દરિયાપુરમાં ધમધમતું વિદેશી દારૂનું મસમોટું કટિંગ ઝડપાયું

અમદાવાદ કડક દેખાતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરની આંખ નીચે શહેરમાં ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલતી રહી હોય તેવી વાતો વહેતી થઈ. શહેરના દરિયાપુરમાં વિદેશી દારૂનું મોટું કટિંગ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી લઇને સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી હતી, જ્યારે અગાઉ આજ વિસ્તારમાં ચાલતું જુગારધામ શહેરભરમાં જાણીતું પણ બન્યું હતું . આટલું ઓછું હોય એમ રેલવે સ્ટેશન નજીક અને ભરચક વિસ્તારમાં આવેલ પોલીસ મથકમાં પણ અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલી ફાલી હોવાની ચર્ચાઓ ઉઠી હતી.કહેવાય છે આ બંને પોલીસ મથકમા કે કંપનીમાં ધકેલાયેલા અને અત્યારે અન્યોને નોકરી ફાળવવા મેજર બનેલા કર્મી દ્વારા જ સમગ્ર વહીવટ કરાયાની વાતો બહાર આવી હતી. જાે યોગ્ય તપાસ થાય તો જવાબદાર પોલીસ કર્મીઓ અને કે કંપનીમા ‘મેજર ‘ ની ભૂમિકામા રહેલ કર્મી સામે આકરાં પગલાં ભરાય શકે તેવી ચર્ચાઓ સાંભળવા મળી હતી. ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવતા દરોડા એજન્સીઓની ગેરકાનૂની પ્રવૃત્તિ ને કરવામાં આવતી કામગીરી સામે અનેક શંકા કુશંકા ઉભી કરી દેતા હોવાની પણ વાતો વહેતી થઈ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલને દરિયાપૂર વિસ્તારમાં આવેલ જે.પી સ્કૂલની સામે નાની હવેલી પોલ પાસે મસ મોટું દારુનું કટીંગ થઈ રહ્યું છે, અને દારૂ લેવા કેટલાક લોકો ટુવ્હીલર લઈને ત્યાં આવ્યા છે તેવી બાતમી મળી હતી. જેને લઇ સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પર દરોડો પાડતાં ગુનેગારોમા દોડધામ થઇ હતી. જ્યાંથી ૧૧૫૧ દારૂની બોટલો જેની કિંમત ૧. ૭૮ લાખ જેટલી થાય છે અને ત્રણ ટુવ્હીલર કબ્જે કરી હતી. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલને વધુ તપાસ કરતા દારુનું કટીંગ કરાવનાર મુખ્ય આરોપી રાજ ઉર્ફે નાનો પ્રજાપતિ (રહે. દરિયાપુર) જાણવા મળ્યું હતું. ત્યારે આ દારુ કટીંગ કરાવનાર મુખ્ય આરોપી, આ જથ્થો મોકલનાર તેમજ સ્થળ પરથી ફરાર ત્રણ જેટલા ટુવ્હીલર ચાલકોને વૉન્ટેડ જાહેર કર્યા હતા. બીજીબાજુ ૧. ૭૮ લાખના દારુ સહિત કુલ ૩. ૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી સ્ટેટ મોનીટરીંગ સેલે દરિયાપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

દરિયાપુરમાં લતીફ બાદ દારૂનો કારોબાર કોનો, રાજ કે સિરાજ?

દરિયાપુરમાં કુખ્યાત ડોન લતિફનો જે તે સમયે ભારે દબદબો હતો. જાેકે હાલમાં પણ સ્થાનિક પોલીસના કેટલાક બેઈમાન પોલીસકર્મીઓ અને અજાણ અધિકારીઓના કારણે દરિયાપુર ફરી એકવાર દારૂ જુગારનું હબ બની રહ્યું હોય તેવી વાતો વહેતી થઇ છે. વિદેશી દારૂનું ખુલ્લેઆમ કટિંગ કે મનપસંદ જુગાર તમામ બાબતો સ્થાનિક પોલીસની છાપ ઉજાગર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કહેવાય છે કે વહીવટદારીના કારણે એક પોલીસકર્મીને કે કંપનીમાં મૂકી દેવાયો હતો, જાેકે તેનો આ વિસ્તાર અને રેલવે સ્ટેશન નજીક ભરચક વિસ્તારમાં આવેલ પોલીસ મથકમાં ગુનેગારોને મદદ કરવામાં સંપૂર્ણ કાબૂ હોવાની ચર્ચાઓ સાંભળવા મળી. એટલે જ દરિયાપુરમાં લતીફ બાદ દારૂનો કારોબાર રાજ કે કે કંપનીમાં મેજરની ભૂમિકામા રહેલ “સીરાજ”નો હોવાની ચર્ચાઓ ઉઠી છે.

અગાઉ અનેક જવાબદાર કર્મીઓ સામે સસ્પેન્ડ અને જિલ્લા બહાર સહિતનાં પગલા લેવાયા હતા

અગાઉ પણ થોડા વર્ષો પહેલા વિસ્તારમાં ચાલતા જીમખાના પર એજન્સીની મોટી રેડ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડનો તમામ સ્ટાફ અને સર્વેલન્સ સ્કવોડના પી એસ આઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ લાલ આંખ કરવામાં આવી હતી.તેવી જ રીતે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે એનકેન પ્રકારેઅનેક જવાબદાર કર્મીઓ સામે અગાઉ સસ્પેન્ડ, કે કંપનીમા નિમણૂક , કાયદાકીય તેમજ જિલ્લા બહાર સહિત પગલા લેવાયા હતા ત્યારે હવે દરિયાપુર પોલીસ સ્ટાફ પર શહેર પોલીસ કમિશનર કે ડીજીપી આકરા પાણીએ પગલા ભરશે તેવી ચર્ચાઓ સાંભળવા મળી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution