અમદાવાદ-
વિજાપુર મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગના હંગામી કોમ્પ્યુટર ઓપરેટરે કોરોનાની રસી લીધાના બે દિવસ બાદ તબિયત લથડતાં સારવાર દરમિયાન મોત થયું હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે. મહેસાણા સિવિલમાં મૃતકનું પીએમ કરાયું હતું. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું કે, તેણે એક સપ્તાહ પહેલાં રસી લીધી હતી અને રસીને કારણે નહીં પરંતુ હ્રદયના હુમલામાં મોત થયું છે.
આ બાબતે તેમના પરિવારે મને કોઇ ફરિયાદ કરી નથી. માલોસણ ગામના દશરથભાઇ દરજીએ કરેલા આક્ષેપ મુજબ, તેમના પુત્ર મિલનભાઇ દશરથભાઇ દરજી (37)એ ગત 7 ફેબ્રુઆરીએ કોરોનાની રસી લીધી હતી અને બે દિવસ બાદ તેને તાવ અને ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી. ત્યાર બાદ તેને છાતી અને બરડામાં દુઃખાવાની ફરિયાદ ઉઠતાં વિજાપુરના સ્થાનિક તબીબ પાસે સારવાર લીધી હતી. પરંતુ તેમણે હ્રદયના સ્પેશિયાલિસ્ટને બતાવવા આપેલી સલાહને પગલે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડયો હતો. અહીં શુક્રવારે રાત્રે 12 વાગ્યે તેનું મોત થયું હતું. દશરથભાઇએ જણાવ્યું કે, રસી લીધા પહેલા તેને કોઇ તકલીફ નોહતી કે કોઇ બીમારી ન હતી. રસીને કારણે જ પુત્રનું મોત થયું છે.