ગાંધીધામમાં બિહારી યુવાન પાસેથી ર૪ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

ભુજ-

આર્થિક પાટનગર એવા ગાંધીધામ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માદક દ્રવ્યોની હેરાફેરી વધવા લાગી છે. તેવામાં એસઓજીએ બિહારી યુવાન પાસેથી ર૪ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. એરપોર્ટ રોડથી બાગેશ્રી ચાર રસ્તા તરફ જતા હાઈવે પર એસઓજીની ટીમે ટુ-વ્હીલર ચાલક પાસેથી ગાંજાનો આ જથ્થો જપ્ત કર્યો હતો. આરોપી ગાંજાના જથ્થાની હેરાફેરી કરતો હોવાની કબૂલાત અપાઈ છે. રેન્જ આઈજી જે.આર.મોથલિયા અને પોલીસ વડા મયૂર પાટીલ દ્વારા જિલ્લામાં નાર્કોટિક્સની બદી નેસ્ત નાબૂદ કરવા સૂચના અપાઈ છે. જે અન્વયે એસઓજીના પીઆઈ વી.પી.જાડેજાને મળેલી બાતમીના આધારે ગાંધીધામના એરપોર્ટ રોડ, રિવેરા રેસીડેન્સીથી આગળ જતા બાગેશ્રી ચાર રસ્તા પાસે વોચ દરમિયાન હોન્ડા એવીએટર નંબર જીજે૧ર-એઆર-૬૬૪૦ વાળાના ચાલક યશવંતકુમાર પવન મંડલને રોકવામાં આવ્યો હતો. 

આરોપી બિહારના ભાગલપુરનો અને હાલમાં અંજારના વરસામેડી સીમમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આરોપીના કબજાની એવીએટર ગાડીમાંથી ર૪.૬૩પ કિલો ગાંજો મળી આવ્યો છે. જેની કિંમત ર,૪૬,૩પ૦ આંકવામાં આવી છે. ઉપરાંત આરોપી પાસેથી પ હજારનો મોબાઈલ, ૪૦૮૦ રોકડા તેમજ આધારકાર્ડ, થેલા વગેરે મળી કુલ રૂા.ર,૬પ,૬૪૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપી ગાંજાના મુદ્દામાલ હેરાફેરી કરી વેંચાણ કરતો હોવાની કબૂલાત અપાઈ હતી. આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી અંજાર પોલીસને સોંપાઈ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution