જેણે મુખ્યમંત્રીને સ્ટેજ પર પડતા બચાવી લીધા એ જવાન વિશે તમે જાણ્યું

વડોદરા-

શહેરના નિઝામપુરા વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધતી વખતે મુખ્યમંત્રીની તબિયત લથડતાં એકાએક તેઓ જ્યારે સ્ટેજ પર ફસડાઈ પડ્યા ત્યારે તમને એક વાત જરૂર નોંધવા જેવી લાગી હશે. મુખ્યમંત્રી હજી પૂરેપૂરા ફસડાઈ પડે એ પહેલાં જ એક જવાને તેમને પાછળથી આવીને સલામત ટેકો આપીને પકડી લીધા હતા. જો આ જવાને સમયસૂચકતા ન બતાવી હોત તો, મુખ્યમંત્રી વધારે જોરથી સ્ટેજ પર પટકાયા હોત અને પછી તો શું થઈ શકે એ કલ્પવું મુશ્કેલ છે, છતાં જે લોકોએ આ વિડિયો ક્લીપ જોઈ, ટીવી પર પ્રસારણ જોયું તે બધાએ આ સજાગ અને સચેત જવાનની ખૂબ પ્રશંસા કરી હતી.

સંબોધન કરી રહેલા મુખ્યમંત્રીનો અવાજ જેવો લથડવા લાગ્યો કે તરત જ આ સતર્ક જવાનને ખબર પડી ગઈ કે કંઈક અજુગતું થઈ રહ્યું છે. આવી અસામાન્ય સ્થિતી ભાળી ગયેલા જવાને તરત જ દોડી જઈને મુખ્યમંત્રીને પટકાતા બચાવી લીધા હતા. 

મળતા હેવાલો પ્રમાણે આ જવાન પીએસઆઈ ડી એસ ચુડાવંત મુખ્યમંત્રીના કાફલામાં એક કમાન્ડો તરીકે લાંબા સમયથી સેવા બજાવે છે. તેઓ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના છે. મુખ્યમંત્રી રૂપાણી સાથે તેઓ લાંબા સમયથી હોવાને પગલે તેમને સારી પેઠે જાણે છે અને તેમના એ વિશ્વાસુ છે. મુખ્યમંત્રી રૂપાણીની જીભ થોથવાઈ કે તરત જ તેમણે નજીક જઈને તેમને પાછળથી સહારો આપવાનું શરૂ કરી દીધું હતું અને તેઓ પૂરી શક્તિ ગુમાવીને પડે એ પહેલા સલામત રીતે પકડીને સ્ટેજ પર સુવડાવી દઈને સારવાર આપવી શરૂ કરી હતી. જે લોકોએ આ સમગ્ર દ્રશ્ય જોયું તેઓ આ જવાનની પ્રશંસા કરવા લાગ્યા હતા. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution