હિંમતનગરની ગર્ભવતી મહિલાએ ૪૦ દિવસ બાદ કોરોનાને હાર આપી

હિંમતનગર : હિંમતનગગરની ગર્ભવતી મહિલાએ અહીંની સિવિલ હોસ્પિટલમાં ૪૦ દિવસની સઘન સારવાર બાદ કોરોનાને મ્હાત આપી હતી જ્યારે ગર્ભમાં રહેલું સાત માસનું બાળક પણ હેમખેમ જણાયું હતું. શહેરના વિનાયકનગરમાં પોતાના માતા-પિતા અને સાત વર્ષિય પુત્ર સાથે સંયુક્ત પરીવારમાં રહેતા જયદિપભાઇ સથવારા ખાનગી ધિરાણ કંપનીમાં કામ કરી ઘરનું ર્નિવહન કરે છે. જેમાં સર્ગભા પત્ની પુજાબેન પણ ખરા. કોરોનાના સંકટ સમયે અજાણતામાં સર્ગભા પુજાબેનને પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા. એક તો સાત માસનો ગર્ભ અને પાછો કોરોનાની અસર ઘરના માથે તો જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરીસ્થિતિ પણ જયદિપભાઇ મન મક્કમ કરી સીધા સિવિલ પંહોચ્યા અને પત્ની પૂજાબેનની સારવાર માટે તજવીજ હાથ ધરી. જયદિપભાઇ વાત કરતા કહે છે કે પુજાને ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અને જનરલ હોસ્પિટલ હિમ્મતનગર ખાતે પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ કોવિડ-૧૯માં ૭ મહિનાના ગર્ભ સાથે આઈ.સી.યુ.માં દાખલ થઇ ગયા અગાઉ તેમને ઓપરેશન ધ્વારા બાળકની પ્રસૂતિ થયેલ હતી તેથી ચિંતા પણ વધારે હતી. પરંતુ હોસ્પિટલના તમામ સ્ટાફે પરીવારની જેમ હૂંફ આપી અને આજે ૪૦ દિવસે અમે ઘરે પરત ફર્યા છીએ. 

સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ર્ડા.મનીષાબેન કહે છે પૂજાબેનને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી. તેમને આર.બી.એમ. માસ્ક ઉપર રાખી સારવાર શરૂ કરાઇ હતી. દર્દીની પરિસ્થિતી ગંભીર થતાં બાયપેપ વેન્ટીલેટર મશીન ઉપર મૂકવામાં આવ્યા હતા. માતા અને બાળક બંનેની સારવાર કરવામાં બીજી દવા આડઅસર ન કરે તે પણ જાેવાનું હતું પણ બંને વિભાગએ નક્કી કરી દવા અને સારવાર આપવાનું શરૂ કર્યુ. આ દરમિયાન પુજાબેન અને તેમના ગર્ભમાં રહેલા બાળકનું સઘન મોનિટરિંગ કરવામાં આવેલ અને ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ નોર્મલ હતો. જરૂર પડે તેમ બધા રિપોર્ટ અને દવાની તમામ સારવાર એક પણ રૂપિયાના ખર્ચ વગર કરાઇ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution