ખોખરામાં વેપારીને પ્રેમમાં ફસાવી યુવતીએ રૂ. ૨૯ લાખ પડાવ્યાં

અમદાવાદ ખોખરામાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આંગડિયા પેઢીના વેપારીને યુવતીએ તેના બે સાગરિતો સાથે મળીને પ્રેમજાળમાં ફસાવીને રોકડા રૂ.૨૨ લાખ અને રૂ.૭ લાખના દાગીના સહિત કુલ રૂ.૨૯ લાખ પડાવી લીધા હતા. યુવતીએ પોતાને એક શખ્સને રૂ.૧૦ લાખ આપવાના હોવાથી તે દેહવ્યાપારના ધંધામાં ધકેલાઇ છે. જેથી વેપારીએ તમામ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ યુવતીએ વેપારીને મળવાનું બંધ કરી દેતા તપાસ કરતા તે પતિ સાથે ખોખરામાં રહેતી હતી. આ અંગે વેપારીએ ત્રણેય સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. બાપુનગરમાં રહેતા ૪૦ વર્ષીય રાકેશ ( નામ બદલેલ છે ) આંગડિયા પેઢી ધરાવી ધંધો કરે છે. ગત વર્ષ ૨૦૨૨માં તેઓ ઓનલાઇન ડેટિંગ એપ્લીકેશનથી વિનોદ ગુપ્તા નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ વિનોદે સોનમ ચેટરજી નામની છોકરીનો ફોટો મોકલ્યો હતો. જે બાદ રાકેશભાઇએ સોનમનો સંપર્ક કરીને તેને હાટકેશ્વર બ્રિજ નીચે મળવા બોલાવતા બંને ત્યાં મળ્યા હતા. ત્યાર સોનમ રાકેશભાઇને મણિનગર એક હોટલમાં લઇ ગઇ હતી. થોડા દિવસો બાદ રાકેશભાઇએ વિનોદ સાથે સોનમને ગોવા ફરવા લઇ જવાનું સાત દિવસનું રૂ. ૧.૪૦ લાખનું પેકેજ નક્કી કર્યુ હતુ. જેમાં વિનોદે રૂ. ૩૫ હજાર કમિશન લીધુ હતુ. ત્યારબાદ ત્રણેય ગોવા ફરવા ગયા હતા. ત્યારબાદ પરત અમદાવાદ આવતા સોનમે રાકેશભાઇને બ્લોક કરી દીધા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં ફરી સોનમ સાથે રાકેશભાઇનો સંપર્ક થયો હતો. બાદમાં બંને હોટલમાં ગયા હતા. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. જેથી સોનમે રાકેશને કહ્યુ કે મને દેહવ્યાપારના ધંધામાંથી બહાર નિકાળો અને મને કોલકત્તાથી બાલેશ્વર લઇ આવ્યો છે તે મારો શેઠ છે મારે તેને રૂ. ૧૦ લાખ આપવાના છે જાે તમે રૂપિયા આપશો તો હું તમારી સાથે પ્રેમથી રહીશ. જેથી રાકેશભાઇ સોનમની વાતોમાં આવી ગયા હતા. જે બાદ બાલેશ્વર ગુપ્તા, સોનમ અને રાકેશ હાટકેશ્વર મળ્યા હતા. ત્યાં રાકેશભાઇએ બાલેશ્વરને રૂ. ૧૦ લાખ રોકડા આપ્યા હતા. જે બાદ સોનમ બિમારીના અલગ અલગ બહાના બતાવી રોકડા ૨૨ લાખ અને રૂ. ૭ લાખના દાગીના પડાવી લીધા હતા. જ્યારે ગત ૧૮ જૂને સોનમે રાકેશને મળવાનું બંધ કરી દીધુ હતુ. જેથી રાકેશે તપાસ કરતા બંને ખોખરા ખાતે પતિ-પત્ની તરીકે રહેતા હતા. આ અંગે રાકેશે ત્રણેય સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે બાલેશ્વર અને સોનમની ધરપકડ કરીને ફરાર વિનોદ ગુપ્તાની શોધખોળ હાથધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution