ભારત સરકારની 20 સંપત્તિઓ ટાંચમાં લેવા ફ્રાંસની અદાલતે આદેશ આપ્યા

પેરિસ-

બ્રિટનની કેયર્ન એનર્જીએ મધ્યસ્થતા આદેશ હેઠળ ૧.૭ અબજ અમેરિકન ડૉલરની નુકસાનની ભરપાઈ કરવા માટે ફ્રાન્સની એક કોર્ટથી ફ્રાન્સમાં સ્થિત ૨૦ ભારતીય સરકારી સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ પ્રાપ્ત કરી દીધો છે. ફ્રાન્સની કોર્ટે ૧૧ જૂને કેયર્ન એનર્જીને ભારત સરકારની સંપત્તિઓના અધિગ્રહણનો આદેશ આપ્યો હતો, જેમાં મોટાભાગના ફ્લેટ સામેલ છે. આ સમગ્ર મામલા પર હવે ભારત સરકાર તરફથી જવાબ સામે આવી રહ્યો છે. નાણા મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારને હજુ સુધી ફ્રાન્સની કોર્ટ તરફથી કોઈ પણ પ્રકારની નોટિસ નથી મળી.

નાણા મંત્રાલય મુજબ, એવા અહેવાલો મળ્યા છે કે કેયર્ન એનર્જીએ પેરિસમાં ભારત સરકારની સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ જાહેર કર્યો છે, પરંતુ હજુ સુધી ભારત સરકારને આ સંબંધમાં ફ્રાન્સની કોર્ટ તરફથી કોઈ જાણકારી કે નોટિસ નથી આપવામાં આવી. નાણા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જાે આવું થાય તો ભારત સરકાર ધ હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે. નાણા મંત્રાલય તરફથી જણાવાયું છે કે કેયર્ન એનર્જીના સીઇઓ અને અન્ય પ્રતિનિધિઓએ આ મામલાનો કોઈ ઉકેલ શોધવા માટે ભારત સરકાર સાથે સંપર્ક તો કર્યો હતો. આ વિષય પર ચર્ચા પણ થઈ હતી. ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે સરકાર દેશની કાયદાકિય મર્યાદાઓની અંદર રહીને આ મુદ્દાનું શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે તૈયાર છે.

કેયર્ન એનર્જી દ્વારા આ સંપત્તિઓમાં રહેનારા ભારતીય અધિકારીઓને હટાવવાની શક્યતા નથી, પરંતુ કોર્ટના આદેશ બાદ સરકાર તેને વેચી નહીં શકે. એક મધ્યસ્થતા કોર્ટે ડિસેમ્બરમાં ભારત સરકારને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ કેયર્ન એનર્જીને ૧.૨ અબજ ડૉલરથી વધુનું વ્યાજ અને દંડ ચૂકવે. ભારત સરકારે આ આદેશને સ્વીકાર્યો નથી. ત્યારબાદ કેયર્ન એનર્જીને ભારત સરકારની સંપત્તિને જપ્ત કરીને બાકીની રકમની વસૂલી માટે વિદેશોમાં અનેક કોર્ટોમાં અપીલ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution