ચંદીગઢ-
હરિયાણાના હિસાર જિલ્લાના એક કિસાને રવિવારે ટીકરી બોર્ડર વિરોધ સ્થળથી લગભગ સાત કિલોમીટર દૂર એક ઝાડ સાથે ફાંસી લગાવી કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનું સમર્થન કરનાર ૪૯ વર્ષીય કિસાને કથિત રીતે એક સ્યુસાઇડ નોટ છોડી છે.
બહાદુરગઢ શહેર પોલીસ સ્ટેશનના એસએચઓ વિજય કુમારે જણાવ્યુ, પીડિત રાજબીર હિસાર જિલ્લાના એક ગામમાં રહેતા હતા. કેટલાક કિસાનોએ તેનો મૃતદેહ લટકતો જાેયો અને તેની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે જણાવ્યુ કે, રાજબીરે કથિત રીતે મૂકેલી સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો કે, તેમના દ્વારા ભરવામાં આવેલ આ પગલા માટે ત્રણ કૃષિ કાયદા જવાબદાર છે.
પોલીસે જણાવ્યુ કે, રાજબીરે સ્યુસાઇટ નોટમાં કહ્યુ છે કે કેન્દ્રએ આ કાયદાને રદ્દ કરી તેની અંતિમ ઈચ્છા પૂરી કરવી જાેઈએ. પરંતુ આ પ્રથમ ઘટના નથી, જ્યારે કોઈ કિસાને આત્મહત્યા કરી હોય. આ પહેલા કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનું સમર્થન કરતા હરિયાણાના જીંદના એક કિસાને પાછલા મહિને ટીકરી બોર્ડર વિરોધ સ્થળથી માત્ર બે કિલોમીટર દૂર એક ઝાડ સાથે ફાંસી લગાવી કથિત રીતે આપઘાત કરી લીધો હતો.
તો હરિયાણાના વધુ એક કિસાને ટીકરી બોર્ડર પર ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. ત્યારબાદ દિલ્હીમાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. પાછલા ડિસેમ્બરમાં પંજાબના એક વકીલે ટીકરી બોર્ડર પર વિરોધ સ્થળથી થોડે દૂર ઝેરી પદાર્થ ખાઈ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.