એકના ડબલ કરી આપવાની લાલચ આપતી ટોળકી ઝડપાઈ

વડોદરા, તા.૭ 

એકના ડબલ કરી આપવાની લાલચ આપી વિધિના બહાને છેતરપિંડી કરનાર ટોળકીને જિલ્લા એલસીબીએ ઝડપી પાડી છે. ચાર આરોપીઓ પાસેથી પોલીસે નકલી અને અસલી એમ બંને પ્રકારની લાખો રૂપિયાની નોટો સહિત અન્ય મુદ્‌ામાલ ઝડપી પાડયો છે. આ ટોળકી શિકારના શોધમાં શહેરમાં આવી હતી. અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ? તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે નંબર વગરની ટાટા ઝેસ્ટ કાર લઈને કારવણથી પોર તરફ આવી રહી હતી તેમાં સવાર ટોળકી કોઈની સાથે એકના ડબલ રૂપિયા કરી આપવાની છેતરપિંડી કરી હોવાની માહિતી મળી હતી, જે કારને એલસીબી ટીમે પોરથી કારવણ જવાના રોડ ઉપર અણખી ગામના બસસ્ટેન્ડ પાસે રોકી હતી જેમાં રાજેશ બાબુભાઈ મકવાણા (રહે. અડાસ, તા.જિ.આણંદ), શિવુ માવસંગભાઈ મકવાણા (રહે. વિરોચનગર, તા.સાણંદ, જિ.અમદાવાદ), ઈબ્રાહિમ મોતીખાન મકવાણા (રહે. અડાસ, તા.જિ.આણંદ), વિજયસિંહ દલપતસિંહ મહિડા (રહે. નટવરનગર, તા.સાવલી)ઓને ઝડપી પાડી તેઓની પાસેના વિમલના થેલામાં તલાશી લેતાં ડુપ્લિકેટ જણાવી એવી પીંક કલરની રૂા.ર૦૦૦ની ચલણી નોટ નંગ-૧૯, એક પ્લાસ્ટિકની કોથળીમાંથી ડુપ્લિકેટ જણાતી રાખોડી કલરની રૂા.પ૦૦ની ચલણી નોટ નંગ ૪૩૦, ૧૦૦ના દરની નોટ નંગ-૩૦ મળી કુલ રોકડ રૂા.૨,૫૬,૦૦૦, મોઈબાલ ફોન નંગ-૪ કિંમત રૂા.૬૫૦૦ અને નંબર વગરની ટાટા જેસ્ટ કાર કિંમત રૂા.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૫,૬૨,૫૦૦ના મુદ્‌ામાલ સાથે ઝડપી પાડી ચારેય આરોપીઓની પૂછપરછ કરાતાં તેઓએ ગલ્લાતલ્લાં અને ઉડાઉ જવાબ આપતા હોઈ સંતોષકારક જવાબ આપેલ નથી. તેઓએ કોઈ જગ્યાએ છેતરપિંડી કરી શંકાસ્પદ રીતે લાવેલા હોવાનું જણાઈ આવતાં આ ચારેયનો સીઆરપીસી કલમ-૪૧(૧)ડી મુજબ અટકાયત કરી વરણામા પોલીસ મથકમાં નોંધ કરી આવી ગુનાહિત પવૃત્તિ કેટલા સમયથી આચરે છે તેમજ કેટલા લોકો આનો ભોગ બન્યા છે તે અંગેની આગળની તપાસ હાથ ધરી છે.

આવી પ્રવૃત્તિથી લોકોને છેતરી એકના ડબલ કરવા માટે ડુપ્લિકેટ નોટો પધરાવી અસલી નોટો સેરવી લેતા હોય છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ જાેતાં ઝડપાયેલા આરોપીઓ પૈકી રાજેશ બાબુભાઈ મકવાણા, વિજયસિંહ દલપતસિંહ મહિડાનાઓ સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ મથકમાં એકના ડબલ રૂપિયા કરી છેતરપિંડી કર્યા અંગેના ગુનાઓ સને ૨૦૧૭માં નોંધાયેલ છે. આ ચારેય આરોપીઓની પૂછપરછ દરમિયાન ગઈકાલ તા.૬ જાન્યુઆરીના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશનની હદમાં એકના ડબલ કરવાની વિધિ કરીને લૂંટ, છેતરપિંડી કરેલ હોઈ આ બાબતે રાજપીપળા પોલીસ દ્વારા ચારેય આરોપીઓ સામે લૂંટ, છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરી આ આરોપીઓને રાજપીપળા પોલીસ મથકને સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution