ભુજ, મુંદ્રામાં પાકિસ્તાનથી આવેલા રેડીઓએક્ટીવ કન્ટેનર ટેન્કર ઝડપાયા બાદ હવે કાર્ગોનું ઓરીજન ખોટુ દર્શાવવાના કેસમાં કંડલામાં પણ મુળ રુપે પાકિસ્તાનથી આવેલો કાર્ગો ઝડપાયા હોવાનું જાણવા મળે છે. પરંતુ આ અંગે કસ્ટમ વિભાગ કાર્યવાહીના પખવાડીયા બાદ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.આ કેસમાં મીસ ડિક્લેરેશન સાથે વેલ્યુએશન સાથે પણ મોટા ચેડા થયા હોવાની સંભાવના જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર કંડલા પોર્ટ પર ગત પખવાડીયે રોક સોલ્ટના આવેલા એક કન્સાઈમેન્ટને કસ્ટમે રુકજાવોનો આદેશ આપીને તપાસ હાથ ધરી હતી. જેમાં આ જથ્થાનું ઓરોજન તુર્કી દર્શાવાયું હતું, પણ ખરેખર જથ્થો પાકિસ્તાનથીજ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યું છે.મહત્વનું છે કે, ગત વર્ષોમાં ભારત પર થયેલા આતંકી હુમલાઓ બાદ કેંદ્ર સરકાર દ્વારા પાકિસ્તાનથી આવતા કાર્ગો પર૨૦૦% ડ્યુટી લગાવીને એક રીતે આયાત નિકાસ પર બ્રેકજ મારી દીધી હતી. પરંતુ કેટલોક રોક સોલ્ટ જેવો કાર્ગો કે જેનું મહતમ ઉત્પાદન પાકિસ્તાનથીજ થાય છે, તેની આયાત માટે ઓરીજન દેશ અલગ દર્શાવીને ડ્યુટી ચોરી કરવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. આ કન્સાઈમેન્ટમાં પણ રોકસોલ્ટનો મોટૉ જથ્થો હોવાનું જાણવા મળે છે, પરંતુ કસ્ટમ વિભાગ આ અંગે કાર્યવાહી ચાલતી હોવાનું કહીને કોઇ સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યું છે, જે પોતે અનેક પ્રશ્નો ઉભા કરે છે.ગાંધીધામ નજીક ફ્રેંડ્સ ગૃપના સીએફએસમાં કસ્ટમ વિભાગના એસાઆઈઆઈબી વિભાગે કાર્યવાહી આદરીને ચાર કન્ટૅનર ઝડપી પાડ્યા હતા. બોન્ડનો જથ્થો હોવાનું દર્શાવતા આ કન્ટૅનરોમાં દારુ, સિગારેટ, ટીશ્યુ પેપરના ડિક્લેરેશન સાથે વટાણાનો જથ્થો મળી આવ્યો હતો. જેના આરોપીને કસ્ટમ વિભાગે ચુપચાપ ઝડપીને જેલ હવાલે કરી નાખ્યો હતો અને તેનું નામ છુપાવવાના હજી પણ પ્રયાસો થઈ રહ્યા છે. આ કેસમાં આયાતકારી પેઢીમાં એકથી વધુ ભાગીદારો છે ત્યારે તમામની ધરપકડ કેમ નથી કરાઈ ? તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. જે અંગે કસ્ટમ વિભાગે સુચક મૌન અખત્યાર કર્યું છે, જેના પડઘા હવે દિલ્હી સુધી પડી રહ્યા છે.એક તરફ જ્યાં ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદથી સેનાના જવાનોએ શહીદી વહોરી હતી ત્યારે ચીની સામાનના બહિષ્કારનો માહોલ ઉભો થયો હતો. પરંતુ તેને જાણે ભુલી જવાયું હોય તેમ ગાંધીધામ, આદિપુર સંકુલમાં દિવાળીના મોટા પ્રમાણમાં ચીનમાં નિર્મીત ફટાકડા ફુટ્યા હોવાનું અને ઈલેક્ટ્રોનીક જથ્થો બહોળી સંખ્યામાં હજી પણ વેંચાતો હોવાની ચર્ચા છે.