ક નથી. એક કામ કરો, તમે અહીં જ રહો, હું જઈને હોટેલ મેનેજર સાથે વાત કરીશ અને પાછો આવીશ. કદાચ ત્યાં નેટવર્ક હશે.”

"બરાબર.”

  રાકેશ અંદર ગયો અને થોડીવાર વાત કરી અને પછી પાછો આવ્યો અને કહ્યું, “અનીતા, બે-ચાર કલાક રાહ જાેવી પડશે. પછી કદાચ નેટવર્ક મળી જશે.”

અનિતાને રાકેશમાં વિશ્વાસ હતો. અનિતા અને રાકેશ એ હોટલમાં રોકાયા હતા. બંનેએ બેસીને કોલેજના જૂના દિવસોની વાતો કરી. પાંચ-છ કલાક પછી, જ્યારે પાણી થોડું ઓછું થયું, ત્યારે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. રાકેશ અનિતાને તેના ઘરે ડ્રોપ કરે છે.

 બીજા દિવસે એક મેગેઝીનના કવર પેજ પર રાકેશ અને અનિતાનો મોટો ફોટો હતો, કેપ્શનમાં લખ્યું હતું કે, પ્રખ્યાત અભિનેતા રાકેશનું તેની જૂની ગર્લફ્રેન્ડ અનિતા સાથે અફેર.

મીડિયાના લોકોએ તે રાત્રે રાકેશ અને અનિતા વચ્ચેની મુલાકાતને મસાલેદાર બનાવી હતી અને તેને અફેર તરીકે રજૂ કરી હતી.

રાકેશની પત્નીએ તેમની નિર્દોષ મિત્રતા પર બેવફાઈની મહોર મારી તેના વકીલ દ્વારા છૂટાછેડાના કાગળ મોકલી પોતાનો સંબંધ પૂરો કર્યો.

બીજી તરફ અનીતાના પતિએ પણ કહ્યું, “જેની સાથે રાત રહીને આવી છે તેની સાથે જ હવે કાયમ રહે. તારા જેવી ચારિત્ર્યહિન સ્ત્રી સાથે હું ન રહી શકું.”

   એક અફવાએ અનિતાના જીવનનું આખું સત્ય બદલી નાખ્યું. હવે તે લોકોની વાતો અને પોતાની તરફ ઉઠતી નજરોથી થાકી ગઈ હતી. એક દિવસ અનિતાએ તેના બે વર્ષના બાળક તરફ જાેયું અને ઊભી થઈ. મનમાં નિશ્ચય સાથે તે આગળ વધી.

તેણે સામેથી પ્રેસ કોન્ફરન્સ બોલાવી. મીડિયા સામે તે બોલી, “આપ સૌને મારો એક જ સવાલ છે. શું એક સ્ત્રી અને પુરુષ ફકત દોસ્ત ન હોઈ શકે? પણ જ્યાં આંખોમાં કમળો હોય ત્યાં સર્વત્ર પીળું જ દેખાવાનું! જે સ્ત્રી આખી જીંદગી પોતાના ઘર પરિવાર અને પતિ માટે જીવી હોય તે પોતાની મુશ્કેલીમાં પોતાના દોસ્તની મદદ લે તો એ તેને બદનામ કેમ કરવામાં આવે છે? કેમ જ્યારે કોઈ નિર્દોષ સ્ત્રી પર સવાલ થાય ત્યારે તેનો પતિ પણ તેને સાથ નથી આપતો. હું અને રાકેશ ખુશ છીએ કે આ ઘટનાએ અમને અમારા લાઇફ પાર્ટનરની માનસિકતાની પ્રતીતિ કરાવી. આજે આપ સૌને મારા ધન્યવાદ. એ એટલા માટે કે તમારા ખોટા આરોપના કારણે અમને એક એવા પાર્ટનરથી છુટકારો અપાવ્યો કે જે કદી અમારા હતા જ નહી. આજે હું સમગ્ર દુનિયા સામે રાકેશને મારો જીવનસાથી તરીકે સ્વીકારું છું. રાકેશ વિલ યુ મેરી મી?”

રાકેશે અશ્રુભરી આંખોએ અનિતાને પોતાની બાંહોમાં સમાવી લીધી અને અનિતાના બાળકને વ્હાલથી ચૂમી લીધું.

અનીતાના એક યોગ્ય ફેંસલાએ ત્રણ જીંદગી ફરીથી ધબકતી કરી દીધી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution