ત્રણ વર્ષીય દીકરીને બચાવવા જતા માલગાડીની અડફેટે ગર્ભવતી માતાનું સ્થળ પર જ મોત

સુરતના સાયણ રેલવે સ્ટેશન નજીક ગરબાડાના શ્રમજીવી પરિવાર સાથે બનેલી કરુણાંતિકા


દાહોદ,તા.૦૧

સુરતના સાયણ રેલવે સ્ટેશન વિસ્તારમાં સિગ્નલ કેબલનું કામ કરી રહેલા દાહોદ જિલ્લાના ગરબાડાના શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષીય દીકરીને બચાવવા ગયેલ માતા માલગાડીની અડફેટમાં આવી જતા સ્થળ પર જ મોતને ભેટી હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા ગામના તળાવ ફળિયામાં રહેતા વજેસિંહભાઈ બચુભાઈ મેડા તથા તેમની પત્ની પપ્પુ બેન મેડા પોતાના એક દીકરા અને બે દીકરીઓને સાથે લઈ મજુરીકામ અર્થે માદરે વતન છોડી સુરત બાજુ ગયા હતા. પપ્પુબેન હાલ ગર્ભવતી હતી. અગાઉ તેઓ પરિવારજનો સાથે ઠાસરામાં રેલવેના સિગ્નલ કેબલ નું કામ પૂર્ણ કરી છેલ્લા વીસ પચ્ચીસ દિવસથી તેઓ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સિગ્નલ કેબલની કામગીરી કરી રહ્યા હતા. ગત ૨૭મી જૂનના રોજ બપોરના અઢી વાગ્યાની આસપાસ વજેસિંહભાઈ મેડા, તેમની ગર્ભવતી પત્ની પપ્પુબેન તથા તેમના પરિવારના માણસો રેલવે ટ્રેક પાસે કામ કરી રહ્યા હતા. જ્યારે તેમના બાળકો રેલવે ટ્રેકની બીજી તરફ રમી રહ્યા હતા. તે દરમિયાન થોડીવારમાં રેલ્વે ટ્રેકની સામે રમી રહેલા બાળકોમાંથી વજેસિંહભાઈની દીકરી ત્રણ વર્ષીય કિંજલ પોતાની માતા પપ્પુબેન પાસે આવવા રેલવે ટ્રેકની પાસે આવી ગઈ હતી. તેજ સમયે બીજી તરફ સામેથી પેટ્રોલ ડીઝલ ભરેલી માલગાડી પણ તે ટ્રેક પર આવી રહી હતી. તે જાેઈ પપ્પુબેન પોતાની દીકરી કિંજલને બચાવવા દોડી હતી. અને ટ્રેન આવે તે પહેલા રેલવેના પાટા ઓળંગીને પપ્પુ બેને પોતાની દીકરી કિંજલને બચાવી લીધી હતી. પરંતુ તેઓ પોતે અકસ્માતે માલગાડીની અડફેટમાં આવી જતા ફંગોળાયા હતા. અને તેઓને માથામાં તેમજ શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ ઘટનાના પગલે વજેસિંહભાઈ મેડાના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ સાયણ રેલવે પોલીસ સ્ટેશને કરાતા સાયણ રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને જરૂરી કાગળિયા કરી મૃતક પપ્પુબેનના મૃતદેહને પીએમ માટે મોકલી આપી, પીએમ બાદ પપ્પુ બેનના મૃતદેહને તેઓના પરિવારજનોને સોંપવામાં આવતા પપ્પુબેનના મૃતદેહને તેમના માદરે વતન ગરબાડા ખાતે લાવવામાં આવ્યો હતો. અને તેમની અંતિમ વિધિ પણ ગરબાડા ખાતે કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution