સિરામિકના કારખાનામાં સંચો તૂટી પડતાં ત્રણ દબાયા, જૂઓ વિગત

મોરબી-

મોરબી જેતપર રોડ ઉપર આવેલા એક આરએકે સિરામિકના કારખાનામાં ગઈકાલે અકસ્માત થયો હતો. જેમાં સિરામિક યુનિટમાં માટી દળવા માટે મૂકવામાં આવેલ સાયલો  એટલે કે લોખંડની ટાંકી તૂટી ગઈ હતી. જેથી સિરામિક યુનિટના એક ભાગીદાર તેમજ ત્યાં કામ કરતી એક મહિલા સહિત કુલ મળીને ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા. તેને બહાર કાઢવા માટેની કવાયત કરવામાં આવી હતી. જેમાંથી બે શખ્સની લાશને બહાર કાઢવામાં આવી છે. હજુ પણ એક મહિલા માટીના સાયલા નીચે દટાયેલ છે, જેને બહાર કાઢવા કવાયત ચાલુ છે. 

આ ઘટના મોરબીના જેતપર રોડ ઉપર આવેલા આરએકે ગ્રેસ સિરામિક નામના કારખાનામાં બની હતી. કારખાનામાં માટી દળવા માટેનો સાયલો ગઈકાલે બપોરના ચારેક વાગ્યે બ્લાસ્ટ થઈને તૂટી ગયો હતો અને દીવાલ તેમજ કારખાનાનો શેડ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેથી કરીને આ કારખાનાના સંજયભાઈ નામના એક ભાગીદાર તેમજ ત્યાં કામ કરતી એક મહિલા સહિત કુલ મળીને છ લોકો પર સાયલો તૂટી પડ્યો. આ તમામ માટી નીચે દબાયા હતા. જેમાંથી ત્રણ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને ઇજાઓ થઈ હોવાથી સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી અને બાકીના ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

મોરબી પાલિકાની ફાયરની ટીમ આ ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. જો કે, માટીના સાયલા આખા ભરેલા હોવાથી તેની નીચે દટાયેલાં લોકોને બહાર કાઢવા માટે જેસીબી, હાઈડ્રો મશીન સહિતની મશીનરીની મદદ લેવામાં આવી હતી. ઘટના મોટી હોવાથી પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્રણ વ્યક્તિ માટીના સાયલા નીચે દટાયેલ હોવાથી તેને બહાર કાઢવા આખી રાત રેસક્યૂ ચાલ્યું હતું. જેમાંથી બેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આરએકે ગ્રીસ સિરામીકના ભાગીદાર સંજય સુંદરજીભાઇ સાણંદીયા ઉં વ 54,  અને અરવિંદ અમરશીભાઇ ગામીના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, હજી સુધી એક અન્ય મહિલાની લાશ કાઢવા માટેના પ્રયાસો ચાલુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution