તમારા કોઈ પણ કાર્યની શુભ કે અશુભ બાબતોમાં સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની ભૂમિકા હોય છે નક્ષત્રોની! તેમની મહત્તાને સમજવા માટે એ જાણી લો કે તમારા જન્મના સમયે જે નક્ષત્ર હોય છે એ જ નક્ષત્ર પરથી તમારા જીવનમાં ગ્રહોની દશા તથા મહાદશા નક્કી થાય છે! એટલે કે નક્ષત્રો તમારા ભાગ્યની દશા તથા દિશાને નક્કી કરે છે! એ જ રીતે તમારે જ્યારે પણ કોઈ નવું સાહસ કરવું હોય, કોઈ નવો વેપાર ઊભો કરવો હોય, સુવર્ણ જેવી કિંમતી ધાતુ ખરીદવી હોય કે મકાન ખરીદવું હોય તો એ માટે બીજું બધું જાેવાની સાથે સાથે તમારા જન્મનું નક્ષત્ર પણ અવશ્ય જાેવાય છે. જેમ કે સોનું ખરીદવા માટે પુષ્ય નક્ષત્ર સૌથી સારું ગણાય છે.
હવે તમને એ સવાલ થશે કે મારા માટે કયું નક્ષત્ર શુભ અથવા અશુભ છે, લાભકારી અથવા નુકસાનકારક છે તે કેવી રીતે નક્કી કરવું? તો તેના માટે સૌ પ્રથમ તો એટલું જાણી લો કે કુલ ૨૭ નક્ષત્રો છે. આ નક્ષત્રો નવ ગ્રહો વચ્ચે વહેંચાયેલાં છે. એટલે કે દરેક ગ્રહને ભાગે ત્રણ ત્રણ નક્ષત્ર આવે છે. આને ધ્યાનમાં રાખીને નક્ષત્રોને નવ વિભાગમાં એ રીતે વહેંચી દેવામાં આવ્યાં છે કે દરેક વિભાગમાં ત્રણ ત્રણ નક્ષત્રો આવે. અહીં બધાં જ સત્તાવીશ નક્ષત્રોની નોંધ આપી છે. આ નોંધમાં દરેક નક્ષત્રનો સ્વામી ગ્રહ પણ દર્શાવવામાં આવ્યો છે. સ્વામી ગ્રહની પાસે કૌંસમાં જે તે ગ્રહની વિશોત્તરી મહાદશાનાં વર્ષો પણ દર્શાવી દીધાં છે.
હવે તમારા જન્મના સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે તમારા જન્મનું નક્ષત્ર કહેવાય છે. તમારા કર્મક્ષેત્રમાં તમારા જન્મના નક્ષત્રની સૌથી વધુ ભૂમિકા રહે છે. તમારા જીવનનું કોઈ પણ શુભ અથવા મહત્ત્વનું કાર્ય તમે તમારા જન્મના નક્ષત્રમાં કરો તો તે સૌથી શુભ ગણાય છે.
હવે દરેક વખતે જન્મના નક્ષત્ર મુજબ જ કાર્ય કરવું શક્ય નથી હોતું. આ સંજાેગોમાં તમારા જન્મના નક્ષત્ર માટે અન્ય જે નક્ષત્રો શુભ અથવા લાભકારક હોય તે નક્ષત્રોમાં પણ તમે મહત્ત્વના કાર્યનો પ્રારંભ કરી શકો છો. અગાઉ જણાવ્યું તેમ ૨૭ નક્ષત્રો ત્રણ ત્રણના જુથમાં વહેંચાયેલાં છે. આમાંથી અમુક જુથનાં નક્ષત્રો તમારા માટે શુભ હોય છે તો અમુક અશુભ હોય છે. તમારા માટેનાં શુભ-અશુભ નક્ષત્રો નવ ભાગમાં વહેંચાયેલાં છે. આ નવ ભાગ નીચે મુજબ છેઃ
(૧) જન્મ. (૨) સંપત. (૩) વિપત. (૪) ક્ષેમ. (૫) પ્રત્યરી. (૬) સાધક. (૭) વધ. (૮) મિત્ર. (૯) અધિમિત્ર.
આમાંથી જન્મ, સંપત, ક્ષેમ, સાધક, મિત્ર અને અધિમિત્ર નક્ષત્ર તમારા માટે શુભ ગણાય છે જ્યારે બાકીનાં અશુભ મનાય છે. તેમાં પણ જન્મનું નક્ષત્ર તમારા માટે સૌથી શુભ છે. તે પછી અધિમિત્ર વધારે શુભ છે. તે પછીના ક્રમમાં સંપત, ક્ષેમ, સાધક અને મિત્ર નક્ષત્ર આવે છે. એટલે કે નવ જુથમાંથી છ જુથ તમારા માટે શુભ છે. માત્ર વિપત, પ્રત્યરી અને વધ એ ત્રણ જુથનાં નક્ષત્રો તમારા માટે અશુભ છે.
તમારું જન્મ-નક્ષત્ર કયું છે તથા તમારા માટે કયા નક્ષત્રો શુભ છે તે તમારે તમારા જ્યોતિષી પાસેથી જાણી લેવું જાેઈએ અને તેની એક નોંધ બનાવીને નિત્ય પોતાની પાસે રાખવી જાેઈએ. તમે કોઈ પણ કાર્ય કરો તે સમયે જાે શુભ નક્ષત્રની સાથે શુભ ચોઘડિયું, શુભ મુહૂર્ત, શુભ દિવસ અને શુભ યોગ હોય તો તે સમયમાં કરેલું કાર્ય સફળ રહેવાની શક્યતાઓ મહત્તમ હોય છે. તમારું ભાગ્ય ઠીક ના હોય અને કોઈ કારણે તમે સફળ ના રહો તો પણ નિષ્ફળતાની સંભાવનાઓ મહદ્ અંશે ઘટી જાય છે.
શેરબજારમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે. તમારા જન્મના નક્ષત્રમાં અથવા શુભ નક્ષત્રમાં જાે તમે સોદાઓ કરવાની વ્યવસ્થાને બરાબર ગોઠવી શકો તો તમારા માટે સફળતાના અવસરો અનેક ઘણા વધી જાય છે. અલબત્ત, દરરોજ અથવા દરેક સોદામાં જન્મના નક્ષત્રને અથવા શુભ નક્ષત્રને અનુસરવાનું શક્ય નથી હોતું પરંતુ અહીં હું તમને એક વાત ચોક્કસ જણાવીશ. જાે તમે શુભ નક્ષત્રોમાં બને તેટલા વધુ સોદાઓ કરવાની આદત પાડી દેશો તો એની શુભ અસર તમારા અન્ય સોદાઓ ઉપર પણ અવશ્ય પડશે. આથી સોદા ભલે ઓછા કરો પરંતુ બને ત્યાં સુધી સાનુકૂળ નક્ષત્રોમાં જ કરો. આ આદત તમારા માટે અત્યંત લાભકારી સાબિત થઈ શકે તેમ છે તે બરાબર જાણી લો.
દરેક નક્ષત્રોના પોતાના પણ અમુક ચોક્કસ વ્યવસાય હોય છે. એ વિષે હવે પછી.