ભારત-પાકિસ્તાન સરહદે પાછું એક ડ્રોન દેખાયું, અને પછી

દિલ્હી-

સીમા પર પાકિસ્તાન હજી તેની હરકતો છોડતું નથી તેનો પૂરાવો ફરીથી શનિવારે મળ્યો હતો.  બંને દેશોની સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. આ ડ્રોન બમિયાલ સેક્ટરમાં જોવા મળ્યું હતું. બીએસએફ તરફથી ફાયરિંગ કરાયા બાદ ડ્રોન પાછું પાકિસ્તાનની સરહદમાં ચાલ્યું ગયું હતું. આ પછી રવિવાર સવારથી પોલીસ અને બીએસએફ સરહદ પર સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં આ પ્રકારની આ ચોથી ઘટના છે, જ્યારે પાકિસ્તાને સીઝફાયર ઉલ્લંઘન કર્યું હોય.

પાકિસ્તાનની સરહદે આવેલા પઠાણકોટ જિલ્લાના બમિયાલ સેક્ટરમાં આ ઘટના નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે સરહદ પારથી એક ડ્રોન આવતું જોવા મળ્યું હતુ. ત્યાર બાદ તરત જ સતર્ક થયેલ પહરીપુર ગામે આવેલી બીએસએફની ચોકીના જવાનોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરાયા બાદ ડ્રોન પાકિસ્તાન તરફ પાછું ચાલ્યું ગયું હતું. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દીધી છે. પોલીસે રવિવારે સવારે સરહદને અડીને આવેલા ચાર કિલોમીટર વિસ્તારમાં તલાશ કરી હતી. એ તપાસ પાછળ શનિવારની ઘટના જવાબદાર હતી.

પોલીસ સ્ટેશનના પ્રભારી પુષ્પેન્દ્રસિંહે આ બાબતે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, શનિવારે બીએસએફએ ભારત-પાક સરહદ પર ડ્રોન જોયુ હતુ, ફાયરિંગ કરાયું ત્યારબાદ એ ડ્રોન પરત જતું રહ્યું હતું. પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન જોવામાં આવ્યું હોય, એવી આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. પાકિસ્તાન હંમેશાં ડ્રોન દ્વારા ભારતના વિસ્તારમાં ડ્રગ અને શસ્ત્રો વગેરે જેવા શંકાસ્પદ સમાન વગેરે મોકલવાનો પ્રયાસ કરતું રહ્યું છે. ડ્રોન દ્વારા પાકિસ્તાન તરફથી હથિયાર મોકલવાની ઘટનાને પહેલા પણ બની ચુકી છે. પરંતુ ભારતના સજાગ બીએસએફના જવાનો સામે તેઓ ફાવી શકતા નથી.

ગુરદાસપુરમાં ભારત અને પાકિસ્તાન સરહદ પર કલાનોરમાં 5 દિવસ પહેલા જ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. બીએસએફના જવાનોએ ત્યારે પણ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે બીએસએફને ત્યારે કોઈપણ પ્રકારનો શંકાસ્પદ સામાન મળ્યો ન હતો. ત્યાર બાદ શુક્રવારે મોડી રાત્રે ડેરા બાબા નાયકની મોમનપુર ચોકી ખાતે અને દીનાનગરની ઠાકુરપુર ચોકી પાસે આવા જ પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ પ્રયાસો શનિવારે સવારે 3 વાગે અને 15 મિનિટે પણ કરવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution