અમદાવાદ, શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. જે મામલે ગ્રાહકે ફરિયાદ કરી હતી. હયાત હોટલના સાંભારમાંથી વંદો નીકળ્યો હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગને આ મામલે ફરિયાદ મળતા ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વસ્ત્રાપુરની હયાત હોટલના રસોડાને સીલ મારી દેવામાં આવ્યું છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં એક કંપનીનો જમણવાર યોજવામાં આવ્યો હતો. જેમાં ઇડલી સાંભાર સહિતની ચીજ વસ્તુઓ હતી. કંપનીના એક કર્મચારી દ્વારા જ્યારે ઈડલી સાંભાર ઘર લઈ અને ખાઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની નજર સાંભાર પર પડી હતી. સાંભારમાં તેઓએ જાેયું તો વંદા જેવું જાેવા મળ્યું હતું. જ્યારે બહાર કાઢીને તેઓએ જાેયું તો મરેલો વંદો હતો. જેથી આ મામલે તેઓએ વીડિયો ઉતારવાનો શરૂ કર્યો હતો અને હોટલમાં હાજર સ્ટાફ તેમજ મેનેજરને બોલાવ્યા હતા. વસ્ત્રાપુરના હયાત હોટલમાં રુચિ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ફૂડનો કોન્ટ્રાકટ આપ્યો છે.હોટલના હાજર શેફને જ્યારે બતાવવામાં આવ્યું તો તેણે કહ્યું આવું તો થતું રહે છે. ત્યાર બાદ હોટલના મેનેજરને પણ તેઓએ સાંભારમાંથી વંદો નીકળ્યો હોવાનું બતાવ્યું હતું. આ મામલે તેઓએ હોટલના મેનેજરને પણ ફરિયાદ કરી હતી. આ બધું શું છે તેવું પણ પૂછ્યું હતું. જાેકે, તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી અને વીડિયો પણ આપવામાં આવ્યો હતો. જે બાદ તાત્કાલિક ધોરણે ફૂડ વિભાગની ટીમ દ્વારા હયાત હોટલના રસોડામાં ચેકિંગ કરી અને તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.