વડોદરા, વડોદરા શહેરમાં રસ્તે રખડતાં ગાય અને કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. એક સપ્તાહમાં ૧૫ થી ૨૦ નાની મોટી વ્યક્તિઓને કૂતરું કરડયાના બનાવો સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયો છે. આજે પણ છાણી વિસ્તારના ગુરુદ્વારા પાસેથી ચાલતા પસાર થતા આધેડ વ્યક્તિને પગની પીંડીના ભાગે બચકું ભરી લેતાં માંસનો લોચો બહાર આવી ગયો હતો. કૂતરાથી ઘાયલ થયેલ વ્યક્તિ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જાે કે, દર્દીની હાલત સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.
હોસ્પિટલના સૂત્રોમાંથી આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર હાલ શહેરમાં રાત્રિ કરફયૂના કારણે રોડ સૂમસામ હોવાથી રસ્તે રખડતા કૂતરાઓ ટોળેટોળા વળી ભેગા થાય છે અને માર્ગો ઉપર નીકળી પડે છે, ત્યારે રાત્રિના સૂમસામ રોડ પર પસાર થતા એકલદોકલ વાહનચાલક પાછળ દોડે છે અને વાહનનો પીછો કરે છે જેને લઈને વાહનચાલક કૂતરાથી બચવા માટે વાહન પૂરઝડપે ચલાવતા હોવાથી અકસ્માતનો ભોગ બને છે. જ્યારે ચાલતી જતી વ્યક્તિઓને પણ કૂતરાઓ પાછળ પડી જાય છે અને સામે આવી બચકું ભરી લેવાના બનાવો પણ બને છે.
શહેરના વિવિધ વિસ્તારના માર્ગો ઉપર રખડતા કૂતરાઓ અને ગાયોનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગાય-કૂતરાઓના કારણે સંખ્યાબંધ અકસ્માત અને કૂતરા કરડવાના બનાવો બની રહ્યા છે. તેમ છતાં સેવા સદનના આરોગ્ય વિભાગના અમલદારોનું પેટનું પાણી પણ હાલતું નથી. ખસીકરણની કામગીરી કરી શહેરમાં કૂતરાઓનો ત્રાસ દૂર થવાનો સંતોષ માની રહ્યા છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ એક સપ્તાહમાં ૧૫ થી ર૦ જેટલી વ્યક્તિઓને રસ્તે રખડતા કૂતરાઓ કરડવાના બનાવો નોંધાયા છે જેમાં આજે વધુ એક છાણી ખાતે આવેલ ગુરુદ્વારા પાસેથી પસાર થતા આધેડ કાંતિભાઈ વાલાભાઈ નાયક (ઉં.વ.પપ)ને રસ્તે રખડતા કૂતરાઓ તેમની પાછળ આવીને પગની પીંડીના ભાગે બચકું ભરી લઈ ભાગી ગયું હતું. આ બનાવમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં લોહી નીકળતી હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.