લોકોના 35 કરોડ લઈને સુરતની આ લેભાગુ કંપનીના માલિકો ફરાર

સુરત-

કોરોનાકાળમાં નાણાંની અછત જોઈ ગયેલા અને આર્થિક હાલતથી પરેશાન લોકોનો લાભ ઉઠાવવામાં અવનવી સ્કીમ લાવનારા ગઠિયાઓ કોઈ કસર છોડતા નથી. આવી જ એક સ્કીમમાં લોકોનાં નાણાં ફસાવીને ગઠિયાઓ રફુચક્કર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. આટલી મોટી છેતરપિંડી કરાયાને પગલે લોકોના 32 થી 35 કરોડ રુપિયા ડૂબી ગયા હોવાના આરંભિક હેવાલ મળી રહ્યા છે.

ડીએસજીએમ નામની એક કંપનીએ આટલા મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ સ્કીમમાં લોકોને લાલચ એવી રીતે આપવામાં આવતી હતી કે તેમના નાણાં બે વર્ષમાં બમણાં થઈ જશે. જો કે આવા લોભી લોકોએ આખરે નાણાં ગુમાવવાનો અને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ડીએસજીએમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ના સંચાલકોએ પંચ વર્ષ આગાઉ સરથાણા જકાતનાકા પાસેના એક એપાર્ટમેન્ટ ગોકુલમ આર્કેડ ખાતે આ કંપની શરુ કરી હતી. લોકોને લલચાવવા બોલિવૂડ પાર્ટી પણ આપતા હતા. અને આવી પાર્ટીમાં લોકોને બોલાવીને રોકાણ કરવા લલચાવવામાં આવતા હતા.

સરથાણામાં ઓફિસ શરૂ કરી કંપનીમાં રોકાણ કરી 2 વર્ષમાં ડબલ રૂપિયા આપવાની ગેરેન્ટી આપનાર ડી.એસ.જી.એમ.ઇન્ડિયા પ્રા.લિ કંપની ઉઠી જતા કંપનીના ડિરેક્ટરો સહિત 9 વિરુદ્ધ સરથાણા પોલીસમાં ગુનો દાખલ થયો છે. આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરવા ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ નામથી માર્કેટિંગ કંપની આરોપી ભાર્ગવ પ્રવિણચંદ્ર પંડ્યાએ 5 વર્ષ પહેલા શરૂ કરી હતી.

પોતાના પરીવારના કેટલાક સભ્યો સાથે મુખ્ય આરોપી ભાર્ગવે લોકોને સ્કીમમાં આવવાની લાલચ આપી હતી. ભાર્ગવની સાથે તેની પત્ની શિવાની અને ભાઈ મહેન્દ્ર  આ છેતરપિંડીમાં સામેલ હતા. પહેલા રૂ.7500 ભરવાના હતા. તેમજ પોતે રોકાણ કરાવ્યા બાદ બીજા સભ્યો બનાવનારને કમિશન આપવાની જાહેરાત કરી હતી. રોકાણ કરનારને બે વર્ષમાં ડબલ રૂપિયા આપવાની ગેરેન્ટી આપી હતી. રોકાણ સામે કોઈ વસ્તુ ન જોઈતી હોય તો માત્ર રોકાણ પણ કંપનીમાં કરી શકાય એવી પણ સ્કીમ હતી. તેઓએ દાવો કર્યો હતો કે, કીમમાં રામદેવ પીવીસી પાઇપ અને રોયલ કન્સ્ટ્રક્શન નામથી મોટુ કામકાજ છે. સુરત ઉપરાંત મુંબઈ અને રાજસ્થાનમાં સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરી છે, 45 લાખથી શરૂ થયેલી ફરિયાદ હાલમાં કરોડોમાં પહોંચી છે. ઠગાઈનો આંક રૂ.30થી 35 કરોડ હોવાની શક્યતા છે.  આખરે પોલીસે આ કેસમાં 5ની ધરપકડ કરી છે અને  9 વ્યક્તિઓ સામે ફરિયાદ નોધી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution