ચૂંટણીને કારણે સરકારી ખર્ચ અટકી પડતા લિક્વિડિટીની જોવાતી તાણ


મુંબઈ

દેશમાં ૧૯ એપ્રિલથી શરૂ થયેલી લોકસભાની ચૂંટણી જે દોઢ મહિના સુધી ચાલવાની છે તે દરમિયાન દેશમાં નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટીની ખેંચ ઊભી થવાની શકયતાને ધ્યાનમાં રાખી સરકાર સક્રિય બની હોવાનું જોવા મળે છે. ચૂંટણીને કારણે સરકારી ખર્ચ અટકી પડતા લિક્વિડિટીની તાણ જોવા મળી રહી છે.

 એક નિર્ણયમાં સરકારે રૂપિયા ૪૦,૦૦૦ કરોડના બોન્ડસના બાયબેકની જાહેરાત કરી હતી. બોન્ડસના બાયબેકથી નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટીની તાણ હળવી થવાની અપેક્ષા છે.

સામાન્ય રીતે ચૂંટણીના કાળ ખાસ કરીને લોકસભાની ચૂંટણીના ગાળામાં સરકાર દ્વારા માળખાકીય પ્રોજેકટસ તથા અન્ય કામો પાછળના ખર્ચ અટકી જતા હોય છે. ૧૯ એપ્રિલથી શરૂ થયેલી લોકસભાની ચૂંટણી ૧ જૂન સુધી ચાલવાની છે અને ૪ જૂનના પરિણામો આવશે.પરિણામો બાદ નવી સરકારની રચના પછી જ સરકારી મૂડીખર્ચ ફરી શરૂ થતા જોવા મળશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ૨૦ એપ્રિલથી જ લિક્વિડિટીની ખાધ જોવા મળી રહી છે. એપ્રિલ-જૂન ૨૦૨૩માં સરકારે રૂપિયા ૨.૭૮ લાખ કરોડનો ખર્ચ કર્યો હતો, પરંતુ વર્તમાન વર્ષમાં ચૂંટણીને કારણે આ ખર્ચ નોંધપાત્ર નીચો જોવા મળી રહ્યો છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution