વડોદરા, તા.૧૯
રાજ્ય સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન્ટર્ન તબીબોના સ્ટાઈપેન્ડ વધારાની માગ તેમજ કોરોના ઈન્સેટિવની માગ સાથે ચલાવી રહેલી હડતાળનો સુખદ અંત આવ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે યોજાયેલી નિર્ણાયક બેઠકમાં રૂા.પ૦૦૦નો વધારો કરવામાં આવતાં અંદાજે ૨૨૦૦ જેટલા ઈન્ટર્ન તબીબો સહિત વડોદરા સયાજી હોસ્પિટલ અને ગોત્રી જીએમઈઆરએસના અંદાજે ૨૫૦ જેટલા ઈન્ટર્ન તબીબોમાં આનંદની લાગણી વ્યાપી
ગઈ હતી.
ઈન્ટર્ન તબીબો સ્ટાઈપેન્ડ વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યાં હતા. ત્યાર બાદ રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમની માગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપતાં ઈન્ટર્ન ડૉક્ટરોએ હડતાળ સમેટી લીધી હતી. આજે ફરીવાર નીતિન પટેલે ઈન્ટર્ન ડૉક્ટરો સાથે બેઠક કરી હતી. જેમાં આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ જાેડાયાં હતાં. આ બેઠકમાં નીતિન પટેલે ઈન્ટર્ન ડૉક્ટરોને જે ૧૩ હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ મળતું હતું તેમાં ચાલુ વર્ષ માટે ૫૦૦૦ રૂપિયાનો વધારો કરીને હવે ૧૮,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ઈન્ટર્ન ડૉક્ટરોએ સરકારના ર્નિણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારના ર્નિણયથી અમને સન્માન મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની સરકારી મેડિકલ કોલેજાે અને જીએમઈઆરએસ હસ્તકની કોલેજના ઈન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઈપેન્ડમાં વધારો કરવા અને કોરોના ઈન્સેટિવની માગને લઈને હડતાળ-આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. મક્કમ ગતિએ આંદોલનને આગળ ધપાવી રહેલા ઈન્ટર્ન તબીબોના પ્રતિનિધિમંડળ સાથે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ પરામર્શ તેમજ ચર્ચા-વિચારણા કર્યા બાદ તબીબોએ ત્રણ દિવસ બાદ હડતાળ પાછી ખેંચી લીધી હતી. તબીબી પ્રતિનિધિમંડળના સભ્યોની માગણી અને રજૂઆત સંદર્ભે લંબાણપૂર્વક ચર્ચા કર્યા બાદ ઈન્ટર્ન તબીબોએ કોરોનાના કપરાકાળમાં કરેલી આરોગ્ય સેવાઓની કામગીરીને ધ્યાનમાં લઈને પ્રતિમાસ રૂા.પ૦૦૦ વધારાનું પ્રોત્સાહક ભથ્થું ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.