અમદાવાદ-
આર્થિક તંગદિલી, બેરોજગારી, કૌટુંબિક કલહ કે અન્ય કારણોસર શહેરમાં આપઘાતના બનાવો નોંધાતા રહે છે, જેમાં અકાળે મોત વહોરી લેનારની સંવેદના સ્પર્શી જતી હોય છે. અમદાવાદમાં આવા જ એક કિસ્સામાં યુવતીએ પોતાના મોત પહેલા એક ઈમોશ્નલ વિડિયો બનાવીને સાબરમતી નદીને પ્રાર્થના કરી હતી કે, હે પ્યારી નદી મને આશા છે કે, તુ મને તારામાં સમાવી લેશે.
આયશા આરીફ ખાન નામની આ યુવતીએ આવો વિડિયો બનાવીને પોતાના પરીવારને મોકલતાં પરીવારે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા આયશાની લાશ મળી આવી હતી. આયશાએ પોતાના મરણોન્મુખ નિવેદન સમા વિડિયોમાં કહ્યું હતું કે, હું જે કંઈ કરવા જઈ રહી છું, એ મારી પોતાની મરજીથી કરૂં છું અને તે માટે મારા પર કોઈનું દબાણ નથી. તેણે પોતાની વેદના કહી હતી કે, ખુદાએ આપેલી આટલી જીંદગી બસ હતી, જેમાં મને સુખ મળ્યું છે. તેણે પોતાના પિતાને સંબોધીને કહ્યું હતું કે, પિતાજી તમે ક્યાં સુધી કેસ લડતા રહેશો, કેસ વિડ્રો કરી લો.
મળતી વિગતો મુજબ, આયશાના નિકાહ રાજસ્થાનના ઝાલોરના આરીફ સાથે થયા હતા પરંતુ તેને દહેજ બાબતે ત્રાસ અપાતો હતો. આ બાબતે પારિવારીક કલહ ચરમ સીમા પર પહોંચી ગયો હતો તેને પગલે આયશાએ આવું આત્યંતિક પગલું ભરી લીધું હતું.