ઘરે ઘરે અખબાર નાંખતો બાળક આજે ફેશન પ્રોડક્શન હાઉસનો માલિક

બેંગલુરુના ૧૧ વર્ષના બાળક સીડ નાયડુએ વર્ષ ૨૦૦૭માં તેના પિતાની છત્રછાયા ગુમાવી. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. સીડ નાયડુના શિરે અચાનક જવાબદારી આવી ગઈ. તે ઉંમરમાં અન્ય કોઈ કામ મળી શકે તેમ નહતું. જેથી ઘરે-ઘરે જઈ અને અખબાર નાખવાનું કામ સીડને મળ્યું. તેમાં મહિને પગાર હતો માત્ર ૨૫૦ રુપિયા. જયારે સીડની માતાને એક ફેક્ટરીમાં મહિને ૧૫૦૦ રુપિયા પગારમાં કામ મળ્યું .

મહિને બે હજારથી પણ ઓછી આવકવાળા નાયડુ પરિવારનું માંડ માંડ ગુજરાન ચાલતું હતું. સીડ સારા પગારની નોકરીની શોધમાં રહેતાં પરંતુ બાળકને કામ ઉપર રાખવા કોઈ તૈયાર નહતું. દસમા ધોરણમાં આવવાથી સ્કૂલની ફી વધી જે પોસાતી ન હોવાને કારણે સીડે અભ્યાસ છોડવો પડ્યો. એક ચાર્ટર એકાઉન્ટન્ટની ઓફિસમાં સીડ નાયડુને ઓફીસબોય તરીકે નોકરી મળી. મહિને ત્રણ હજારના પગારથી સીડ ઓફિસબોયની નોકરી કરતાં હતાં. કેટલાક મહિના નોકરી બાદ સીડને ખબર મળી એક મોલમાં વેઇટરની જગ્યા ખાલી છે જ્યાં પાંચ હજાર જેટલો પગાર મળશે. સીડ નાયડુ ઓફીસબોયની નોકરી છોડી વેઈટર તરીકેની નોકરીમાં જાેડાયાં.

બેંગલુરુના મોલના ફુડ કોર્નર ઉપર વેઈટર તરીકે કામ કરતા સીડ નાયડુની મિત્રતા ઉલ્લાસ સાથે થઇ. સિડની ઉંમરનો જ ઉલ્લાસ તે મોલમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો. ઉલ્લાસ સાથે દોસ્તીમાં સીડ વાતચીત દરમ્યાન ઇવેન્ટ મેનેજમેન્ટની બારીકીઓ જાણવા લાગ્યા, જેમાં તેમને રસ પડ્યો. થોડા સમય પછી ઉલ્લાસ દ્વારા જાણવા મળ્યું કે તે મોલની નોકરી છોડી રહ્યો છે. તેને એક મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી મળી ગઈ છે. જ્યાં પગાર પણ સારો મળશે.

સીડ નાયડુને ઉલ્લાસની વાતમાં એક તક દેખાઈ. તેમણે મોલના મેનેજરને વાત કરી ઉલ્લાસની જગ્યાએ પોતાને લેવાની વિનંતી કરી. સીડની વિનંતીને માન્ય રાખવામાં આવી. સીડ નાયડુને ૧૫ હજારના પગારથી બેંગલુરુના મોલમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી. મોલમાં થોડો સમય કામ કર્યા પછી સીડને ખબર પડી કે ઉલ્લાસ જે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરીએ લાગ્યો છે ત્યાંથી નોકરી છોડી બીજે જવાનો છે. સિડ નાયડુએ ફરી એક વખત ઉલ્લાસની જગ્યાએ નોકરી કરવા પોતાનો બાયોડેટા આપ્યો. સિડનું સિલેક્શન થતાં તેમની એન્ટ્રી સ્કવેરવન એક્સપેરિએન્ટલ માર્કેટિંગ જેવી મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં થઇ.

સ્કવેરવન એક્સપરિએન્ટલ માર્કેટિંગમાં જાેડાયા પછી હાઈ સ્ટાડર્ન્ડના કામ કેવી રીતે કરી શકાય તેનું જ્ઞાન સીડને મળવા લાગ્યું. નવા અનુભવની સાથે સીડ નાયડુએ પાર્ટ ટાઈમમાં ફ્રીલાન્સર તરીકે કામ કરવાનું પણ શરુ કર્યું. સીડ પોતાના ઇનોવેટીવ આઈડિયાને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા રહેતા હતા. તે દરમ્યાન માઈન્ત્રા બ્રાન્ડના પ્રમોટરોની નજર સીડના કામ ઉપર પડી. સીડનો સંપર્ક કરી માઇન્ત્રાએ રુપિયા ૧૫ લાખનો એક પ્રોજેક્ટ આપ્યો. પરંતુ શરત રાખવામાં આવી કે સીડનું કામ જાેયા પછી પેમેન્ટ આપવામાં આવશે.

પ્રોજેક્ટ માટે સીડને પૈસાની જરૂર પડી. તમની પાસે થોડી બચત હતી પરંતુ પ્રોજેક્ટ ઉપર કામ કરવા માટે સાત લાખ જેવો ખર્ચ થવાનો હતો. જેનું પેમેન્ટ કામ પાટે તે બાદ મળવાનું હતું. સીડે તેમના મિત્રો તથા સંબંધીઓ પાસેથી ઉધાર લીધાં. તમામને જણાવ્યું કે તે જીંદગીમાં પહેલી અને છેલ્લી વાર ઉધાર લઇ રહ્યો છું. સિડે ઉધાર લઇ પૈસા ભેગા કરી પ્રોજેક્ટ ઉપર કામ કર્યું. પ્રોજેક્ટ પૂરો કરી માઇન્ત્રાને કામ બતાવ્યું. સીડનું કામ ખૂબજ પસંદ કરવામાં આવ્યું. સીડને પંદર લાખ રૂપિયા પેમેન્ટ આપવામાં આવ્યું. પરંતુ પ્રોજેક્ટ પાછળ થયેલો ખર્ચો અને લોકો પાસેથી લીધેલા ઉધારને ચૂકવ્યા પછી સીડ પાસે કશુંજ બચ્યું નહીં. તેમ છતાં સીડને આશા હતી કે માઈન્ત્રાનું કામ જાેઈ માર્કેટમાંથી બીજું કામ ચોક્કસ મળશે. સીડનું જજમેન્ટ સાચું પડયું. માઇન્ત્રા માટેનું કામ જાેયા પછી મોટી-મોટી બ્રાન્ડ તેમની પાસે કામ લઈને આવવા લાગી.

સીડે પોતાનો વ્યવસાય શરુ કરવા નોકરી છોડી દીધી. તેમણે સિડ પ્રોડક્શન્સ બેનરથી પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની શરુ કરી. આજે ભારતમાં ખ્યાતનામ ગારમેન્ટ બ્રાન્ડ્‌સ પોતાના સ્ટોરના પ્રમોશનનું તમામ કામ સીડ પ્રોડક્શન્સ પાસે કરાવે છે. મહિને માત્ર ૨૫૦ રુપિયામાં અખબાર નાખવાનું કામ કરનાર સીડ નાયડુ આજે વર્ષના ચાર કરોડની કમાણી કરનાર સફળ એન્ટરપ્રેન્યોર બની ચુક્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution