શહેરની સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ઓછો પડતો હોય એમ હવે, ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઘાયલ દર્દીઓના ટાંકા લેવાનું કામ કરી રહ્યો હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ગંભીર બાબત એ છે કે, એમ્બ્યુલન્સનો ડ્રાઈવર સયાજી હોસ્પિટલના વોર્ડમાં નાના બાળકના ચાર-ચાર ટાંકા લેતો સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. આ બનાવને ગંભીરતાથી લઈને સયાજી હોસ્પિટલના આરએમઓ હિતેશ ચૌહાણે આખાય મામલાની તપાસ કરવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલ બોડી બામણીનું ખેતર હોય તેમ કોઈ પણ અંદર ઘુસી જાય છે અને ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફને કનડગત થાય તેવુ કૃત્ય કરી જાય છે. એમ્બ્યુલન્સના સંચાલકો અને ડ્રાઈવરો, પાર્કિંગના માણસો, રિક્ષા ચાલકો અને નશેબાજાેની આખોય દિવસ સયાજી હોસ્પિટલના કંપાઉન્ડમાં કારણ વિના પડ્યાં પાથર્યા રહેતા હોય છે અને હોસ્પિટલના અધિકારીઓ એમને રોકવાની હિંમત કરી શકતા નથી. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં વધુ એક ગંભીર છબરડો બહાર આવ્યો છે. વાત એવી છે કે, છેલ્લા ચોવીસ કલાકથી સયાજી હોસ્પિટલનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઘાયલ બાળકને ડોક્ટરો કે, મેડિકલ સ્ટાફને બદલે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર સારવાર આપી રહ્યો હોવાના ચોંકાવનારા દ્રશ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની સામે જ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ગ્લોઝ પહેરીને બાળકના ટાંકા લેતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આવા દ્રશ્યો એટલા માટે પણ ચોંકાવનારા છે કારણ કે, આજે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઘાયલ બાળકના ટાંકા લેતો દેખાઈ રહ્યો છે. જાે એને અહીં જ રોકવામાં નહીં આવે તો કાલે એ કોઈ દર્દીનું ઓપરેશન કરતો જાેવા મળશે. ખેર, આ સયાજી હોસ્પિટલ છે અહીંના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ રંજન ઐય્યર એમની ખુરશી સંભાળીને બેઠા છે. એમને હોસ્પિટલની અંદરની પોલમપોલ જાણવા કે, એને રોકવામાં કોઈ રસ હોય એવુ જરાંય લાગતુ નથી. જાે, હોસ્પિટલની સુરક્ષા અને દર્દીઓની સારવાર માટે તેમનામાં ગંભીરતા હોત તો એક બહારનો ખાનગી માણસ હોસ્પિટલની અંદર આવીને નાનકડા બાળકના ઘાયલ શરીર સાથે સારવારના નામે ચેડા ના કરી શકત. હોસ્પિટલના વોર્ડમાં જઈને બાળકના ટાંકા લેવાની એની હિંમત એટલે થઈ છે કારણ કે, આખાય હોસ્પિટલમાં સુરક્ષાના નામે મીંડુ છે. અહીં સુરક્ષા ગાર્ડ તો છે પણ કામગીરી કરતા નથી. અને સિક્યુરિટી ગાર્ડો કામગીરી એટલે પણ નથી કરતા કારણ કે, એમની ઉપર કોઈનું મોનિટરિંગ જ નથી. આખાય હોસ્પિટલમાં ધ્યાનથી નજર કરીએ તો ક્યાંક અંધારિયા ખૂણામાં નશેબાજાે પડેલા દેખાય તો ગેટની બહાર એમ્બ્યુલન્સના સંચાલકો અને ડ્રાઈવરો ગ્રાહકની શોધમાં ફરતા નજરે પડે. ખાનગી લેબોરેટરીના માણસો સેમ્પલો શોધતા હોય તો રીક્ષા ચાલકો પરપ્રાંતિય પેશન્ટોના સગાવ્હાલાને ઉઠા ભણાવતા નજરે પડે. જાે, તમે ધ્યાનથી જુઓ તો આખાય હોસ્પિટલના ખૂણેખાંચરે ફરતા ગીધ શિકારની શોધમાં જ હોય અને હોસ્પિટલના અધિકારીઓ એમની સામે આંખ આડા કાન કરતા જાેવા મળે. ખેર, આજે હોસ્પિટલમાં બાળદર્દીના ટાંકા લેતા વીડિયોમાં દેખાતો શખ્સ કોણ છે ? અને એની સામે સયાજી હોસ્પિટલના અધિકારીઓ શું પગલા લેશે? તે આગામી સમય બતાવશે.
ડ્રાઈવરો સારવાર કરે તો કેવી રીતે ચાલે?
સયાજી હોસ્પિટલ જેવી આટલી મોટી સરકારી સંસ્થામાં એમ્બ્લન્સના ડ્રાઈવરો અને સંચાલકોની રીતસરની પડી પથારી હોય છે. હકીકતમાં એમનુ કામ જ પેશન્ટ શોધવાનું છે એટલે દરેક વોર્ડમાં તેમની પાક્કી સાંઠગાંઠ હોય છે. સ્ટાફ સાથેના ઘરોબાને કારણે એમ્બ્યુલન્સ ડ્રાઈવરની એટલી હિંમત વધી ગઈ છે કે, તેઓ હવે પેશન્ટોની સારવારમાં પણ હસ્તક્ષેપ કરતા થઈ ગયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, હોસ્પિટલના વોર્ડમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરો ઘાયલ દર્દીઓના ટાંકા લેતા પણ નજરે પડી રહ્યા છે. જે દર્દીઓના સ્વાસ્થય સાથે ગંભીર ચેડા કહી શકાય.
ડૉ. રંજન ઐય્યરની કશું નહીં કરવાની નીતિ કારણભૂત ?
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજીમાં બહારનો કોઈ વ્યક્તિ ઘાયલ બાળકના ટાંકા લેતો હોય એવી ઘટના ખરેખર ચોંકાવનારી છે. અને આ ઘટના પાછળ બીજું કોઈ નહીં પણ સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.રંજન ઐય્યરની ઢીલી નીતિ જ જવાબદાર છે. વિચાર કરો કે, કોઈ ખાનગી વ્યક્તિ હોસ્પિટલમાં આરામથી ઘુસીને પેશન્ટની સારવાર કેવી રીતે કરી શકે ? આટલી ગંભીર ઘટના પછી પણ ડો. રંજન ઐય્યર કોઈ પગલા નહીં લે એ વાત નિશ્ચિત છે. ડો. રંજન ઐય્યરને પોતાની ખુરશી સિવાય બીજું કશું કરવુ જ નથી. કોઈને માઠું લાગે..કોઈને ખરાબ લાગે...કોઈની ઉપર પગલા લેવાય કે, કોઇની સામે પોલીસ કેસ થાય એવું કશુંય એમને કરવુ નથી. ભલે એનાથી સયાજી હોસ્પિટલની ઘોર ખોદાઈ જાય પણ ડો.રંજન ઐય્યરને કોઈની સાથે બગાડ કરવામાં રસ નથી.
સિક્યુરિટી સ્ટાફને ઘોળીને પી જતાં ડ્રાઈવરો
સયાજી હોસ્પિટલમાં કામ વિનાના એકપણ વ્યક્તિને પ્રવેશ ના મળે એ માટે પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હોસ્પિટલમાં પેશન્ટની ખબર કાઢવા જવુ હોય તો પાસ લેવો પડે છે અને હોસ્પિટલમાં વિઝિટ માટે જવુ હોય તો પણ પાસ લેવો પડે છે. આવી પાસ સિસ્ટમ લાગુ હોવા છતાંય એમ્બ્યુલન્સનો ડ્રાઈવર બિન્દાસ્તપણે હોસ્પિટલમાં ઘુસી જાય અને વોર્ડમાં જઈને કોઈ પેશન્ટના ટાંકા લેતો નજરે પડે તેનાથી આઘાતજનક બાબત શી હોઈ શકે ? જાે આવી ઘટના આટલી સરળ રીતે સર્જાતી હોય તો વિચાર કરો કે, સયાજી હોસ્પિટલમાં બીજું શું નહીં થતુ હોય ?