કમલમ ખાતે પ્રશિક્ષણ વર્ગ માટે અને નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષોની બેઠક યોજાઇ

ગાંધીનગર-

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શુક્રવારે પ્રશિક્ષણ વર્ગ અને નવા નિમાયેલા જિલ્લા મહાનગરોના પ્રમુખની બેઠક મળી હતી. આ બેઠક વિશે બોલતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના દરેક મંડળના આયોજન અંગે ભાજપના જિલ્લા અને મહાનગરના પ્રમુખો તેમજ પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ સહિત બેઠક યોજાઇ હતી. આ બેઠકના પૂર્વે ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટની ઉપસ્થિતિમાં અભ્યાસ વર્ગની બેઠક પણ યોજાઇ હતી.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આગામી સમય માટે ભાજપા જિલ્લા પ્રમુખની જવાબદારી માટે નિયુક્ત થયેલા સૌ આગેવાનોને શુભેચ્છા પાઠવી હતી. શુક્રવારે યોજાયેલી બેઠકમાં આગામી સમયમાં યોજાનારા પ્રશિક્ષણ વર્ગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બેઠકમાં ઉપસ્થિત સૌ આગેવાનો અને પ્રશિક્ષણ વર્ગના સુચારું આયોજન અંગે વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ભાજપની વિશિષ્ટ કાર્ય પદ્ધતિ, સરકારની યોજનાઓ જનતા સુધી વધુને વધુ પહોંચે તે માટે ભાજપ કાર્યકર્તાઓની કડીરુપ ભૂમિકા અંગે જિલ્લા સંગઠનની રચના, તેમજ દરેક જિલ્લામાં પેજ કમિટીની રચના અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગોરધન ઝડફિયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે શુક્રવારના રોજ યોજાયેલી બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટે આગામી સમયમાં યોજાનારા ભાજપના અભ્યાસ વર્ગ અંગે આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકોમાં ભાજપના જુદા-જુદા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution