આણંદ, ઉમરેઠ-ડાકોર રોડ પર પુરપાટ ઝડપે પસાર થતાં ટ્રકના ચાલકે આગળ જતાં એક બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈકચાલક યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. આ અંગે ઉમરેઠ પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.નડિયાદમાં માઈમંદિર રોડ પર આવેલ સાવલીયાનગર વિસ્તારમાં રહેતાં અને ગીલબાર્કો વિડર રુટ કંપનીમાં ફિલ્ડ એંજીનીયર તરીકે નોકરી કરતાં ૨૮ વર્ષીય અક્ષયભાઈ રમેશભાઈ પ્રજાપતિ આજરોજ સવારના સમયે ઘરેથી પોતાના બાઈક લઈને કંપનીના કામ અર્થે ડાકોર જવા માટે નીકળ્યાં હતાં. તેઓ ઉમરેઠ-ડાકોર રોડ પર આવેલ ઉમરેઠ ફાટક નંબર ૨૭ નજીકથી પસાર થતાં હતાં, તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતાં ટ્રક ના ચાલકે આ અક્ષયભાઈના બાઈકને ટક્કર મારી હતી. જે બાદ ચાલક પોતાની ટ્રક સ્થળ પર મુકીને ભાગી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલાં અક્ષય પ્રજાપતિનું ગળા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી મોત નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ પ્રિતેશકુમાર રમેશભાઈ પ્રજાપતિની ફરીયાદને આધારે ઉમરેઠ પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે