મધ્યમ વર્ગ સન્માન નિધિની હવે જરૂર છે

લેખકઃ સુરેશ મિશ્રા | 

મોદી-૩નો મંગળ પ્રારંભ વડાપ્રધાનશ્રીએ કિસાન સન્માન નિધિના લાભના ખેડૂતોને વિતરણથી કર્યો. સારી વાત છે. ખેડૂત જગતનો તાત છે. એને ટેકો આપવો સરકાર અને સમાજની ફરજ છે. પરંતુ દેશમાં એક એવો વર્ગ છે જેને કોઈ ટેકો આપતું નથી. એના માટે કોઈ કલ્યાણ યોજના નથી. એ ગરીબીરેખાની તો ઉપર છે, પણ બે છેડા ભેગાં કરતાં એનો દમ નીકળી જાય છે.

આ વર્ગ છે મધ્યમ વર્ગ. એ ખૂબ સમર્પિત મતદાર છે, વફાદાર વોટ બેન્ક છે. તડકો વેઠીને એ મત આપવા નીકળે છે. એના માટે કોઈ યોજના નથી છતાં એને જેની રાજનીતિ ગમે છે એના માટે એ સમર્પિત છે. ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ મળે છે. આયુષ્માન હેઠળ મફત સારવાર મળે છે. ઉચ્ચ વર્ગને પૂરતી આવક છે. એમના વેપાર ઉદ્યોગને આગળ વધારવા અને પ્રોત્સાહક યોજનાઓ છે.

એક મધ્યમ વર્ગ એવો છે જેનું કોઈ નથી. જેના માટે કશું નથી. એ માસિક રૂ.૨૦ થી ૫૦ હજારની નોકરી કરે છે. તેનાથી થતી વાર્ષિક આવક એને માલેતુજાર બનાવતી નથી. અને એની ગરીબમાં ગણના થતી નથી. ૩૦ થી ૪૦ હજારનો ખર્ચ સારવાર માટે કરવો પડે એવી માંદગી આવે, તેજસ્વી સંતાન સારા ટકા લાવે પણ સરકારી ક્વોટામાં પ્રવેશ માટે ટકા પૂરતા ન હોય અને એ ખાનગી શિક્ષણ સંસ્થામાં ઉજ્જવળ ભવિષ્ય માટે સંતાનને ભણાવવા ઈચ્છે તો ફીની રકમ એના હોંશકોશ ઉડાડી દે છે.

 ગુજરાત સરકાર થોડી ઉદાર છે. એ વાર્ષિક રૂ.૫ લાખની આવક સુધી(સિનિયર સિટીઝન માટે રૂ.૬ લાખ) આયુષ્માન યોજના હેઠળ મફત સારવારનો લાભ આપે છે. દેશના અન્ય રાજ્યોમાં ફક્ત રૂ.૩ લાખ વાર્ષિક આવક જ માન્ય છે.

પણ હકીકત એવી છે કે વાર્ષિક રૂ.૧૦ લાખની આવક હોય એમને પણ એક મોટી માંદગી સારવારના જંગી ખર્ચના બોજ હેઠળ બેહાલ કરવા માટે પૂરતી છે.

એટલે સાહેબ, હવે મધ્યમ વર્ગ સન્માન નિધિ અને એમને માટે સમાજ સુરક્ષા યોજનાઓ શરૂ કરવાની જરૂર છે.આખા કુટુંબના સામૂહિક આપઘાતના જે કિસ્સા બને છે એ મોટેભાગે મધ્યમ વર્ગના પરિવારોમાં અને બહુધા આર્થિક મૂંઝવણથી બને છે. દેશના કેટલાક રાજ્યોમાં તેની શરૂઆત થઈ છે. રાહુલ ગાંધીએ રૂ.૮૫૦૦ બહેનોના ખાતામાં જમા કરવાનું જે વચન આપ્યું હતું તે આ પ્રકારનું આયોજન ગણાય. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહની લાડલી બહેના યોજના કદાચ આ વર્ગને જ વધુ ગમી હતી.

