દરેક બાળકને મૂંઝવતો પ્રશ્ન - કારકિર્દીની પસંદગી

લેખકઃ દ્રષ્ટિ ભટ્ટ | 


હમણાં બોર્ડની પરીક્ષાઓનું પરિણામ આવ્યું. એ પછી અત્યારે ઘણા બધા લોકો અને બાળકો કારકિર્દી વિશેની મૂંઝવણમાં હશે? ભવિષ્યમાં વધુ સેલરી મળે એવો વિષય પસંદ કરવો કે પોતાની રુચિ પ્રમાણેનો વિષય પસંદ કરવો કે ઘરનાની ઈચ્છા પ્રમાણેનો વિષય પસંદ કરવો કે કોઈ જાણીતા કે સગાના બાળકોએ પસંદ કરેલ કારકિર્દી અનુસરવી?

સામાન્ય રીતે કોઈના કહેવાથી અથવા અનુકરણથી આપણે આપણા બાળકને કોઈપણ વિષયમાં ભણાવવા એડમિશન લઈએ અને ભવિષ્યમાં બાળક એ ક્ષેત્રમાં નોકરી કરવા જાય ત્યારે એને એમ લાગે કે આ નોકરીમાં મારી રુચિ નથી. પરંતુ, કારકિર્દીના આટલા વર્ષો અને પૈસા નાખ્યા પછી બાળક એ ક્ષેત્ર બદલાવવા સક્ષમ નથી હોતું અને આખી જિંદગી પરાણે પરાણે નોકરીનું કાર્ય કરે છે માત્ર એક સામાજિક જવાબદારી તરીકે. એના પરિણામરૂપે માણસને નોકરીમાં સંતોષ નથી હોતો અને નોકરીમાં પણ એ સંતોષકારક કામ નથી કરી શકતા.

હવે, સવાલ એ આવે કે આપણા ગમતા વિષયમાં જ આગળ કેવી રીતે વધવું અથવા નક્કી કેમ કરવું કે આ વિષયમાં આજીવન રુચિ રહેશે જ. કારણકે વિષયમાં રુચિ હોવી અને તે વિષયમાં વ્યવસાયિક કામ કરવું એ બંનેમાં ઘણો ફેર હોય છે, જે સામાન્ય રીતે વ્યાવસાયિક ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી જ આપણને સમજાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક વિષય આપણને શોખ તરીકે ગમતો હોય પરંતુ એમાં કારકિર્દી બને એવું આપણે ન ઇચ્છતા હોઈએ. જ્યારે કોઇવાર આપણાં શોખનો વિષય જ કારકિર્દી માટે યોગ્ય છે તેમ માની અને તે બાજુ આકર્ષાઈએ છીએ પરંતુ શોખનો વિષય આપણને જિંદગીમાં જરૂરી આજીવિકા ન પણ આપી શકે માટે જ બને ત્યાં સુધી શોખનો વિષય બેકઅપ તરીકે રાખવો જાેઈએ કે જેમાંથી ભવિષ્યમાં આપણે એકસ્ટ્રા આવક ઉભી કરી શકીએ. પરંતુ, મુખ્ય આવકના સ્ત્રોત તરીકે વ્યવસાયિક કામ કરવું ગમે તેવો વિષય પસંદ કરવો.

ઘણીવાર એવું પણ બને કે કોઈને કોઈ વિષયમાં સફળ થયેલા જાેઈને આપણને એ વિષય ગમવા લાગે પરંતુ જયારે એ વિષયનું વ્યવસાયિક કામ આપણને ન પણ ગમે. દા.ત. ડૉક્ટરનું લેબલ મેળવવા ડેન્ટિસ્ટ જ એક ઓપ્શન હોય તો માત્ર તે લેબલ માટે તે ભણવાનું સ્વીકારી લઈએ પરંતુ, જયારે ડેન્ટિસ્ટ તરીકે વ્યવસાયિક કામ કરો ત્યારે બધાના ખુલ્લા મોં જાેઈ ચીડ ચડે તો એ કામ કરવું ન ગમે. એટલે જ કોઈ પણ વિષય ભણવા માટે પસંદ કરીએ ત્યારે જ તેનું વ્યવસાયિક કામ શું હશે તેની પણ તપાસ કરી લેવી જાેઈએ.

આવા સમયે સૌ પ્રથમ તો બાળકને કયા વિષયમાં રુચિ છે એ વિચારવું જાેઈએ. એ પછી એ રુચિના વિષયમાં ભવિષ્યમાં કેવા કેવા પ્રકારની નોકરીઓની તકો છે એ વિષે બાળક સાથે વાતચીત કરવી જાેઈએ અને કદાચ ઘરના લોકો પાસે પૂરતી માહિતી ન હોય તો કોઈ જાણકાર પાસેથી જાણવું જાેઈએ. ત્યારબાદ રુચિના ત્રણ વિષય તમારી ઈચ્છા પ્રમાણે નક્કી કરો. એ વિષયોના અભ્યાસ માટેની સારામાં સારી કોલેજ અથવા યુનિવર્સિટીનું લિસ્ટ બનાવો. એ દરેક કોલેજાેની એડમિશન પ્રકિયા જાણો અને એમાની કેટલી કોલેજાેમાં તમારા આવેલા માર્ક્‌સ પ્રમાણે એડમિશન શક્ય છે એ વાસ્તવિકતાની પ્રામાણિક જાત તાપસ કરો. જરૂરી કોલેજાે માટે જાે એન્ટ્રન્સ પરીક્ષા હોય તો તેના ફોર્મ ભરી અને તેની તૈયારી કરો.

આવું વિશ્લેષણ માતાપિતા અને બાળકે પરિણામના છ મહિના અગાઉ શરુ કરી દેવું જાેઈએ કારણકે ઘણી બધી યુનિવર્સિટીઓમાં એડમિશન અને એન્ટ્રન્સના ફોર્મ રિજલ્ટ આવ્યા પહેલા બહાર પડતા હોય છે. અને જાે ખરેખર આવી એપ્લિકેશન કરવાનું ચૂકી ગયા હો તો બાળકના રુચિના વિષયમાં હાલ પૂરતા કોઈ ટૂંકા ગાળાના કોર્સમાં એડમિશન લેવું જાેઈએ અને પછી રુચિના વિષયમાં લાંબા ગાળાના અભ્યાસમાં દાખલ થવું જાેઈએ. આજકાલ ભણવામાં ગેપ લેવાથી કોઈ ખાસ નેગેટિવ અસર નથી આવતી. એક વર્ષના લોભમાં જિંદગી ન બગડે એ જાેવાનું કામ આપણું છે.

બીજું એ કે અત્યારના સમયમાં હવે આર્ટસ, કોમર્સ કે સાયન્સ દરેકમાં વ્યાવસાયિક તકો લગભગ સરખી જ હોય છે, પરંતુ શરત એટલી કે જે વિષય ભણો તેમાં એક્સપર્ટ બનો.

ટૂંકમાં, બાળકની રુચિનો વિષય બાળકને કારકિર્દી તરીકે પસંદ કરવા દો પરંતુ, વાસ્તવિકતાની તપાસ સાથે અને ભવિષ્યમાં એ કારકિર્દીમાં મળતા વ્યાવસાયિક વિકલ્પો સાથે. તો જ બાળકને આખી જિંદગીએ નોકરીમાં રસ રહેશે અને નોકરી માત્ર ગદ્ધા મજૂરી તરીકે નહિ કરે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution