કેપ ટાઉન-
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાવાને પગલે નવીન ટેક્નોલોજી માનવજીવનની મદદે આવી અને વિવિધ અંતરાયો વચ્ચે પણ સારી પેઠે કામ ચલાવવાની સગવડ ઊભી થઈ. આવી જ એક ટેક્નોલોજી ઝૂમ એપ્લિકેશન છે, જેણે કોરોના મહામારી દરમિયાન મહામારી માટે સલાહ-સૂચન ઉપરાંત મિટીંગ યોજવા માટેની સગવડો ઊભી કરી આપી. જો કે, આવી જ મિટિંગ દરમિયાન ક્યારેક થતાં છબરડાંએ લોકોનું ધ્યાન પણ ખેંચ્યું હોય એવું બન્યું છે, તો ક્યારેક મિટીંગના સભ્યને ખુદને માટે ક્ષોભજનક સ્થિતી પણ ઊભી થઈ હોય એવું બન્યું છે.
તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાના એક રૂઢીવાદી નેતાની પત્ની એકાએક ઝૂમ મિટીંગ દરમિયાન જ નિર્વસ્ત્ર હાલતમાં દેખાઈ જતાં તેઓ પોતે ભારે ક્ષોભજનક હાલતમાં મૂકાઈ ગયા હતા. સંસદીય મિટીંગ ઝૂમ એપ્લિકેશન પર ચાલી રહી હતી ત્યારે જ તેમની પત્નીએ એકાએક નિર્વસ્ત્ર હાલતમાં દેખા દેતાં તેઓ પોતે અને ઝૂમ મિટીંગમાં ભાગ લેનારા સૌ માટે વિમાસણની હાલત ઊભી થઈ હતી. ગત 30મી માર્ચના રોજ દક્ષિણ આફ્રિકન પાર્ટી નેશનલ હાઉસ ઓફ ટ્રેડિશ્નલ લિડર્સના નેતા ઝોલીલે ડેવુ ઝૂમ એપ્લિકેશન પર અન્ય 23 નેતાઓ સાથે કોવિડ બાબતે મિટીંગ કરી રહ્યા હતા ત્યારે એકાએક આવી સ્થિતી ઊભી થઈ હતી.