ગુજરાત સરકારે પણ આયુષ્માનનો લાભ રૂ.૮ લાખની વાર્ષિક આવક મર્યાદા સુધી આપવાની જરૂર છે. એવું કરશે તો રાજ્ય સરકારને ખૂબ આશીર્વાદ મળશે.

ખરેખર તો રૂ. ૮ કે ૧૦ લાખની વાર્ષિક આવકને આવકવેરા મુક્તિની મર્યાદા બનાવવાની જરૂર છે.સરકારના મનમાં આવો ઉદાર વિચાર આવતો જ નથી.

 બીજું કે મધ્યમ વર્ગે પછેડી જેટલા જ લાંબા પગ કરવાની કળા શીખવી પડે. દેખાદેખીથી ગજા બહારનો ખર્ચ કરવાની નબળી આદત આ વર્ગમાં કદાચ વિશેષ છે. આવકના સ્ત્રોત મર્યાદિત હોય તો ધિરાણ લેવાના વિકલ્પો એને સૌથી વધુ સૂઝે છે. લોન લેવામાં એક પળનો વિચાર કે વિલંબ ના કરવો અને પછી હપ્તા કેવી રીતે ભરાશે એની મૂંઝવણમાં કુટુંબજીવન ઠેબે ચડાવવાનું એને સહજ છે.

મધ્યમ વર્ગની આ શાહમૃગવૃત્તિ એને જીવનમાં મજબૂર બનાવે છે. લગ્ન જેવા પ્રસંગોએ દેખાદેખીમાં ભપકા કરવાની એની વૃત્તિ એને જ મુશ્કેલીમાં મૂકે છે. મોજ સહજતા અને સરળતાથી થઈ શકે છે. પોતાની સ્થિતિની મર્યાદામાં રહીને જીવન જીવવાથી નિરાંત અનુભવી શકાય છે. કુટુંબના સભ્યોના જન્મદિવસ હોટેલમાં મોટો ખર્ચ કરીને જ ઉજવાય એવું નથી. ઘરમાં સૌ એને પર્વ પ્રસંગ બનાવી ભેગાં થાય, આપણી જૂની પરંપરા પ્રમાણે પૂજન વંદન કરવામાં આવે અને ઘરના સ્વદેશી ભોજનની મિજબાની થાય તો ખોટું શું છે? એના ફોટો એફ.બી.પર મૂકવામાં શરમ અનુભવવાની જરૂર નથી. આ આપણી પારિવારિક જાહોજલાલી ગણાય જેની લાંબા ગાળે લોકોને ઈષ્ર્યા થશે અને ઘણાં પરિવારો તમારું અનુકરણ કરશે. એટલે મધ્યમ વર્ગે કરકસરથી જીવતા શીખવું જરૂરી છે. સંતાનોના શિક્ષણમાં કોઈ કચાશ કે કસર ના રાખો પરંતુ ખોટા ખર્ચથી બચો. એ બચત જીવન સરળ બનાવશે અને કોઈની સામે હાથ લંબાવવામાંથી કે ચક્રવૃદ્ધિ વ્યાજની માયાજાળમાંથી બચાવશે.

કોઈ સન્માન નિધિનો લાભ મધ્યમ વર્ગને આપો કે ના આપો, એમનું જીવન સરળ બને એવું કશુંક અવશ્ય કરો. એમને મફત અનાજ ના આપી શકો તો કોઈ વાંધો નથી, પરંતુ એમને બે કે ચાર રૂપિયે કિલોના ભાવે થોડુંક અનાજ,ખાંડ,તેલનો લાભ તો આપો.થોડી મદદ એમના માટે મોટી રાહતનો સ્ત્રોત બનશે. સામાજિક સુરક્ષા સાવર્ત્રિક સુલભ બનાવવાની જરૂર છે. મોદી સાહેબે ૭૦ વર્ષની ઉંમરથી આયુષ્માનનો લાભ આવક મર્યાદાના બાધ વગર આપવાનું ચુંટણી વચન આપ્યું જ છે. આ એ દિશાનું કદાચ પહેલું કદમ છે.

સન્માનથી જીવવાનો મધ્યમ વર્ગને અધિકાર છે જ. નવી સરકાર એ દિશામાં વધુ પહેલ કરે એ ઇચ્છનીય છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution