ક્લાસ-૧ ઓફિસર ૨.૨૫ લાખની લાંચ લેતાં ઝડપાયો

વડોદરા વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની ઇમારતમાં આવેલી રિજિયોનલ ફાયર ઓફિસરની કચેરીમાં ગોધરાના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં રાજ્ય સરકારના સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના અધિકારીને એસસીબીએ રૂ. ૨.૨૫ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વુડાની ઓફિસમાં રાજ્ય સરકારના સ્ટેટ ફાયર પ્રિવેન્શન અધિકારીની કચેરી આવેલી છે. જે કચેરીમાં અધિકારી તરીકે ક્લાસ ૧ અધિકારી ફરજ બજાવે છે. જેમના અધિકાર ક્ષેત્રમાં વડોદરા ઉપરાંત આણંદ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લા સમાવિષ્ઠ છે. ત્યારે થોડા સમય પહેલા ગોધરામાં એક વ્યક્તિ દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરી હતી. જે અરજી મંજુર કરવા માટે સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના રિજિયોનલ ફાયર ઓફિસર (વર્ગ -૧) એન. બી. પટેલે અરજદાર પાસે રૂ. ૩.૫૦ લાખની લાંચની માગણી કરી હતી. અરજદાર દ્વારા અધિકારી પાસે આજીજી કરતા રજૂઆત કરાઈ હતી કે, આટલી મોટી રકમ આપી શકાય તેમ નથી. જેથી અધિકારી સાથેના વાટાઘાટો બાદ લાંચની રકમ રૂ. ૨.૨૫ લાખ નક્કી થઇ હતી. સમગ્ર ઘટના બાબતે અરજદાર જાગૃત નાગરિક દ્વારા લાંચ રુશવત વિભાગમાં ફરિયાદ કરાઈ હતી. જાગૃત નાગરિકની ફરિયાદ બાદ અરવલ્લી એસીબી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એચ. પી. કરેણ દ્વારા ગાંધીનગર એસીબી એકમના નિયામક એ. કે. પરમારના સુપરવીઝનમાં અધિકારીને રંગે હાથ ઝડપી પાડવા એક ટ્રેપ ગોઠવી હતી. આજરોજ ટ્રેપ દરમિયાન અરજદાર રૂ. ૨.૨૫ લાખની લાંચ લેતા રિજિયોનલ ફાયર ઓફીસર (વર્ગ-૧) નિલેષકુમાર ભિખાભાઇ પટેલ ( રહે. ૯- સત્સંગવિલા, દેવસ્ય સ્કૂલ રોડ, શ્રીધર પેરેડાઇઝની સામે, વસ્ત્રાલ, ઓઢવ, અમદાવાદ) તેમજ તેના સાથી અપૂર્વસિંહ રણજીતસિંહ મહિડા (રહે. માંગલેજ, તા.કરજણ, જી.વડોદરા)ની ધરપકડ કરવામાં આવી હતી. એસીબીના અધિકારીઓ દ્વારા રિજિયોનલ ફાયર ઓફિસર નિલેષ પટેલની ચેમ્બરમાંથી લાંચની રકમ પણ રિકવર કરી હતી. તે ઉપરાંત નિલેષ પટેલ અને તેના સાગરીત અપૂર્વસિંહ મહિડા ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા નિલેષ પટેલની બેગ તેની ઓફિસમાંથી જપ્ત કરાઈ હતી. તેમજ તે જે કારનો ઉપયોગ કરે છે તે પણ જપ્ત કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution