અમેરિકા-
અમેરિકાના ફ્લોરિડામાં બહુમાળી ઈમારત ધરાશાયી થઈ છે. આ 12 માળની ઉંચી ઇમારતનું નામ શૈમ્પ્લેઇન ટાવર્સ કહેવામાં આવી રહ્યું છે, જે મિયામીમાં સમુદ્રની સામે જ બનાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 99 લોકો લાપતા છે. ગુમ થયેલા લોકોની સંખ્યા પરથી અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ભયંકર હતો.
બચાવ ટીમે અત્યાર સુધીમાં 102 લોકોને બહાર કાઢ્યા છે. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. મિયામીના મેયરએ માહિતી આપી કે 12 માળની આ બિલ્ડિંગમાં 130 થી વધુ યુનિટ્સ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ફસાયેલા તમામ લોકોને બચાવવામાં નહિં આવે ત્યાં સુધી બચાવ કાર્ય અટકશે નહીં. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ઘણા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમની સારવાર કરવામાં આવી રહી છે.
કાટમાળમાંથી સંભળાઈ રહી છે લોકોની ચીસો
મેયરે કહ્યું કે, હાલમાં બિલ્ડિંગના ધરાશાયી થવા પાછળનું કારણ સ્પષ્ટ નથી. એન્જિનિયરોની ટીમ આ અકસ્માતની તપાસ કરી રહી છે. મિયામી-ડેડ ફાયર રેસ્ક્યૂ સહાયક ચીફે જણાવ્યું કે કાટમાળમાંથી અવાજ આવી રહ્યો છે,જેમાંથી મોટા ભાગનો અવાજ પાર્કિંગના ગેરેજ નીચેથી આવી રહ્યો છે.
બચાવ ટીમ શક્ય તેટલી વહેલી તકે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ટીમો હેમર, હેવી મશીન અને સર્ચ કેમેરા જેવા ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે. ફ્લોરિડા સરકારે પીડિતોને સહાય કરવા માટે આર્થિક સહાય માટે કારોબારી આદેશ જારી કર્યો છે. તેમજ આ વિસ્તારમાં કટોકટીની ઘોષણા કરવામાં આવી છે. ફોટા અને વિડિયો પરથી, એવું લાગે છે કે બિલ્ડિંગનો માત્ર એક ભાગ ધરાશાયી થયો છે. બિલ્ડિંગની બહાર કાટમાળનો ઝગલો થઈ ગયો છે.
બચાવ ટીમ તાત્કાલિક આવી પહોંચી
જોકે, ઇમારત ધરાશાયી થવા પાછળના કારણો શું છે તે વિભાગે હજુ સુધી જણાવ્યું નથી. ગુરુવારે થયેલા અકસ્માત બાદ સર્ફસાઇડ પોલીસ વિભાગના સર્જેન્ટ મરીયાન ક્રુઝે કહ્યું હતું કે, 'અમે ઘટના સ્થળે પહોંચી ગયા છીએ અને તમને ફક્ત એટલું જ કહી શકીએ કે ઇમારત 12 માળની છે. બિલ્ડિંગનો પાછળનો ભાગ સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયો હતો. પોલીસે આસપાસના રસ્તા બંધ કરી દીધા હતા અને આગ અને બચાવ વાહનો, એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.