ખેડા-
જિલ્લાનાં મહુધા તાલુકાનાં ચુણેલ ખાતે આજે કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું. આજથી તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી. સંમેલનમાં મહુધા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર દ્વારા પોલીસ દ્વારા રૂપિયા ઉઘરાવવામાં આવતાં હોવાનો ઉલ્લેખ કરી સરકાર જ ભ્રષ્ટાચાર કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા મહુધા તાલુકામાં વાંસ પ્રોજેકટ અને રોડનાં કામોમાં થયેલી ગેરરીતિનો ઉલ્લેખ કરી દરેક ગામોમાં યોજનાનાં કામોમાં ગેરરીતિઓ થતી હોવાનું જણાવ્યું હતું.ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. ચુણેલ ગામથી અમને સીટ મળશે અને મહુધા તાલુકા પંચાયતમાં ફરીથી કોંગ્રેસ જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.