ચાહતના બાગબાનને ફરી મ્હેકવાનું કારણ મળી ગયું.
ઝાકળની બુંદોને ફૂલો પર ચહેકવાનું તારણ મળી ગયું!
ખળખળ વહેતા ઝરણાંનો પ્રવાહ આજે કંઈક વધુ જ ગતિશીલ હતો કે પછી સિયાના મનના તરંગો એ ઝરણાં સંગ હરીફાઈમાં ઉતરી આવ્યા હતા એ સમજવું જરા મુશ્કેલ હતું!
સિયા અપલક નજરે એ ઝરણાની અલ્લડતાને જાેઈ રહી હતી. તેમાં ઉઠતા વમળોની વચ્ચે એક ચહેરો ઉપસી આવ્યો.
જે યાદોને હ્રદયના સંદુકમાં ધરબી તે વર્ષોથી જીવી રહી હતી તે આજે બધા બંધન ભેદી ખૂબ જ તીવ્ર વેગથી બહાર આવવા જાણે ઝિદે ચડી હતી!
દૂર ઉભેલ તેની પી.એ. માર્યાને પણ સિયાનું આજનું આ વર્તન ન સમજાયું. ઘણીવાર સુધી રાહ જાેયા બાદ આખરે તે સિયા પાસે આવી અને બોલી, “ સોરી મેમ, પણ અત્યારે તો તમારી એક ખૂબ જ અગત્યની મીટીંગ છે અને તમે અહીં બેસી રહ્યા છો? અચાનક શું થયું? અને આ જગ્યા? સાવ આવા સાધારણ ઝરણાં પાસે તમે એમ જ તો ન આવ્યા હોય!”
"સાવ સાચી વાત કરી તેં, માર્યા! શું કરું? આજે દિલ ફરી બગાવત પર ઉતરી આવ્યું છે! વર્ષોથી સૂકા ભટ્ટ જેવા હ્રદય પર કોઈના સ્નેહભરી નજર બિંદુઓના અમી છાંટણા થયા છે.”
"મેડમ, એટલું તો હું પણ સમજી ગઈ છું કે તે બેહદ ખાસ છે. કદાચ તે પણ...”
"ના, માર્યા, ના..હવે એ નામ સાંભળી દિલની લાગણીઓને વધુ વેગ નથી આપવો. મૃગજળને તો વળી કદી પકડી શકાતું હશે?”
"તો પછી આટલી મોટી કંપનીની સી.ઈ.ઓ. મીટીંગ છોડી અહીં શું કરે છે?”
"સાચું કહ્યું તે. બસ દિલ અચાનક બેકાબૂ બની ગયું હતું...” સિયા હજુ પોતાના શબ્દો પુરા કરે તે પહેલા હ્રદયમાં આજ પણ રણકતો અવાજ ગુંજી ઉઠ્યો, “શા માટે દિલને રોકી રહી છો? વર્ષોની તડપ આજે પણ એટલી જ તીવ્ર છે!”
ત્રણ વર્ષ બાદ આજે અચાનક પોતાની સામે એ ચહેરો જાેયો જેને વર્ષો પહેલા ભૂલવા લાખ મથામણ કરી હોવા છતાં આજ સુધી ભૂલાયો નહતો.
"સમર તું...?” બેહદ આશ્ચર્ય સાથે સિયા લગભગ દોડતી જ તેની તરફ આવી રહી હતી, અચાનક તેના કદમો થંભી ગયા.
સમરને આવેલ જાેઈ માર્યા સમર તરફ સ્મિત કરી ત્યાંથી જતી રહી.
સમરને જાેતા સિયાની નજરો સામે વીતેલ સમયની વણજાર પાણીના રેલાની માફક વહેવા લાગી.
"સિયા..ચાલ ને જલદી જઈએ. આજે માંડ તો સમય મળ્યો છે. બાકી તો તું ભણવામાં એટલી ડૂબેલી રહે છે કે મને નજીક આવવા જ નથી દેતી. આજે હું તને નહી છોડુ.” સમરે સિયાને પાછળથી હગ કરતા કહ્યું.
"સમર, બસ, આ લાસ્ટ યરમાં તું ટોપ કરી લે. પછી મારે કશું નથી કરવું. બસ, હું તો ઘરે રહી તારી સેવા કરવા માંગુ છું. એટલે તો તને કંપની આપવા બેસી રહું છું.”
"સિયા આ ઢળતી સાંજ અને તારો સંગાથ.
બસ આમ જ રહે મારા હાથોમાં તારો હાથ”
સમરના મોઢેથી પ્રેમભરી શાયરી સાંભળી સિયા પણ તેને વળગી પડી.
બંને એમ.બી.એ.ના છેલ્લા વર્ષમાં હતા.
કોલેજના પ્રથમ દિવસથી જ એકબીજાને પસંદ કરતા હતા. સમય જતાં મૈત્રી પ્રેમમાં પરિણમી. બંનેની જાેડી પણ ખૂબ સુંદર લાગતી હતી.
સિયા ઘણી જ મળતાવડી અને આઝાદ વિચારોની હતી. સમર સિવાય પણ કોલેજમાં તેના ઘણા દોસ્ત હતા. તેમાં વિરાગ તેનો ખાસ મિત્ર હતો.
વિરાગ પણ બંનેની સાથે તે જ કોલેજમાં હતો. તે પણ સિયાનો દોસ્ત હતો. સમરને આ દોસ્તી હંમેશ ખૂંચતી.
એકવાર સમરને કોઈ કામથી તેના મમ્મી પપ્પા સાથે ગામડે જવાનું થયું. ત્યાં સમરને ખબર પડી કે તેની સગાઈ તો એ જ ગામના સરપંચની દીકરી સાથે નાનપણમાં જ કરી દેવામાં આવી હતી અને આજે તે વિધિ માટે તેઓ આવ્યા છે. સમરે ઘણો વિરોધ કર્યો પણ તેના પપ્પાના એકચક્રીય શાસન પાછળ સમરનંુ કશું ન ચાલ્યું.
આ બાજુ સમર હજુ પોતાની સગાઈની વાત સીયાને કરે તે પહેલા જ સિયાને ખબર પડી ગઈ. અધૂરી માહિતી અને અધૂરી સચ્ચાઈએ સિયાના દિલમાં સમર માટે નફરત જગાવી દીધી.
સિયા જાણે સમરને બતાવી દેવા માંગતી હોય તેમ તેણે કોલેજ કેમ્પસમાં જ વિરાગને પ્રપોઝ કર્યું. વિરાગ, સિયાને પહેલથી પસંદ કરતો હતો. તેણે તરત જ સિયાને પોતાની બાંહોમાં લઈ લીધી.
આ દ્ર્શ્ય જાેઈ સમર સળગી ઉઠયો, તે બરાડી ઉઠ્યો, “વાહ સિયા પ્રેમનો શું ખેલ ખેલ્યો! જીવવા મારવાની કસમો મારી સાથે અને લગ્ન બીજા સાથે! આમ તો મારે પહેલાથી જ સમજી જવું જાેઈએ તારા જેવી છોકરી કદી કોઈ એકને વફાદાર ન હોય.”
"મને કશું કહેતા પહેલા ખુદના ઝમીરને ચકાસી લેજે. એમ પણ તારા કરતા વિરાગ બધી રીતે મારી યોગ્ય છે. ગુડ બાય.”
બંનેની જીદ,ગુસ્સા અને ગેરસમજે બંનેને હંમેશ માટે અલગ કરી દીધા.
આજે સવારે એક બિઝનેસ ફેરમાં સમરને આટલા વર્ષ બાદ અચાનક જાેયો ત્યારથી સિયાનું દિલ ફરી એકવાર ભૂતકાળના સંસ્મરણોની આંધી ઉભરાઈ હતી. તે સમરને મળ્યા વગર જ ઝડપથી ત્યાંથી નીકળી સીધી એ જગ્યાએ આવી હતી જ્યાં તેઓ અવારનવાર આવતા.
"સિયા, તને બિઝનેસ ફેરમાં આ મૂકામે જાેઈ દિલ ખુશીથી ઝૂમી ઉઠ્યું. એટલે જ તારી સેક્રેટરી પાસેથી જાણી તને અહીં મળવા આવ્યો.”
સમરને જાેતા જે લાગણીઓનો સૈલાબ આવ્યો હતો તે ફરી એકવાર વર્ષોથી ડંખી રહેલ ઝખ્મના દર્દ તળે દબાઈ ગયો.
આંખોમાં આગ વરસાવતા સિયા બોલી, “તો તને શું લાગ્યું તારા ગયા બાદ હું રડતી બેસી રહીશ? આજે સિયા એન્ડ સન્સ દેશની ટોપ કંપનીમાં આવે છે. થૅન્કસ, મિસ્ટર સમર, તેં ન છોડી હોત તો કદાચ..છોડ એ, આટલા વર્ષે મારી યાદ કેમ આવી? તું તો તારી જીંદગીમાં ખૂબ ખુશ હોઇશ તો હું પણ બિલકુલ દુઃખી નથી.” આંખોમાં અશ્રુ સાથે સિયા એક શ્વાસે દિલની વેદના ઠાલવી રહી.
સમર તેની નજીક આવ્યો અને ખૂબ પ્રેમથી તેને પોતાની બાંહોમાં ખેંચતા બોલ્યો, “સિયા હું એ જ તો ઈચ્છતો હતો કે મારી સિયાનો ડંકો દુનિયાના બિઝનેસ વર્લ્ડમાં વાગે.”
ઈચ્છવા છતાં સિયા તેનાથી અલગ ન થઈ શકી. બેહદ આશ્ચર્યથી તે બોલી,”મતલબ...?”
"સિયા, તારી સામે એક એવું દ્ર્શ્ય ઉભુ કરાયું હતું જે નર્યો આભાસ હતો. દૂર દૂર સુધી તેમાં કોઈ વાસ્તવિકતા ન હતી.”
"એટલે તું કહેવા શું માંગે છે? તારા લગ્ન..”
"હા, સિયા.. ગામડે સગાઈવાળી આખી સ્ટોરી જૂઠી હતી. મારા પ્રેમમાં તું તારું સ્વપ્ન ભૂલવા લાગી હતી. મારી પ્રત્યેની ફરજાે નિભાવવા તું તારા ટેલેન્ટનું બલિદાન ન આપે એટલે જ મે આ બધો સ્વાંગ રચ્યો. જેથી તું મને નફરત કરે અને તારું પેશન ફરી એકવાર જીવંત થઈ જાય!”
અત્યાર સુધી દિલ પર લાગેલ ઘાવ આજે જાણે સાવ અદ્ર્શ્ય થઈ ચાહતના પુષ્પ ખીલવી રહ્યા હતા. સિયા એ જ ઉત્કટતાથી સમરને વળગી પડી.
"સિયા, એ બધું તો ઠીક પણ પેલા બિચારા વિરાગને શા માટે બલીનો બકરો બનાવ્યો? તે તો બિચારો તારી પ્રપોઝ સાંભળી જ ઘાયલ થઈ ગયો.”
"સમર, જેમ તને ત્યારે જ સમજાઈ ગયું હતું કે આ એક નાટક છે તેમ વિરાગ પણ બધું જ જાણતો હતો. તેણે બસ મને સાથ આપ્યો. બાકી હર કોઈ જાણતા હતા કે સિયાના દિલનો ધબકાર તો સમર એક જ છે.”
"અને એ ધબકારનો પ્રતિધ્વનિ પણ એક જ છે મારી જીંદગી... મારી સિયા..!”
Loading ...